News of Tuesday, 7th January 2025
સિવિલ હોસ્પિટલને અંતે ન્યુરો સર્જન મળ્યાઃ મગજની બિમારીના દર્દીઓને થશે રાહત
ડો. તેજસ ચોટાઇ અગાઉ જામનગર સિવિલમાં ફરજ બજાવતાં હતાં: રાજકોટ ખાતે બદલી થઇ ખાલી જગ્યા ભરાતા દર્દીઓને ઉત્તમ સારવાર મળશેઃ કુંવરજી બાવળીયા

રાજકોટ તા. ૭: શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલને અંતે કાયમી ન્યુરો સર્જન મળ્યા છે. અત્યાર સુધી કામચલાઉ ન્યુરો સર્જનની સેવા લેવામાં આવતી હતી. જો કે અગાઉ પીએમજેએવાય બિલ્ડીંગમાં ખાસ ન્યુરો સર્જનની ઓપીડી ચાલુ થઇ ત્યારે ત્રણ ન્યુરો સર્જન સેવા આપતાં હતાં. પણ તેઓ રાજીનામા આપીને જતાં રહ્યા બાદ મગજના રોગના દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી હતી. દરમિયાન હવે સિવિલ હોસ્પિટલ-પીડીયુ મેડિકલ કોલેજને કાયમી ન્યુરો સર્જન મળી ગયા છે. જામાનગર સિવિલ હોસ્પિટલના ડો. તેજસ ચોટાઇની રાજકોટ મેડીકલ કોલેજ ખાતે બદલી થતાં હવે તેઓ કાયમી અહિ ન્યુરો સર્જનના વડા તરીકે કામ કરશે.
સમગ્ર સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ ખાતે આવેલી પંડીત દિનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલમાં મગજની બિમારી સબબ સારવાર ન્યુરો સર્જનની ખાલી જગ્યાના કારણે મળતી નહી, ખાલી જગ્યા ભરવા બાબતે લાંબા સમયથી માંગણી થતી હતી આ અંગે જસદણ-વિંછીયા વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનું અંગત ધ્યાન દોરી ખાલી જગ્યા વહેલી તકે ભરવા ધ્યાન દોર્યુ હતું ત્યાર બાદ રાજકોટ હોસ્પિટલની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રીએ પણ ખાલી જગ્યા વહેલી તકે ભરવા ખાત્રી આપી હતી.
અકસ્માત સહીતના મગજને થતી ઈજાઓને લગતા કિસ્સાઓમાં આર્થિક નબળી સ્થિતીના ગરીબ લોકોએ ફરજીયાત ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા ઉપરાંત ઉચી ફી ચુકવવાની ફરજ પડતી હતી અથવા અમદાવાદ ખાતે રીફર કરવાની ફરજ પડતી હતી જે ગરીબ દર્દીઓ માટે આર્થિક રીતે મુશ્કેલરૂપ હતું કેટલાક કિસ્સાઓમાં સમયસર સારવાર ન મળવાના કારણે મળત્યુના કિસ્સાઓ બનતા હતા. દર્દીઓને પડતી મુશ્કેલી દુર કરવા માટે સરકારે ડો.તેજસ ચોટાઈની પી.ડી.યુ.મેડીકલ કોલેજ રાજકોટ ખાતે નિમણુંક કરતા ગરીબ દર્દીઓને મગજની બિમારી સબબ વિનામુલ્યે સારવાર મળતી થશે.
ઉલ્લેખનિય છે કે ઘણા વર્ષોથી સિવિલ હોસ્પિટલને ન્યુરો સર્જન મળે તે માટે રજૂઆતો, લડતો ચાલતી હતી. આ પ્રશ્ને સોૈ પ્રથમ લડતની શરૂઆત જીવદયા પ્રેમી સ્વ. મુકેશ પટેલે આદરી હતી. તેની રજૂઆતોના ગાંધીનગર સુધી પડઘા પડતાં જે તે વખતે ન્યુરો સર્જનની ઓપીડી ચાલુ થઇ હતી. હવે કાયમી ન્યુરો સર્જનની સેવા અંતે ઉપલબ્ધ થઇ છે.
(4:03 PM IST)










