તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
કાવો મારવા મામલે ધો-૮ અને ૯ના બે છાત્ર બંધુને બગીચામાં બોલાવી બેફામ મારકુટ
શાળાએથી છુટીને ૧૫ અને ૧૬ વર્ષના પિત્રાઇ ઘરે જતાં હતાં ત્યારે કાતાસ્ત્રી વિકાસ ગૃહ પાસે બોલાચાલી થતાં એક્ટીવા ચાલકે એક છાત્રના ફોન નંબર લઇ બાદમાં ‘તારા પપ્પા બોલુ છું આવી જા ભક્તિનગર સર્કલના બગીચામાં' કહી ત્યાં બોલાવી માર માર્યો

રાજકોટ તા. ૩: શહેરમાં વાહન ચાલકો વચ્ચે અવાર-નવાર કાવો મારવા પ્રશ્ને કે વાહન અડી જવા મામલે માથાકુટ થતી હોય છે. દરમિયાન ગત રાતે મીલપરા વિસ્તારમાં રહેતાં ધોરણ ૮ અને ૯માં ભણતાં બે પિત્રાઇ ભાઇઓને કાંતાસ્ત્રી વિકાસ ગૃહ પાસે એક્ટીવા ચાલક શખ્સો સાથે કાવો મારવા બાબતે બોલાચાલી થતાં એ શખ્સે આ છાત્રના મોબાઇલ નંબર લઇ બાદમાં તારા પપ્પા બોલુ છું આવી જા બગીચામાં તેમ કહી ભક્તિનગર સર્કલના બગીચામાં બોલાવ્યા બાદ ઢીકાપાટુ અને પ્લાસ્ટીકના પાઇપથી માર મારતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું.
જાણવા મળ્યા મુજબ મીલપરામાં રહેતો ૧૬ વર્ષનો સગીર ધોરણ-૯માં અભ્યાસ કરે છે અને તેના મોટા બાપુનો દિકરો ૧૫ વર્ષનો છે જે ધોરણ-૮માં ભણે છે. બંને સાંજે સ્કૂલેથી છુટીને ટુવ્હીલર પર ઘરે જતાં હતાં ત્યારે કાંતાસ્ત્રી વિકાસ ગૃહ પાસે પહોંચ્યા ત્યારે એક એક્ટીવા પર બે જણા નીકળતાં તેણે કાવો મારતાં છાત્રએ તેને ધ્યાન રાખવાનું કહેતાં બોલાચાલી થઇ હતી. એ પછી એક્ટીવા ચાલકે તારા ફોન નંબર દે તેમ કહેતાં છાત્રએ નંબર આપ્યા હતાં. ત્યારબાદ બંને ભાઇઓ ઘરે જવા રવાના થતાં હતાં ત્યાં નંબર લેનારા શખ્સે છાત્રને ફોન કર્યો હતો અને તારા પપ્પા બોલુ છું, આવી ભક્તિનગર સોસાયટીના મિલન બગીચામાં...જેથી છાત્રએ પણ હું ય પપ્પા બોલુ છું, આવુ છું...કહીને પોતાના ભાઇને લઇને બગીચામાં જતાં ત્યાં તેની સાથે ઝઘડો કરી ત્રણ શખ્સોએ મળી ઢીકાપાટુ અને પ્લાસ્ટીકના પાઇપથી માર માર્યો હતો. માણસો ભેગા થઇ જતાં આ ત્રણેય ભાગી ગયા હતાં.
ત્યારબાદ છાત્રએ પોતાના વાલીને જાણ કરતાં વાલીઓ પહોંચ્યા હતાં અને બંને ભાઇઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં બંને છાત્રએ પોતાને મારકુટ કરનારાઓમાં હાર્દિક, મિલન, નીલુ સહિતના હોવાનું કહેતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
(3:59 PM IST)










