News of Saturday, 4th January 2025
શહેર ભાજપ પ્રમુખ બનવા ૩૦ને જાગ્યા કોડ, લગાવી બરાબરની હોડ
વર્તમાન પ્રમુખ, ૪ પૂર્વ મેયર, ર પૂર્વ ડે. મેયર, ૩ કોર્પોરેટર વગેરેની વિધિવત ઉમેદવારીઃ જુથવાદના ફુંફાડા મુકેશ દોશી, દેવાંગ માંકડ, જૈમન ઉપાધ્યાય, કશ્યપ, વિનુ ધવા, ધર્મેન્દ્ર મિરાણી, મનીષ રાડીયા, સરધારા, મોલિયા, બીનાબેન, રક્ષાબેન વગેરેએ ફોર્મ રજુ કર્યાઃ કાલે મયંક નાયકની હાજરીમાં સંકલન બેઠક

રાજકોટ તા. ૪ : શહેર ભાજપના પ્રમુખ બનવા માટે આજે સવારથી બપોર સુધી કાર્યાલય ખાતે ઉમેદવારી પત્ર રજૂ કરવાની પ્રક્રિયા શરૂ થઇ છે. ચૂંટણી અધિકારી ડો. માયાબેન કોડનાની, મુકેશભાઇ લંગારીયા સમક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવાના છે. બપોરના ૧ વાગ્યા સુધીમાં ૩૦થી વધુ અગ્રણીઓ પ્રમુખપદ માટે ઉમેદવારી કરી છે. કાલે બપોરે કલ્સ્ટર ઇન્ચાર્જ સાંસદ મયંક નાયકની હાજરીમાં સંકલન બેઠક મળશે. સંકલન સમિતિના અહેવાલ બાદ તા. ૮ થી ૧૦ વચ્ચે નવા પ્રમુખનું નામ જાહેર થાય તેવી શકયતા છે.
પ્રમુખ માટેની દાવેદારી માટેની શરતો રાખવામાં આપી છે. તે શરતો મુજબ વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઇએ. જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે. જિલ્લા પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા-પ્રદેશ સ્તરે જીલ્લા-પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ હોવુ જોઇએ. પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્લડ રીલેશન પરિવાર ગણવો માતા-પિતા, ભાઇ-પુત્રી-પત્ની, જે પ્રમુખ સતત બે ટર્મ, પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં. પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યકિત પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં. વગેરે શરતોનો સમાવેશ થાય છે.
શહેર ભાજપ પ્રમુખપદ માટેના ઉમેદવાર તરીકે મુકેશ દોશી, દેવાંગ માંકડ, ધર્મેન્દ્ર મીરાણી, કશ્યપ શુકલ, ડો. જૈમન ઉપાધ્યાય, મનિષ રાડીયા, વિનુભાઇ ધવા, અશ્વિન મોલીયા, જયંતી સરધારા, બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળીયા, કિરણબેન માંકડીયા, કલ્પના કિયાડા, અનિલ મકવાણા, દિનેશ કારીયા, પરેશ ઠાકર, જીજ્ઞેશ જોષી, પ્રદીપ ડવ, નીતીન ભુત, શૈલેષ જાની, માવજીભાઇ ડોડીયા, ગંભીરસિંહ પરમાર, તેજસ ત્રિવેદી વગેરે ઉમેદવારી કરી છે.
(2:39 PM IST)










