<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

રાજકોટ રહેતી માણાવદરના નાનડીયાની તબિબ યુવતિ જલ્‍પા ઘોસીયાનો ફાંસો ખાઇ આપઘાત

સોૈરાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર પાછળ સોમેશ્વર ચોકના ફલેટમાં ૨૮ વર્ષિય બીએચએમએસ યુવતિ એકલી રહેતી હતી સહેલીનો ફોન રિસીવ ન થતાં ફલેટ પર જઇ તપાસ કરતાં લટકતી મળીઃ આપઘાતનું કારણ અકળઃ પરિવારમાં કલ્‍પાંતઃ મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું: બે ભાઇની એક જ બહેન હતીઃ ગાંધીગ્રામ પોલીસ દ્વારા કારણ જાણવા મથામણ

રાજકોટ તા. ૪: શહેરમાં દોઢસો ફુટ રીંગ રોડ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન પાછળના ભાગે સોૈરાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર નજીક આવેલા સોમેશ્વર ચોકમાં ફલેટમાં  એકલી રહેતી મુળ માણાવદરના નાનડીયા ગામની તબિબ યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં, સહેલીઓમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. બીએચએમએસ ડોક્‍ટરની ડિગ્રી ધરાવતી ૨૮ વર્ષિય યુવતિને સાંજે તેની સહેલી ફોન જોડતી હતી પણ ફોન રિસીવ ન થતાં તેણીએ રૂબરૂ ફલેટ ખાતે આવીને જોતાં ઘટનાની જાણ થઇ હતી. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે. બીજી તરફ પરિવારજનોએ મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ સોૈરાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર નજીક સોમેશ્વર ચોકમાં આવેલા માધવપ્રસાદ એપાર્ટમેન્‍ટના ફલેટમાં રહેતી જલ્‍પાબેન પ્રહલાદભાઇ ઘોસીયા (ઉ.વ.૨૮) નામની તબિબ યુવતિએ ફલેટમાં દૂપટ્ટાથી ગળાફાંસો ખાઇ લેતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ મારફત જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના તપાસનીશ મિહીરસિંહ બારડ સહિતે હોસ્‍પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

આપઘાત કરી લેનાર જલ્‍પાબેનના માતા-પિતા સહિતના પરિવારજનો માણાવદરના નાનડીયા ગામે રહેતાં હોઇ તેમને જાણ કરવામાં આવતાં માતા-પિતા-ભાઇ સહિતના સ્‍વજનો તુરત જ રાજકોટ પહોંચ્‍યા હતાં. દિકરીના મૃત્‍યુની જાણ થતાં તેઓ ઉંડા આઘાતમાં ગરકાવ થઇ ગયા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ જલ્‍પાબેન બીએચએમએસ ડોક્‍ટર હતાં અને કેનાલ રોડ લલુડી વોંકળી વિસ્‍તારમાં ક્‍લીનીક ચલાવતાં હતાં.

સાંજે જલ્‍પાબેનને તેની એક સખી ફોન જોડતી હતી. પરંતુ ફોન રિસીવ ન થતાં તેણી તેના ફલેટ ખાતે રૂબરૂ પહોંચી ત્‍યારે દરવાજો બંધ હોઇ પાટા મારી તોડીને જોતાં જલ્‍પાબેન દુપટ્ટામાં લટકતી દેખાતાં બીજા લોકોની મદદથી નીચે ઉતારી બેભાન હાલતમાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડી હતી. પરંતુ સારવાર કારગત ન નીવડતાં જલ્‍પાબેનનું મૃત્‍યુ થયુ હતું. તેણી બે ભાઇની એક જ બહેન હતી અને કેટલાક વર્ષોથી રાજકોટ એકલી રહી દવાખાનુ ચલાવતી હતી. અવાર-નવાર તેણી વતન નાનડીયા ખાતે આવ-જા કરતી હતી. તેણીના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. પરિવારજનો કે જલ્‍પાબેનની સહેલીઓ આપઘાતનું કારણ હાલ જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. જલ્‍પાબેનના મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવાની પરિવારજનોએ માંગણી કરતાં પોલીસે તે માટે કાર્યવાહી કરી હતી. આશાસ્‍પદ એવી તબિબ દિકરીના આ પગલાથી ઘોસીયા પરિવારમાં કલ્‍પાંત  સર્જાયો છે.

(3:01 PM IST)