<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

સૌપ્રથમ કેબલ બ્રીજ માટે સ્‍ટેન્‍ડીંગમાં દરખાસ્‍તઃ કાલે ફેંસલો

કાલાવડ રોડ પર કટારીયા ચોકડીએ ઓવર અને અંડરબ્રિજ માટે ૧૪.ર૭% ઓન સાથે ૧૪૧.૭૩ કરોડ ભાવ આવ્‍યા : ૩૦ મહિનામાં બ્રિજનું કામ પુર્ણ કરવા મુદતઃ નિર્ણય થયા બાદ ટૂંક સમયમાં મંત્રીના હસ્‍તે કામનો થશે પ્રારંભ

રાજકોટ તા. ૬  :.. શહેરના કાલાવડ રોડ પર હવે ટ્રાફિક પરિવહન માટે ખુબ મહત્‍વના બની ગયેલા કટારીયા ચોક પર બ્રીજની તાતી જરૂરીયાત છે ત્‍યારે બજેટમાં મૂકાયેલી જોગવાઇ મુજબ આ ચોકમાં રાજકોટના સૌપ્રથમ કેબલ બ્રીજના ટેન્‍ડર આવ્‍યા બાદ પ્રક્રિયા પુર્ણ થતા બાદ  દરખાસ્‍ત તૈયાર કરેલ. આ બ્રિજ બનાવા માટે રૂા. ૧૪૧.૭૩ કરોડના ખર્ચની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે. કાલે મળનાર સ્‍ટેન્‍ડીંગ કમીટી  બેઠકમાં આ અંગે  નિર્ણય થશે.

આ દરખાસ્‍ત અંગે વિસ્‍તૃત વિગતો આપતા સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકરે જણાવ્‍યુ હતું કે,  ગત સપ્તાહે ભાવ ખુલી જતા ૧૨૪ કરોડના ટેન્‍ડર સામે ૧૪.૨૪ ટકા ઓન એટલે કે ૧૪૧.૭૩ કરોડના ભાવની એલ-૧ ઓફર આવી છે.

આથી બજેટમાં મૂકાયેલી જોગવાઇ સાથે થોડા સમય પહેલા ૧૪૧ કરોડના ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યા હતા. જે ટેન્‍ડર ભરવાની મુદત પૂરી થતા ૧૪.૨૪ ટકા ઓન એટલે કે ૧૪૧.૭૩ કરોડની ઓફર મનપાને મળી છે. હવે આ ટેન્‍ડર ચકાસણી સમિતિમાં મુકવામાં આવ્‍યા બાદ  એટલે સ્‍ટે.કમીટીને દરખાસ્‍ત મોકલવામાં આવી છે.

રાજકોટનો આ પ્રથમ કેબલ બ્રીજ બની રહ્યો છે. કાલાવડ રોડ પર ઓવરબ્રીજ અને તેની નીચે રીંગ રોડની ચોકની બંને દિશામાં અંડર બ્રીજ પણ બનવાનો છે. આથી આ પ્રોજેકટ ખુબ મોટો અને મહત્‍વનો ગણાવાઇ રહ્યો છે. કટારીયા ચોકડીએ ફલાય ઓવરની કુલ લંબાઇ પોણો કિ.મી.થી વધુ એટલે કે ૮૦૦ મીટર છે.તો તેની પહોળાઇ ફુટપાથ સહિત ૨૪ મીટરની રાખવામાં આવી છે. ડિઝાઇનમાં પ્‍લાન્‍ટેશન પણ છે. મધ્‍ય ભાગ ૧૬૦ મીટરનો છે. આ બ્રીજ જલારામ ફૂડ કોર્ટથી શરૂ થશે અને કોસ્‍મો પ્‍લેકસ પાસે પૂરો થશે. આ બ્રીજ હેઠળ ગેમ ઝોન બનાવવાનું પણ મહાપાલિકાનું આયોજન છે.

રીંગ રોડની દિશામાં બનનારા અંડરપાસની લંબાઇ ૬૦૦ મીટર અને પહોળાઇ ૧૮ મીટર છે. અંડરબ્રીજ હાલના ઘંટેશ્વર સાઇડના પુલ તરફથી શરૂ થશે અને રંગોલી આવાસના ૧૮ મીટરના ટીપી રોડ (ગોંડલ રોડ) તરફ પુરો થશે. આ કામ અપાય એટલે ૩૦ મહિનામાં પુરૂ કરવાનું આયોજન મહાપાલિકાએ કર્યુ છે. આ ટેન્‍ડરમાં કુલ ચાર એજન્‍સી આવી હતી જેમાં ગાવર અને બેકબોને  જોઇન્‍ટ વેન્‍ચર) સૌથી નીચા ૧૪૧.૭૩ કરોડના ભાવ આપ્‍યા છે તો ઇન્‍ફ્રાટેક કંપનીએ ૧૪૨ કરોડ, મંગલમ બિલ્‍ડકોને ૧૫૩.૧૯ કરોડ અને વિજય મિષાી કન્‍સ. પ્રા.લી.  અને ચેતના કન્‍સ્‍ટ્રશનકંપનીએ  (જોઇન્‍ટ વેન્‍ચર ૧૪૭.૪૯ કરોડના ભાવની ઓફર આપી છે.(પ-ર૦)

બ્રીજ કયાંથી શરૂ થશે અને કયાં પુરો થશેઃ ટેકનીકલ માહિતી

કાલાવડ રોડ પર ફલાય ઓવર બ્રીજ તથા બીજા ૧પ૦ ફુટ રીંગ રોડ પર અન્‍ડર પાસ બનાવવાનું આયોજન છે. જેમાં કાલાવાડ રોડ ઉપરનો ઓવર બ્રીજ જલારામ ફુડ કોર્ટથી શરૂ થઇ કોસ્‍મોપ્‍લેક્ષ સિનેમા પહેલા પુર્ણ થશે. જયારે નવા ૧પ૦ ફુટ રીંગ રોડ પરનો અન્‍ડર પાસ ઘંટેશ્વર તરફથી આવતા લક્ષ્મીનાં ઢોરાવાળા બ્રીજ પછી શરૂ થઇ રંગોલી આવાસ યોજનાવાળા ૧૮.૦૦ મીટર (ગોંડલ રોડ તરફે) રોડે પૂર્ણ થશે.

* આ કામે કાલાવાડ રોડ પર આશરે ૭૪૪ મીટર લંબાઇ તથા ર૧.૧૦ મીટર પહોળાઇમાં (૩ - ૩ લેન), આર. સી. સી. બ્રિજ.

* કેબલ સ્‍ટેઇડ બ્રીજ (એકસ્‍ટ્રા ડોઝ સ્‍પાન) ૧૬૦ મીટર (૪૦ સર્વિસ રોડ અને ફુટપાથ).

* બીજા ૧પ૦ ફુટ રીંગ રોડ પર ૪પ૯ મીટર લંબાઇ તથા બંને તરફે સર્વિસ રોડ તેમજ ફુટપાથ બનાવવાનાં કામનો સમાવેશ કરવામાં આવશે.

* આ કામ થવાથી આશરે ર,૦૦,૦૦૦ લોકોને ફાયદો થશે.

(3:50 PM IST)