News of Tuesday, 7th January 2025
ભગવતીપરાની રીઝવી ટૂર ટ્રાવેલ્સના સંચાલકો ૨૦૦થી વધુ હજ-ઉમરાહના યાત્રાળુઓને છેતરીને રફૂચક્કર થઇ ગયાબેડીપરામાં રહેતાં સમીર મુલતાની સહિત ૧૯ લોકોના ૧૪.૬ લાખ ખાઇ જવાયાનો ગુનો બી-ડિવીઝનમાં નોંધાતા તપાસનો ધમધમાટ
ચાર મહિના અગાઉ પેકેજ બૂક કરાવે તેને ૧૫ થી ૨૦ હજાર ડિસ્કાઉન્ટ અપાતું હતુ઼ઃ સમીર મુલતાનીના કહેવા મુજબ બે અઢી કરોડની ઠગાઇ થઇઃ હોંશે હોંશે અમદાવાદ પહોચેલા યાત્રાળુઓને ત્યાંથી પરત રાજકોટ, ગોંડલ, મોરબી, જેતપુર પરત ફરવું પડયું: બધાના પાસપોર્ટ આ બંનેની ઓફિસની મહિલા કર્મચારીએ પરત આપ્યા : જેની સામે ગુનો દાખલ થયો છે તે બંનેની તસ્વીર ફરિયાદી સમીર મુલતાનીએ મોકલી હતી

રાજકોટ તા. ૭: શહેરના ભગવતીપરામાં રઝવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામે વર્ષોથી ઓફિસ ચલાવતાં અને હજયાત્રા, ઉમરાહ યાત્રા કરાવતાં બે ભાગીદાર રાજકોટ, ગોંડલ, જેતપુર, મોરબી, ગોંડલના ૨૦૦થી વધુ હજ-ઉમરાહના યાત્રાળુઓ પાસેથી પેકેજ બૂકીંગના નામે અલગ અલગ રકમ ઉઘરાવી ગાયબ થઇ જતાં દેકારો મચી ગયો છે. મુસ્લિમ પરિવારોના લોકો અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યારે તેમને પોતાની સાથે ફ્રોડ થયાની ખબર પડતાં બધાને યાત્રા કર્યા વગર પરત આવવુ પડયું હતું. હાલ રાજકોટના યુવાને ૧૯ લોકો સાથે ૧૪.૦૬ લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. જો કે ભોગ બનનાર યુવાનના કહેવા મુજબ આ આંકડો બસ્સો કરતાં પણ વધુ છે અને બે અઢી કરોડની ઠગાઇ થઇ છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે બેડીપરા ફાયર બ્રિગેડ નજીક મદ્રેસાવાળી શેરીમાં હલીમા મંઝીલ ખાતે રહેતાં અને શહેરમાં જુદા જુદા કાર્યક્રમોમાં ઇવેન્ટ ડેકોરેશનનું કામ કરતાં સમીર રઝાકભાઇ મુલતાની (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી ભગવતીપરા યદુનંદન હોસ્પિટલની સામે રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સ નામે ઓફિસ ચલાવતાં અફઝલ રૂમી અને તેની સાથેના ફિરોઝ જાફાઇ, બીસ્મીલાબેન અને તપાસમાં ખુલે તેની સામે ઠગાઇનો ગુનો નોંધ્યો છે. આ બંને ભાગીદાર સત્તર વર્ષથી ભગવતીપરામં ટૂર ટ્રાવેલ્સની ઓફિસ ચલાવે છે. અગાઉ નિયમીત બધાને હજ-ઉમરાહની ટૂર કરાવતાં હતાં. પણ આ વખતે બધાને છેતરી લેતાં દેકારો મચી ગયો છે. હાલ ફરિયાદ નોંધાવનારા યુવાનના કહેવા મુજબ કુલ ૨૧૭ યાત્રીકોએ પેકેજ બૂક કરાવ્યું હતું. બધાને આ મહિનાની ૪ જાન્યુઆરીના રોજ સાંજે ચાર, સાત અને રાતના બાર વાગ્યે અમદાવાદથી ફલાઇટ ઉપડશે તેમ કહી ત્યાં બોલાવાયા હતાં. પરંતુ ત્યાં પહોંચ્યા પછી ફ્રોડ થયાની ખબર પડી હતી.
સમીર મુલતાનીએ જણાવ્યું છે કે હું પત્િ , પુત્ર અને માતા તથા પિતા સાથે રહુ છું. મારા માતા મુમતાઝબેન ૫૫ વર્ષના અને પિતા રઝાકભાઇ ૫૮ વર્ષના છે. આ બંનેને મારે અને મારા પત્નિ રૂબીનાને અમારા મુસ્લિમ ધર્મની યાત્રા એટલે કે હજ-ઉમરાહ કરવા મોકલવા હતા. આથી મેં ભગવતીપરામાં આવેલા રઝવી ટૂર ટ્રાવેલ્સના માલિક અફઝલ રૂમી તેમજ ત્યાં સાથે બેસતા ફિરોઝ જાફાઇ અને નોકરી કરતાં બિસ્મીલાબેનનો સંપર્ક કર્યો હતો. હું અફઝલ અને ફિરોઝને તેની ઓફિસે મળતાં તેણે સાઉદી આરબ જવા માટેની એર ટિકીટ, ત્યાં રહેવા જમવા સહિતની વિગતો સમજાવી હતી. તેમજ વ્યક્તિ દિઠ ૬૧ હજારથી માંડી ૭૫ હજાર સુધીનો ખર્ચ થાય તેમ કહ્યું હતું. તેમજ તેણે કહેલુ કે વહેલી ટિકીટ બૂક કરાવશો તો ઓછો ખર્ચ થશે, જેમ મોડુ કરશો તોમ ટિકીટના ભાવ વધી જશે.
આથી મેં મારા પત્નિ, પુત્ર, મોટા ભાઇની દિકરી તથા મારા માતા-પિતા મળી કુલ ૬ લોકોની ટિકીટ બૂક કરાવી હતી. આ માટે મેં તેને શરૂઆતમાં ૩૦ હજાર અને બાદમાં ૭૫૦૦ તેમજ એ પછી ૪૦ હજાર રોકડે અને ગૂગલ પેથી આપયા હતાં. તેમજ ૧-૧ લાખ અને ૨૫ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરીને ચુકવ્યા હતાં. આ ઉપરાંત મારા સગા મોટા ભાઇ રિયાઝભાઇ, ભાભી રોશનબેનને પણ ઉમરાહ કરવા આવવું હોઇ તેના વધારાના રૂા. ૧,૪૫,૦૦૦ પણ અફઝલ અને ફિરોઝને આપ્યા હતાં. આ ઉપરાંત આ લોકોની ટૂરમાં જવા ઇચ્છુક રફીકભાઇ અબ્દુલભાઇ રહેમાન, તોૈફિકભાઇ રઝાકભાઇ શાહમદાર, આઝમભાઇ હારૂનભાઇ મન્સુરી, અબ્દુલ રહીમભાઇ મારવીયા, ફુરકાન રહીમભાઇ બોરડીવાલાએ પણ અનુક્રમે ૯૯ હજાર, ૧.૩૪ લાખ, ૭૨ હજાર, ૧.૮૬ લાખ, ૩.૪૮લાખ મળી કુલ અમારા બધાના મળી ૧૪,૦૬,૫૦૦ આ બંને ટૂર ટ્રાવેલ્સ સંચાલકને સોંપ્યા હતાં.
અમને બધાને એટલકે ૧૯ લોકોને ઉમરાહ કરાવી પરત લાવશે તેવી ખાત્રી વિશ્વાસ આ લોકોએ આપ્યો હતો. આ પેકેજ અમદાવાદથી અમદાવાદનું હતું. અમને બધાને કહેલુ કે તા. ૪/૧/૨૫ના રોજ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મોડામાં મોડુ સાંજે છ વાગ્યે પહોંચી જવું. રાતે બાર વાગ્યે અમદાવાદથી જેદાહ સુધીની ફલાઇટ છે. જ્યાં એરપોર્ટ ખાતે અમારી ટીમ હાજર હશે. આ રીતે અમને બધાને અફઝલ અને ફિરોઝે સમજાવ્યું હતું. સમીર મુલતાનીએ વધુમાં જણાવ્યું છે કે ટૂર પેકેજ નક્કી થઇ ગયા પછી હું અને મારા પરિવારજનો તા. ૪/૧ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ગયા હતાં. મેં તથા મારા પરિવારજનોએ અમારા અસલ પાસપોર્ટ એક મહિના પહેલા જ ભગવતીપરાની અફઝલ, ફિરોઝની ઓફિસે જમા કરાવી દીધા હતાં. અમે અમદાવાદ એરપોર્ટ ટર્મીનલ-૨ ખાતે પહોંચ્યા ત્યારે ત્યાં અમારી સાથે પેકેજ બૂક કરાવનારા બીજા લોકો પણ હાજર હોઇ તેમણે કહેલુ કે રઝવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ આપણી સાથે ફ્રોડ કર્યુ છે. આ પછી અમે અમારા પાસપોર્ટ ક્યાં છે? તેની તપાસ કરતાં અમને ફોન મારફત જાણવા મળેલુ કે બગોદરા હાઇવે પર અંબર હોટેલ નજીક ઇનોવા ઉભી છે તેમાં અંદર બિસ્મીલાબેન બેઠી છે તેની પાસે તમારા તમામના પાસપોર્ટ છે. આથી અમે ત્યાં જતાં બિસ્મીલાબેન ત્યાં હાજર હતી. તેને પાસપોર્ટ અને ટિકીટ બાબતે પુછતાં કહેલુ કે તમારા પાસપોર્ટ જ મારી પાસે છે, ટિકીટ અફઝલ અને ફિરોઝ પાસે છે. હાલ તે કયાં છે તેની ખબર નથી.
આ પછી અમે તપાસ કરતાં ખબર પડી હતી કે આ બંને અમારા સીહત કુલ ૬૦ લોકોના રૂપિયા હજ-ઉમરાહ યાત્રાના બૂકીંગના નામે ખાઇ ગયા છે. આ પછી અમે તપાસ કરી ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં હેડકોન્સ. એચ. જે. જોગડાએ ગુનો દાખલ કરાવતાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. (૧૪.૮)
(3:07 PM IST)










