<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

મેટોડામાં લીમડાના ઝાડમાં બાઇક અથડાતાં અઢાર વર્ષના યુવાન શ્રીપાલનું મોતઃ પિત્રાઇ ભાઇનો બચાવ

મુળ રાજસ્‍થાનનો યુવાન દૂધ લેવા જવા નીકળ્‍યો ત્‍યારે અકસ્‍માત નડયોઃ રાજકોટમાં દમ તોડયો : અન્‍ય બે બનાવમાં સાવરકુંડલાના દેથળ ગામે અને સાયલાના ગઢવાળામાં લીમડાના ઝાડ પરથી પટકાતાં જગદીશ અને પંકજને ઇજાઃ ત્રણેય સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૮: અલગ-અલગ ત્રણ બનાવોમાં ઝાડને કારણે ત્રણ યુવાન ઘાયલ થઇ જતાં હોસ્‍પિટલના બિછાને પહોંચવું પડયું હતું. જેમાં એક યુવાનનું મોત નિપજ્‍યું હતું. મેટોડામાં રહેતો મુળ રાજસ્‍થાનનો યુવાન કુટુંબી ભાઇને બાઇકમાં બેસાડી દૂધ લેવા જઇ રહ્યો હતો ત્‍યારે બાઇક લીમડાના ઝાડમાં અથડાતાં તેને ગંભીર ઇજા થતાં મોત થયું હતું. જ્‍યારે તેના ભાઇનો બચાવ થયો હતો. બીજા બનાવમાં લીમડા પર બળતણની ડાળી તોડવા ચડેલો યુવાન ડાળી તૂટતાં પટકાતાં ઇજા થઇ હતી. ત્રીજા બનાવમાં બકરીનો ચારો લેવા લીમડા પર ચડેલો યુવાન પડી જતાં ઇજા થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ મેટોડા જીઆઇડીસીમાં આયનેક કાસ્‍ટીંગ નજીક રહેતો અને કારખાનામાં કામ કરતો મુળ રાજસ્‍થાનનો શ્રીપાલ ખીમચંદ્રભાઇ ડોડીયા (ઉ.વ.૧૮) બપોરે બાઇકમાં પોતાના કુટુંબી ભાઇ પંકજ (ઉ.વ.૧૬)ને બેસાડીને દૂધ લેવા જતો હતો ત્‍યારે કાબુ ગુમાવતાં મેટોડા ગેઇટ-૧ યુપીપી કંપની નજીક લીમડાના ઝાડમાં બાઇક અથડાતાં શ્રીપાલને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તેના ભાઇ પંકજનો સામાન્‍ય ઇજા સાથે બચાવ થયો હતો. સારવાર દરમિયાનશ્રીપાલે દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. તે બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો.

બીજા બનાવમાં સાવરકુંડલા તાબેના દેથળ ગામે રહેતો જગદીશ કાંતિભાઇ દેરવાડીયા (ઉ.વ.૩૦) ઘરે બળતણ માટે લાકડુ કાપવા લીમડાના ઝાડ પર ચડયો ત્‍યારે ડાળી તૂટતાં ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. જગદીશ ખેતી કરી ગુજરાન ચલાવે છે.

ત્રીજા બનાવમાં સાયલાના ગઢવાળા નીનામા ગામે રહેતો પંકજ પ્રકાશભાઇ સોવસીયા (ઉ.વ.૧૭) બકરાના ચારા માટે લીમડાના ઝાડ પરથી કુણા પાંદડા તોડતો હતો ત્‍યારે પગ લપસતાં નીચે પટકાતાં મુંઢ ઇજાઓ થતાં સાયલા સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો છે. ત્રણેય બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ અને ધર્મેન્‍દ્રભાઇએ જે તે પોલીસ સ્‍ટેશનમાં  નોંધ કરાવી હતી.

(3:05 PM IST)