News of Monday, 6th January 2025
શિક્ષકે ૬ છાત્રાને બિભત્સ વિડીયો બતાવી છેડતી કરી
શાળાની પાછળના ભાગે જ્યાં સીસીટીવી કેમેરા નથી ત્યાં લઇ જઇ છેડતી કરતો હતોઃ ભારે રોષ સાથે વાલીઓ પોલીસ સ્ટેશને પહોંચતાં તુરંત કાર્યવાહી બેડી વાછકપરની સરકારી શાળાના શિક્ષક કમલેશ વિરૂધ્ધ કાર્યવાહી કરવા કુવાડવા પોલીસની તજવીજઃ ભોગ બનેલી તમામ દિકરીઓ ધોરણ-૫માં અભ્યાસ કરે છેઃ દિકરીઓએ પોતાની સાથે થયેલા કૃત્યની ઘરે વાલીઓને વાત કરતાં સોૈ ચોંકી ગયાઃ શિક્ષકને દબોચી લેવા તજવીજ રાજકોટ વાછકપર બેડીનો બનાવ

રાજકોટ તા. ૬: મોરબી રોડ પર આવેલા વાછકપર બેડી ગામમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષકે ભાન ભુલી વિકૃતતા આચરતાં ગામમાં ચકચાર મચી ગઇ છે. આ શાળામાં ધોરણ-૫ અને ધોરણ-૬માં અભ્યાસ કરતી છ જેટલી છાત્રા સાથે શિક્ષકે બિભત્સ હરકતો કરતાં બનાવને પગલે વાલીઓમાં ભારે રોષ વ્યાપી જતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ કરતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
જાણવા મળ્યા મુજબ ટંકારા નજીકના વાછકપર બેડી ગામ કે જે હવે કુવાડવા રોડ પોલીસની હદમાં સામેલ છે તે ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતી ધોરણ ૫ અને ૬ની છ જેટલી છાત્રાઓ સાથે શિક્ષકે વિકૃત હરકતો કરતાં ગામમાં દેકારો મચી ગયો હતો. ભોગ બનેલી બાળાઓએ પોતાની સાથે ખરાબ હરકતો થયાની જાણ વાલીઓને કરતાં વાલીઓ ચોંકી ગયા હતાં. શિક્ષકે અવાર-નવાર છાત્રાઓ સાથે ખરાબ હરકતો કર્યાની ફરિયાદ સાથે વાલીઓ પોલીસ સ્ટેશને પહોંચી જતાં પીઆઇ બી. પી. રજયાએ એક ટીમને રૂબરૂ તપાસ કરવા વાછકપર બેડી ગામે રવાના કરી હતી અને જે બાળાઓ ભોગ બની હતી તે પોલીસ સ્ટેશને આવી ન હોઇ તેમની પૃછા કરવા મહિલા પોલીસ કર્મચારીઓને પણ સાથે મોકલ્યા હતાં.
પોલીસ સ્ટેશને પહોંચેલા વાલીઓએ જણાવ્યું હતું કે વાછકપર બેડી ગામમાં આવેલી સરકારી શાળામાં ભણતી ધોરણ-૫ અને ૬ની છ જેટલી છાત્રાઓ સાથે કમલેશ નામના શિક્ષકે છેડછાડ અને બિભત્સ હરકતો કરી હતી. આ શિક્ષક વારાફરતી બાળાઓને રિશેષના સમયે અમુક છાત્રાને રૂમમાં રોકી રાખી બાદમાં પાછળના રૂમમાં કે જ્યાં કેમેરા નથી ત્યાં લઇ જઇ તેને બિભત્સ અડપલા કરતો હતો.
વાલીઓએ રોષ સાથે જણાવ્યું હતું કે બગીચામાં શિક્ષક છાત્રાઓને બિભત્સ વિડીયો બતાવી ગુપ્તાંગ કાઢતો હોય તેવા ફુટેજ જોવા મળ્યા છે. આ શિક્ષક છેલ્લા એકાદ વર્ષથી બાળાઓ સાથે આ પ્રકારના ચાળા કરતો હોવાની ફરિયાદો ઉઠી છે. છાત્રાઓએ અત્યાર સુધી સહન કર્યુ હતું. પણ હવે શિક્ષકે હદ વટાવી દેતાં વાલીઓને વાત કરતાં વાલીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. ભોગ બનેલી ઉપરાંત બીજી પંદરેક દિકરીઓએ પણ વાલીઓને શિક્ષકની ફરિયાદ કરી હતી. વાલીઓ પણ આ સાંભળી ચોંકી ગયા હતાં. તેમણે અગાઉ આ શિક્ષક પાસે ભણી ગયેલી છાત્રાઓને મળીને તેમની પાસેથી માહિતી મેળવતાં તેમણે પણ ફરિયાદ કરી હતી. પંદરથી વીસ વાલીઓ આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. પોલીસ આ મામલે ખરાઇ કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
(4:36 PM IST)










