તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
હાથીખાનાના કોમ્પ્યુટરના વેપારી પરાગ સંચાણીયા સાથે મિત્રતા કેળવી દિવ્યેશ આડેસરાની ૧૨ લાખની છેતરપીંડી
પ્રહલાદ પ્લોટ ચબુતરા ચોકમાં રહેતાં સોના ચાંદીના ધંધાર્થીએ વિશ્વાસ કેળવી એક મહિના માટે હાથ ઉછીની રકમ લઇ લીધા બાદ પાછી ન ચુકવીઃ ઘરે તપાસ કરવા જતાં તાળા લટકતા દેખાયાઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩: શહેરના કાલાવડ રોડ રહેતાં અને હાથીખાનામાં કોમ્પયુટર, લેપટોપની દુકાન ચલાવતાં વેપારી સાથે પ્રહલાદ પ્લોટમાં રહેતાં સોના ચાંદીના વેપારીએ મિત્રતા કેળવી હાથ ઉછીના પૈસાની લેતીદેતી કરી સમયસર રૂપિયા પાછા આપી દીધા બાદ છેલ્લે ધંધાના કામે જરૂર છે તેમ કહી એક મહિના માટે ૧૨ લાખ રૂપિયા માંગતા વેપારીએ વિશ્વાસ રાખી આ રકમ તેને આપ્યા બાદ તે મુદ્દત અનુસાર રકમ પાછી આપવાને બદલે ઘરને તાળા મારી ભાગી જતાં શોધખોળ બાદ અંતે તેના વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે કાલાવડ રોડ જડ્ડુસ ફૂડ ફિલ્ડ પાસે એવરેસ્ટ પાર્ક-૪માં રહેતાં પરાગભાઇ દિનેશભાઇ સંચાણીયા (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી પ્રહલાદ પ્લોટ-૪ ચબુતરા ચોકમાં રહેતાં દિવ્યેશ દિનેશભાઇ આડેસરા વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પરાગભાઇ સંચાણીયાએ જણાવ્યું છે કે હુ઼ પરિવાર સાથે રહુ છું અને હાથીખાનામાં રી કોમ્પલેક્ષમાં દુકાન નં. ૪૦૨માં કોમ્પ્યુટરના પાર્ટ તેમજ કોમ્પ્યુટર સ્ક્રીન અને લેપટોપને લગતુ કામ કરુ છું. ચાર પાંચ વર્ષ પહેલા મારા મિત્ર ભાસ્કર રાણપરા મારફત મારી ઓળખાણ પ્રહલાદ પ્લોટમાં રહેતાં દિવ્યેશ આડેસરા સાથે થઇ હતી. તેને સોના ચાંદીનો શો રૂમ છે. મારે તેની સાથે ઓળખાણ થયા બાદ તે અવાર-નવાર મારી દુકાને આવતો હતો. પોતાના શો રૂમ માટે તે મારી દુકાનેથી કોમ્પ્યુટર સ્ક્રીન, લેપટોપ ખરીદવા આવતો હતો. આ પછી અમારી વચ્ચે મિત્રતા થઇ હતી. મારે ક્યારેક રૂપિયાની જરૂર હોય તો હું તેની પાસેથી હાથ ઉછીના લેતો હતો અને પછી પાછા આપી દેતો હતો. ક્યારેક તેને પૈસાની જરૂર હોય તો હું મદદ કરતો હતો. તે પણ મને સમયસર રૂપિયા પાછા આપી દેતો હતો.
અમારી વચ્ચે વિશ્વાસ બંધાઇ જતાં અમે અવાર-નવાર રૂપિયાની લેતી દેતી કરતાં હતાં. દરમિયાન ગત ૧/૮/૨૨ના રોજ દિવ્યેશ આડેસરા મારી દુકાને આવ્યો હતો અને કહેલુ કે મારે સોના ચાંદીના દાગીનાના ધંધા માટે રૂપિયાની જરૂર છે અને ૧૨ લાખ જોઇએ છે, આ રકમ હું તમને એકાદ મહિનામાં પાછી આપી દઇશ. અગાઉ તેને મેં રૂપિયા આપ્યા હોઇ તે તેણે સમયસર પાછા આપી દીધા હોઇ અને તેની સાથે મિત્રતા પણ હોઇ તેમજ તેના પર વિશ્વાસ હોઇ જેથી મેં તેને આરટીજીએસથી ૧૨ લાખ તેના ખાતામાં ટ્રાન્સફર કરીને આપ્યા હતાં.
ત્યારબાદ છ સાત મહિના વીતી જવા છતાં તેણે મારા ૧૨ લાખ પાછા ન આપતાં મેં તેની પાસે આ રકમની ઉઘરાણી કરતાં તેણે થોડા દિવસમાં આપી દઇશ તેવી વાત કરી હતી. પરંતુ મારી રકમ મુદ્દત વિતવા છતાં તે આપતો ન હોઇ તેની ઘરે જઇ તપાસ કરતાં ખબર પડી હતી કે તે ઘરને તાળા મારી જતો રહ્યો છે.
આ પછી મેં મારી રીતે તેની શોધખોળ ચાલુ રાખી હતી. પરંતુ આજ સુધી ન મળતાં અંતે ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ એમ. ડી. ડાંગીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(3:04 PM IST)










