News of Saturday, 4th January 2025
૧૩મી ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્ડ નાઈટ ટુર્નામેન્ટની તડામાર તૈયારીઓને અપાતો આખરી ઓપ
રાજકોટ સીટી પોલીસ અને એહસાસ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે તા. ૬ થી ૧ર સુધી યોજાનાર રાજકોટ સીટી પોલીસ અને જયોતિ સી.એન.સી ચેલેન્જ કપ ૨૦૨૫ માં સમગ્ર ગુજરાતની ૨૪ ટીમો ભાગ લેશેઃ આયોજકો દ્વારા રાજકોટની તમામ શાળાના વિદ્યાર્થીઓને મેચ નિહાળવા આમંત્રણ રાજકોટમાં અલગ-અલગ ૧૨ સ્થળોએ વિદ્યાર્થીઓને ફૂટબોલની તાલીમ આપવામાં આવી રહી છે

રાજકોટ, તા., ૪: ફૂટબોલની રમત ભારતમાં હાલમાં ખુબ પ્રચલીત થઈ રહી છે. ફીફા (FIFA, AIFF (ઓલ ઈન્ડિયા ફૂટબોલ એસોસિએશન) અને ગુજરાત ફુઉટબોલ એસોસીએશનના સંયુકત પ્રયાસોથી ફૂટબોલમાં ખાસ કરીને યુવાનોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ભારતમાં ફૂટબોલનું ભવિષ્ય ખુબ આશાષ્પદ અને ઉજ્જવળ જણાય છે, ત્યારે ગુજરાત રાજયમાં અને પોલીસ વિભાગમાં ફૂટબોક સહીતની રમતોના ઉત્થાન અને પ્રોત્સાહનના ઉદ્દેશ્ય સાથે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના સહયોગથી રાજકોટ સીટી પોલીસ અને એહસાસ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રાજકોટની નામાંકિત કંપની જયોતિ સી.એન.સી ના સહયોગથી ૧૩મી ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્ડ નાઈટ ટુર્નામેન્ટનું તા. ૦૬ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન રેસકોર્ષ રીંગ રોડ સ્થિત આર.એમ.સી. ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ ભવ્ય ફૂટબોલ ટુર્નામેન્ટનું ધમાકેદાર ઉદઘાટન મહાનુભાવોની ઉપસ્થિતીમાં પોલિસ બેન્ડ સાથે બલુન રિલિઇઝીંગ સેરેમનીથી કરવામાં આવશે.
આ ટુર્નામેન્ટના મુખ્ય દાતા જયોતિ સી.એન.સી ઓટોમેશન લિમિટેડના સી.એસ.આર. હેડ તેમજ એહસાસ ટ્રસ્ટના લાઈફ પ્રેસિડન્ટ શ્રી કૌશિકભાઈ સોલંકી દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, છેલ્લા ૧૩ વર્ષથી આયોજીત થતી રાજકોટ સીટી પોલીસ અને જયોતિ સી.એન.સી ચેલેન્જ કપ ૨૦૨૫ ફૂટબોલ ટુર્નામેન્ટ ગુજરાત ફુટબોલ એસોસિએશન અને રાજકોટ ફુટબોલ એસોસિએશનની માન્યતા પ્રાપ્ત ટુર્નામેન્ટ છે. તા. ૦૬ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન યોજાનાર ડે એન્ડ નાઈટ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી ૨૪ ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓ માટે નિ:શુલ્ક રહેવાની સુંદર વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવેલ છે. તેમજ રેષકોર્સ ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે આ ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટ નિહાળવા આવતા દર્શકો માટે લાઈટિંગ અને બેઠકની સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાત ફુટબોલ એસોસિએશનના માન્યતા પ્રાપ્ત રેફરી નિર્ણાયકની ફરજ નિભાવશે તથા અનુભવી અને પૂર્વ રમતવીરો દ્વારા મેચનું સુચારુ સંચાલન કરવામાં આવશે. આ ૧૩મી ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્ડ નાઈટ ટુર્નામેન્ટમાં જીતનાર ચેમ્પિયન ટીમ, રનર્સ-અપ ટીમ, ત્રીજા અને ચોથા સ્થાને આવનાર ટીમ, દરેક મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી તેમજ અલગ અલગ કેટેગરીમાં મેન ઓફ ધી મેચ, બેસ્ટ પ્લેયર, બેસ્ટ ગોલકીપર, બેસ્ટ ડીફેન્ડર, બેસ્ટ મિડ ફિલ્ડર, બેસ્ટ ફોરવર્ડ અને હાયેસ્ટ સ્કોર કરનારને અંદાજીત ૨ લાખ રુપિયા રોકડ ઈનામો, અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ સાત દિવસ દરમિયાન યોજાતા મેચોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હાલમાં ફૂટબોલમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે રાજકોટમાં અલગ- અલગ ૧૨ સ્થળોએ ફૂટબોલની નિષ્ણાંત કોચ દ્વારા તાલીમ આપવામાં આવી રહે છે. આયોજકો દ્વારા શાળાઓ અને વાલીઓને તેમના બાળકોને આ તમામ મેચો નિહાળવા રેસકોર્ષ રીંગ રોડ સ્થિત આર.એમ.સી. ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ખાસ આમંત્રિત કરવામાં આવે છે.
ગત તમામ વર્ષોની માફક આ વર્ષે પણ જયોતિ સી. એન સી ઓટોમેશન લી. મેચના મુખ્ય સ્પોન્સર તરીકે, જયારે સહ સ્પોન્સર તરીકે શ્રી ઉદયભાઈ પારેખ, ઓમનીટેક એન્જીિનયરીંગ પ્રા. લી., મેટોડા જોડાયા છે. તેમજ અન્ય દાતાઓમાં શ્રી મનિષભાઈ માદેકા -રોલેક્સ રોલ્ડ રીંગ્સ, રાજકોટ, શ્રી વિજયભાઈ શાહ - પેલિકન રોટોફ્લેક્સ પ્રા.લી. આણંદપર, શ્રી વિનેશભાઈ પટેલ - ઓરબીટ બેરિંગ્સ ઈન્ડિયા પ્રા. લી. મેટોડા, શ્રી રાજુભાઇ ભારદીયા - રવિ ટેકનોફોર્જ - શાપર, શ્રી વિક્રમભાઇ જૈન -એ.વી.આર (વિક્રમ) વાલ્વસ પ્રા.લી.- મેટોડા, વગેરે કંપનીઓનો ઉદારભાવે આર્થીક સહયોગ સાંપડયો છે. આ સમગ્ર ફુટબોલ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી શ્રી પાર્થરાજસિંહ ગોહેલ, જયોતિ સી.એસ.સી ના શ્રી વિક્રમસિંહ રાણા, શ્રી કૌશિકભાઈ સોલંકી, રાજકોટ ફુટબોલ એસોસિએશનના શ્રી બી કે જાડેજા, શ્રી રોહિતભાઈ બુંદેલા, એહસાસ ટ્રસ્ટના શ્રી નિશ્ચલભાઈ સંઘવી અને શ્રી મિતેશભાઈ શાહ, શ્રી ડિસોઝા સાહેબ, શ્રી રાજુભાઈ અને શ્રી જયેશભાઈ કનોજીયાના માર્ગદર્શનમાં પોલીસ ડીપાર્ટમેન્ટ, એહસાસ ટ્રસ્ટ અને જયોતિ સી. એન. સી. વતી શ્રી વનરાજસિંહ જાડેજાની ટીમના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે ટૂંકા ગાળામાં ફૂટબોલ ગ્રાઉન્ડને વ્યવસ્થિત કરવામાં રાજકોટ મ્યુનિસીલ કોર્પોરેશનનો ભરપુર સહયોગ સાંપડયો છે.
(4:02 PM IST)










