<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર બે કાર અથડાઇઃ એક ઉછળીને પલ્‍ટી ખાઇ જતાં બૂકડોઃ બે લોકોને ઇજા

સ્‍વીફટ કારની બંને એરબેગ ખુલી ગઇઃ નેકસન કારમાં પણ ભારે નુકસાનીઃ બંનેના ચાલકો અંગે તપાસ

રાજકોટઃ શહેરના મવડી ૧૫૦ રીંગ રોડ પર રાતે બે કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયા બાદ એક કાર પાંચેક ફુટ ઉછળી રેલીંગ ઠેંકીને પલ્‍ટી મારી ગઇ હતી. આ અકસ્‍માતમાં બંને કારમાં ભારે નુકસાન થવા સાથે બે લોકોને ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો અને પોલીસ પણ દોડી ગઇ હતી. ભારે મથામણને અંતે પોલીસે લોકોની મદદથી કારને સાઇડમાં લેવા કાર્યવાહી કરી હતી. તસ્‍વીરમા અથડાયેલી બંને કારની હાલત, અથડાયા બાદ એક કાર ઉછળીને રેલીંગ તોડી ઉંધી વળી ગઇ હતી તે દ્રશ્‍ય અને ટોળે વળેલા લોકો, પોલીસ સ્‍ટાફ જોઇ શકાય છે. આ સ્‍વીફટ કારનો બૂકડો બોલી ગયો હતો. જેની એરબેગ પણ ખુલી ગઇ હતી. માલવીયાનગર પોલીસે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસના જણાવ્‍યા મુજબ પલ્‍ટી ખાઇ ગયેલી જીજે૦૩કેએચ-૭૩૪૨ નંબરની સ્‍વીફટ કારમાં જંગવડ ગામના ચીરાગ ભુપતભાઇ ગોડારીયા (ઉ.વ.૨૨)ને ઇજા થયાની નોંધ થઇ છે. આ ઘટના ગોવર્ધન ચોકમાં બની હતી. આ કારની પાછળ બીજી કાર અથડાતાં અકસ્‍માત સર્જાયાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. સ્‍વીફટ સિવાયની બીજી કાર ટાટા નેક્‍સન હતી. જેના નંબર જીજે૦૩એનબી-૮૫૭૦ હતાં. પોલીસે તેના ચાલકની શોધખોળ હાથ ધરી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

(2:47 PM IST)