News of Friday, 3rd January 2025
શહેર ભાજપ પ્રમુખ બનવા લાઇનઃ કાલે ફોર્મ ભરાશેઃ પસંદગી પ્રદેશ કક્ષાએથી
મુકેશ દોશી, કશ્યપ, દેવાંગ, ડવ, રૈયાણી, પુષ્કર, મોલિયા, રાડિયા તથા બે મહિલા વગેરેના નામ ગાજયા

રાજકોટ, તા., ૩ : ભાજપ દ્વારા મહાનગરો તથા મંડળ સ્તરે વોર્ડ તાલુકા વાઇઝ પ્રમુખોની ગુજરાતભરમાં જાહેરાત કરાઇ છે. હવે શહેર પ્રમુખો માટેની કવાયત હાથ ધરવામાં આવનાર છે. રાજકોટમાં પણ શહેર પ્રમુખ બનવા રીતસર હોડ લાગી હોવાનું દ્રશ્ય સર્જાયું છે. જેમાં ૧૯ જેટલા આગેવાનો કાલે દાવેદારી નોંધાવે તેવુે સુત્રોમાંથી જાણવા મળેલ છે આ આગેવાનોમાં પુર્વ અને વર્તમાન કોર્પોરેટરો, પુર્વ મેયરો, પુર્વ વોર્ડ પ્રભારીઓ સહીત બે મહિલા આગેવાનો પણ રેસમાં ઝુકાવશે.
રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપની યોજના અનુસાર અને ચુંટણી અધિકારી ઉદયભાઈ કાનગડ, રાજકોટ મહાનગર સંગઠન પર્વ ક્લસ્ટર ઇન્ચાર્જ મયંકભાઈ નાયક અને રાજકોટ મહાનગરના ચુંટણી અધિકારી ડો.માયાબેન કોડનાની અને સંગઠનપર્વ-૨૦૨૪ અંતર્ગત રાજકોટના ચુંટણી અધિકારીની વિશેષ જવાબદારી આપવામાં આવેલ છે તેવા પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાએ માહિતી આપતા જણાવેલ છે કે સંગઠન પર્વ ૨૦૨૪ અંતર્ગત રાજકોટ શહેર ભાજપના નવા પ્રમુખની જેમને દાવેદારી કરવી છે તેવા ઉમેદવારો માટેના ઉમેદવારી ફોર્મ આવતીકાલે તા.૪ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૧.૩૦ દરમ્યાન રાજકોટ શહેર કમલમ કાર્યાલય, શીતલપાર્ક પાસે, રાજકોટ ખાતે સ્વીકારવામાં આવશે.
સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કાલે ચુંટણી સંગઠન અધિકારી માયાબેન કોડનાની રાજકોટ આવી રહયા છે. ત્યારે પ્રમુખ બનવા ઇચ્છુકો ફોર્મ ભરી દાવેદારી રજુ કરનાર છે. જો કે ભાજપ દ્વારા શહેર પ્રમુખ માટે વય મર્યાદા દુર કરી છે. પણ અન્ય સાત જેટલા નિયમો બનાવ્યા છે. જેમાંથી ઉમેદવારે ખરૂ ઉતરવુ ફરજીયાત છે.
જીલ્લા કે મહાનગરના ભાજપ પ્રમુખો માટે વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે.
જીલ્લા - મહાનગર પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા/પ્રદેશ સ્તરે જીલ્લા/દેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં ફરજીયાત કામ કરેલુ હોવુ જોઈએ. મહાનગર પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે.
ઉપરાંત પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્લડ રીલેશન પરિવાર ગણવો માતા-પિતા, ભાઈ, પુત્ર-પત્ની), જે મહાનગર પ્રમુખ સતત બે ટર્મ /મહાનગર પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં.
મહાનગર પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવળત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ (આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે). ઉપરાંત પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ બનવા માટે વર્તમાન પ્રમુખ મુકેશ દોશી, પૂર્વ મેયરો રક્ષાબેન બોળીયા તથા પ્રદીપ ડવ, પૂર્વ કેબીનેટ મંત્રી અરવીંદ રૈયાણી, કોર્પોરેટરો પુષ્કર પટેલ, મનીષ રાડીયા, નીલેશ જળુ, નેહલ શુકલ તથા દેવાંગ માંકડ દાવેદારી રજુ કરી શકે છે.
જયારે પૂર્વ ડે. મેયર વલ્લભભાઇ દુધાત્રા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પુજારા, વર્તમાન શહેર ભાજપ મહામંથત્રીઓ અશ્વિન મોલીયા તથા વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રભારીઓ જીજ્ઞેશ જોષી, અનીલ મકવાણા તથા નીતીન ભુત પણ ફોર્મ ભરે તેવું જાણવા મળેલ છે.
ઉપરાંત પૂર્વ કોર્પોરેટર કશ્યપ શુકલ, શહેર યુવા મોરચાના પૂર્વ પ્રમુખ પરેશ ઠાકર તથા વર્તમાન મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડીયા પણ રેસમાં સામેલ થઇ શકે છે.
(4:04 PM IST)










