News of Monday, 6th January 2025
રાજકોટના અગ્રગણ્ય ઉદ્યોગપતિ ભાઇઓએ ર૦૦ કરોડની જમીનમાં સગા બહેનનો હક્ક ડુબાડયો ! : જુઓ વિડિયો

શાપર (વેરાવળ) ખાતે આવેલી ૧પ૦ વિઘા વાડીએ વડીલોપાર્જીત હક્કની રૂએ ગઇકાલે દયાબેન ટીલાળા ગયા ત્યારે ભાઇના કહેવાથી પોલીસે સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધી વિના વાંકે પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા : અન્ય ભાઇ-બહેનોની સાથે કોર્ટમાં રજુ થયેલી મારી સહી બોગસ : મારે મારા હક્ક સિવાય કાંઇ જોતુ નથી : સોશ્યલ મીડીયા સમક્ષ દયાબેનના બે ભાઇ અને ભત્રીજા સામે આક્ષેપો
રાજકોટ, તા., ૬: રાજકોટના અગ્રગણ્ય ઉદ્યોગપતિ ટીલાળા બંધુઓએ ર૦૦ કરોડની કિંમતની મનાતી શાપરમાં આવેલી વડીલોપાર્જીત જગ્યામાં સગા બહેન દયાબેન ટીલાળાનો હક્ક ડુબાડયાના સોશ્યલ મીડીયામાં થયેલા દયાબેનના સણસણતા આક્ષેપોથી ભારે ચર્ચા જાગી છે.
ગઇકાલે દયાબેન વડીલોપાર્જીત હક્કની રૂએ શાપરની વાડીએ ગયા ત્યારે રમેશભાઇના કહેવાથી પોલીસે આવી વિના વાંકે સવારે ૧૦ થી રાત્રીના ૧૦ સુધી પોતાને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધાનું દયાબેને જણાવ્યું છે.
તેમણે વધુમાં મીડીયાને સંબોધતા જણાવ્યું કે, મારા બાપુજીની મિલ્કત ૧પ૦ વિઘા જમીન આશરે ર૦૦ કરોડની આવેલી છે. જે જગ્યા ઉપર હું ગઇકાલે ગઇ ત્યારે મારા ભાઇઓ રમેશભાઇ, મગનભાઇ અને ભત્રીજા પ્રકાશે ધમકી આપતા જણાવ્યું કે અહિંયા આવતા નહિં. તમારી પાસે કાંઇ ન હોય તો રસ્તે જઇ ભીખ માંગો તેવું જણાવાયું હતું. પાછળથી રમેશભાઇના કહેવાથી પોલીસે મને વિના વાંકે શાપર પોલીસ સ્ટેશનમાં ૧ર-૧ર કલાક સુધી બેસાડી દીધી હતી. મારા ભાઇઓએ બીજા ભાઇ-બહેનોની સહીઓ જે કોર્ટમાં વડીલોપાર્જીત મિલ્કત મેળવવા રજુ કરી છે. તેમાં મારી સહી લેવામાં આવી ન હતી. જે દસ્તાવેજો રજુ કરાયા છે તેમાં મારી ખોટી સહીઓ છે. હવે ભાઇઓ મારી સહી લેવા આવે છે પણ હું નથી કરી આપતી એટલે મને જગ્યા ઉપર નહિ ફરકવા ધમકાવે છે. મારે મારા હક્ક સિવાય કશું જોઇતું નથી. કોઇ દાવો પણ કરવો નથી તેવું તેમણે અંતમાં જણાવ્યું હતું. ઉપરોકત આક્ષેપો રમેશભાઇ, તેમના ભાઇ મગનભાઇ અને ભત્રીજા પ્રકાશ સામે કરવામાં આવ્યા છે. અમરેલીની ઘટનામાં નિર્દોષ ટાઇપીસ્ટ યુવતીને રાજકીય ઇશારે પોલીસે ખોટી રીતે ફીટ કરી દીધાના મામલે ઉહાપોહ મચ્યા બાદ વધુ એક ઘટનામાં મહિલાને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવાતા સનસનાટી મચી જવા પામી છે.
(3:50 PM IST)










