<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્‍ડ નાઈટ ટુર્નામેન્‍ટનો રાજકોટના આંગણે ધમાકેદાર પ્રારંભ

રાજકોટ સીટી પોલીસ અને એહસાસ ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે જયોતિ સીએનસીના સહયોગથી દમદાર આયોજનઃ પ્રથમ દિવસે આરડીએસએ-રેલ્‍વે, માસ્‍ટર એફસી રાજકોટ, ડીડી એફસી ભરુચ અને કીક જેક બરોડાનો વિજય

રાજકોટ : રાજકોટ સીટી પોલીસ અને એહસાસ ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે અને રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનના સહયોગથી તેમજ જયોતિ સી.એન.સી.ના અનુદાનથી ૧૩મી ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્‍ડ નાઈટ ટુર્નામેન્‍ટનું રેસકોર્ષ રીંગ રોડ સ્‍થિત આર.એમ.સી. ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ ફૂટબોલ ટુર્નામેન્‍ટનું ધમાકેદાર ઉદ્ધાટન શહેરના પોલીસ કમિશ્‍નર શ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા ફુટબોલને કીક મારી તેમજ બલુન રિલિઝીંગ સેરેમની દ્વારા મહાનુભાવોની ઉપસ્‍થિતીમાં કરવામાં આવ્‍યું હતું. આ ઉદ્દઘાટન સમારંભમાં રાજકોટ પોલીસ કમિશ્‍નર શ્રી બ્રજેશકુમાર ઝા , ઉપરાંત એડી. કમિશ્‍નર ઓફ પુલીસ શ્રી મહેન્‍દ્ર બગરીયા, ક્રાઇમ બ્રાંચના ડીસીપી ડો. પાર્થરાજ ગોહીલ, જયોતિ સી.એન.સી.ના વિક્રમસિંહ રાણા, રવિ ટેકનોફોર્જના અમુભાઈ ભારદિયા, વિક્રમ વાલ્‍વસના વિક્રમભાઈ જૈન, ગુજરાત સ્‍ટેટ ફૂટબોલ એસો.ના રાજદીપસિંહ જાડેજા અને એ.સી.પી. ટ્રાફીક જે. બી. ગઢવી સહીત અહેસાસ ટ્રસ્‍ટ અને રાજકોટ ફુટબોલ એસોસીએશનના હોદ્દેદારો સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. મહેમાનોએ ફુટબોલને કીક મારી તેમજ બલુન રિલિઝ કરી આ ટુર્નામેન્‍ટનું વિધિવત ઉદ્દઘાટન કર્યું હતું. મેચના ખેલાડીઓ સાથે હાથ મીલાવી તેમને મુબારકબાદ આપી હતી. આ ટુર્નામેન્‍ટના પ્રથમ દિવસે આરડીએસએ-રેલ્‍વે અને ઝાલાવાડ એફસી-સુરેન્‍દ્રનગર વચ્‍ચે યોજાયેલ મેચમાં આરડીએસએ-રેલ્‍વે ૨-૧ થી જીત મેળવી હતી. જયારે બીજી મેચ માસ્‍ટર એફસી રાજકોટ અને ભાવનગર એફસી વચ્‍ચે યોજાઇ હતી જેમાં માસ્‍ટર એફસી રાજકોટ ૩-૧ ની સરસાઇથી જીત મેળવી હતી. તેમજ ત્રીજી મેચમાં એજી ઓફીસ રાજકોટ અને ડીડી એફસી ભરુચ વચ્‍ચે ૪-૪ ગોલની બરાબરીનો ફેંસલો કરવા પેનલ્‍ટી શૂટ આઉટને આધારે ડીડી એફસી ભરુચ ૮-૭ થી મેચમાં તેમનો વિજય નિヘતિ કર્યો હતો. ચોથી મેચ રાજકોટ પોલિસ અને કીક જેક બરોડાની ટીમ વચ્‍ચે હતો. જેમાં ૧-૦ થી કીક જેકનો વિજય થયો હતો. આ ટુર્નામેન્‍ટમાં ફાઇનલ સહિતના કુલ ૨૩ મુકાબલાઓ યોજાશે. જેમાં ગુજરાતની ૨૪ ટીમો ટ્રોફી જીતવા હરિફાઇ કરી રહી છે. આયોજકો દ્વારા ફુટબોલમાં રસ ધરાવતા પ્રેક્ષકો અને રાજકોટના શહેરીજનોને ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરવા અને આ રોમાંચક મુકાબલાઓને માણવા જાહેર આમંત્રણ પાઠવાયુ છે.

(3:03 PM IST)