તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Tuesday, 7th January 2025
નવાગામમાં મંડપ સર્વિસમાં રસ્સો તૂટતાં લિફટ પગ ઉપર પડીઃ દિનેશભાઇ મકવાણાનું મોત
લિફટ અધવચ્ચે રાખી કાપડાના તાકા ઉતારતાં હતાં ત્યારે બનાવઃ બેટી રામપરાના પ્રોઢના મોતથી પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૭: કુવાડવા રોડ પર નવાગામમાં આવેલા મંડપ સર્વિસના બે માળના બિલ્ડીંગમાં સામાન હેરફેરની લિફટમાંથી કાપડના તાકા ઉતારતી વખતે રસ્સો તૂટતાં લિફટ પગ પર પડતાં બેટી રામપરાના પ્રોૈઢ લિફટના ખાચામાં પટકાતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ બેટી રામપરા ગામે રહેતાં દિનેશભાઇ લક્ષમણભાઇ મકવાણા (ઉ.વ.૫૦) સવારે અગિયારેક વાગ્યે નવાગામમાં આવાસ યોજના ક્વાર્ટર પાસે આવેલા શ્રીનાથજી મંડપ સર્વિસ ખાતે હતાં ત્યારે લિફટના ખાચામાં પડી જતાં ઇજાઓ થતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ દિનેશભાઇ મંડપ સર્વિસમાં કામ કરતાં હતાં. બે માળનું આ બિલ્ડીંગ હોઇ તેમાં દિનેશભાઇ સામાન હેરફેર માટેની લિફટ નીચેના માળે અધવચ્ચે ઉભી રાખી કાપડના તાકા ઉતારતા હતાં ત્યારે રસ્સો તૂટતાં લિફટ તેના પગ પર આવી ગઇ હતી અને તે લિફટના ખાંચામાં પટકાતાં ગંભીર ઇજા થઇ હતી. તેના કારણે મોત થયું હતું. તેઓ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ દિકરા છે. પોતે મંડપ સર્વિસને લગતા કાપડનું ઘરે બેઠા સિલાઇ કામ કરતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(3:09 PM IST)










