News of Saturday, 4th January 2025
પૂ.શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં ભુપેન્દ્રભાઇના હસ્તે એનિમલ એમ્બ્યુલન્સની અર્પણવિધિ
શ્રી જશ-પ્રેમ-ધીર સંકુલ ખાતે કરૂણા ફાઉન્ડેશનને હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ અર્પણ કરાશે : ૧૫ લાખના ખર્ચની એમ્બયુલન્સ ૫૦૦ કિલો સુધીના પશુઓને ઉંચકી શકાશે

રાજકોટ તા.૪ : શ્રી જશ-પ્રેમ-ધીર સંકુલ, વૈશાલીનગર ખાતે શતાધિક ધર્મ સ્થાનક નિર્માણ પ્રણેતા પૂ.શ્રી ધીર ગુરૂદેવના શુભંકર સાંનિધ્યે આજે તા.૪ ને શનિવારે સૌજે ૬:૩૦ કલાકે જિજ્ઞા સુધાબેન કે. શાહ-અંધેરી પ્રેરિત હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સ અર્પણ વિધિ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ના હસ્તે કરાશે.
જોગાનુજોગ શિવકુંવરબેન બચુભાઇ દોશી મેડીકલ અને વૈયાવચ્ય સેન્ટરના ચતુર્થ વર્ષના પ્રવેશ પ્રસંગે પેથોલોજીમાં અતિ ઉપયોગી ઓટો ઇમ્યુન એસ.એ (જર્મની) નો શુભારંભ કરાશે. આજે જીવદયા પ્રેમી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે આ હાઇડ્રોલિક ઍમ્બ્યુલન્સ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનિમલ હેલ્પલાઈન, રાજકોટને અર્પણ કરાશે.
આ હાઈડ્રોલીક એમ્બ્યુલન્સ ૫૦૦ કિલો સુધીના વજન ધરાવતા પશુઓને ઉંચકી શકે છે. ગાય, ભેંસ, બળદ, ગધેડા જેવા ભારે વજન ધરાવતા પશુઓ છે જેઓ બીમાર હોય, એકસીડન્ટ થયેલ હોય, તેની હેરફેર કરવી પડે તેમ હોય, હોસ્પિટલ ખસેડવા પડે તેમ હોય, તેમની સારવાર માટે રૂ.૧૫ લાખના ખર્ચે તૈયાર થયેલ સુપર સ્પેશ્યાલીસ્ટ હાઈડ્રોલીક એમ્બ્યુલન્સ ખૂબ જ ઉપયોગી થશે. એ સિવાય કુવા, તળાવ, ડેમ, ઉંડા ખાડાઓમાં કોઈ પશુ પડી જાય તો તેને બહાર કાઢવા માટે સ્પેશ્યલ હાઈડ્રોલીક એમ્બ્યુલન્સમાં ૧૦૦ ફૂટની હાઈડ્રોલીક ચેઈન બેસાડવામાં આવેલ છે જેની મદદથી પશુઓને બહાર કાઢી શકાશે.
કાર્યક્રમને સફળ બનાવવા રજનીભાઇ બાવીસી, ડો.સંજય શાહ, જયશ્રી શાહ, પ્રદીપ દોશી, જશવંત મણીયાર, વિશાલ શાહ, તારક વોરા વગેરે તેમજ કરૂણા ફાઉન્ડેશનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી વગેરે કાર્યરત છે.
(2:43 PM IST)










