<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

મંદિરમાં જ ચોરીઓ કરવાની કૂટેવ ધરાવતો શાતીર મેહુલ ઉર્ફ મામો તેની બે ભૂલને કારણે દબોચાયો

મવડી રોડ પર સિધ્‍ધી વિનાયક મંદિરમાં દાનપેટી તોડનાર રીઢા તસ્‍કરને ઝડપી લેવાયો પાછળના ભાગેથી આવ્‍યો ત્‍યારે મોઢુ ખુલ્લુ હતું: મંદિરમાં આવી રૂમાલ બાંધ્‍યો, કેમેરા સામે ધ્‍યાન જતાં મેઇન સ્‍વીચ બંધ કરી ચોરી કરી, જતાં જતાં કેમેરો ફરી ચાલુ કર્યો અને ઓળખાઇ ગયો અગાઉ દેરાસરમાં લૂંટ, મંદિરોમાં ચોરીઓ, મારામારી, નિર્લજ હુમલો, ધમકી સહિત ૩૧ ગુનામાં સામેલ તસ્‍કરને માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર. દેસાઇ, પીએસઆઇ ડી. એસ. ગજેરાની ટીમે દબોચ્‍યો જયદેવસિંહ પરમાર, ચિત્રકેતુસિંહ ઝાલા અને મનિષભાઇ સોઢીયાની બાતમી

રાજકોટ તા. ૪: શહેરના મવડી રોડ પર માલવીયાનગર પોલીસ સ્‍ટેશન નજીક આવેલા શ્રી સિધ્‍ધી વિનાયક મંદિરમાં થયેલી ચોરીનો ભેદ માલવીયાનગર પોલીસે ઉકેલી રીઢા તસ્‍કરની છાપ ધરાવતાં મેહુલ ઉર્ફ ભુરી ઉર્ફ મામો ધનજીભાઇ જેઠવા (ઉ.વ.૨૭-રહે. કૈલાસનગર-૨, ચામુંડા નિવાસ, નવલનગર-૯ના છેડે)ને પકડી લઇ દાનપેટીમાંથી ચોરેલી રોકડ રકમ ૧૨ હજાર કબ્‍જે લેવામાં આવી છે. માત્ર મંદિરોમાં જ ચોરીઓ કરવાની કૂટેવ ધરાવતો આ શાતીર દિમાગ તસ્‍કર આ વખતે પોતાની બે ભુલને કારણે પોલીસની નજરે ચડી ગયો હતો અને ઝડપાઇ ગયો હતો.

મંદિરમાં ચોરીનો ગુનો જાહેર થતાં જ ડી. સ્‍ટાફની ટીમ કામે લાગી હતી. એ દરમિયાન સીસીટીવી કેમેરાઓને અલગ અલગ ટીમો બનાવી ચેક કરાયા હતાં. મંદિરમાં તસ્‍કર ઘુસ્‍યો ત્‍યારે મોઢે રૂમાલ બાંધેલો હતો. પરંતુ પોલીસે મંદિર પાછળના ભાગના કેમેરા જોતાં તેમાં ખુલ્લા મોઢે તે અંદર ઘુસતો દેખાયો હતો. એ પછી મંદિરમાં આવતાં કેમેરા સામે ધ્‍યાન જતાં તેણે મેઇન સ્‍વીચ બંધ કરી હતી અને ચોરી કર્યા બાદ ફરી મેઇન સ્‍વીચ ચાલુ કરી કેમેરા ચાલુ કરીની બહાર નીકળી ગયો હતો. આ વખતે પણ તેનો ચહેરો દેખાઇ ગયો હતો. આ બે ભુલને કારણે તેને પોલીસ ઓળખી ગઇ હતી. આ શખ્‍સ બીજો કોઇ નહિ પણ મેહુલ ઉર્ફ ભુરી ઉર્ફ મામો ધનજીભાઇ જેઠવા  હતો. દરમિયાન હેડકોન્‍સ. જયદિપસિંહ પરમાર તથા કોનસ. મનિષભાઇ સોઢીયા, ચિત્રકેતુસિંહ ઝાલાને બાતમી મળી હતી કે પીળુ જેકેટ અને ગ્રે પેન્‍ટ પહેરી મંદિરમાં ચોરી કરનાર રીઢો તસ્‍કર ગોંડલ રોડ સ્‍વામિનારાયણ ગુરૂકુળ પાસે રેલ્‍વેના પાટા નજીક બેઠો છે.

આ માહિતી પરથી તેને ઉઠાવી લેવાયો હતો અને રોકડ કબ્‍જે કરાઇ હતી. મેહુલ અગાઉ માલવીયાનગર, તાલુકા, ભક્‍તિનગર, એ-ડિવીઝન, યુનિવર્સિટી પોલીસ, આજીડેમ પોલીસ, ધારી પોલીસના મંદિર ચોરીઓ, મારામારી, ધમકી, નિર્લજ્જ હુમલો, જૈન દેરાસરમાં પુજારી પર હુમલો કરી લૂંટ સહિતના ૩૧ ગુનાઓ અગાઉ આચરી ચુક્‍યો છે. જેમાં સોૈથી વધુ ગુના મંદિરોમાં ચોરીઓ કરવાના છે. મંદિરોમાં રાતના સમયે મોટે ભાગે કોઇ રહેતું ન હોઇ સહેલાઇથી પકડાઇ જવાની બીક વગર ચોરી થઇ શકતી હોઇ તેમ માનતો હોઇ તે મંદિરોમાં ચોરીઓ કરવાના રવાડે ચડી ગયાનું પોલીસે કહ્યું હતું.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ ડી. એસ. ગજેરા, એએસઆઇ હિરેનભાઇ પરમાર, હેડકોન્‍સ. અજયભાઇ વિકમા, દિનેશભાઇ બગડા, જયદેવસિંહ પરમાર, હિતેષભાઇ અગ્રાવત, કોન્‍સ. મનિષભાઇ સોઢીયા, ચિત્રકેતુસિંહ ઝાલા, ભાવેશભાઇ ગઢવી, મયુરદાન બાટી, જયદિપસિંહ ભટ્ટીની ટીમે આ કામગીરી કરી હતી.

(4:15 PM IST)