News of Wednesday, 8th January 2025
વુમન્સ વન-ડેઃ શુક્રવારે પ્રથમ મુકાબલોઃબન્ને ટીમોની નેટ પ્રેકટીસ..
નિરંજન શાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં તા.૧૦, ૧ર, ૧પ જાન્યુઆરીના મુકાબલા : સવારે ૧૧ વાગ્યાથી મેચ શરૂ થશે, દર્શકો માટે ફ્રી એન્ટ્રીઃ શૈક્ષણીક સંસ્થાઓને પણ મેચ નિહાળવા આમંત્રણ

રાજકોટઃ રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારત અને આયરલેન્ડની વુમન્સ ટીમ વચ્ચે તા.૧૦,૧ર અને ૧પ જાન્યુઆરી એમ ત્રણ વન-ડે મેચ રમાનાર છે. બન્ને ટીમોનું આગમન થઇ ગયું છે અને કડકડતી ઠંડીમાં બન્ને ટીમો આકરી પ્રેકટીસ કરી રહી છે.
ભારતની વુમન્સ ટીમે પ્રેકટીસ કરી હતી. તો આજે સવારે આયરલેન્ડની ટીમે પ્રેકટીસ કરેલ. બપોરે બે થી પાંચ આપણી ટીમ ફરી પ્રેકટીસ કરશે.
નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ૧૦મીના શુક્રવારે સવારે ૧૧ વાગ્યાથી પ્રથમ મુકાબલો રમાશે. દર્શકો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. તો શહેરની શૈક્ષણીક સંસ્થાઓના વિદ્યાર્થીઓને પણ મેચ નિહાળવા આમંત્રણ આપવામાં આવ્યા છે. તા.૧૦ શુક્રવાર, તા.૧ર રવિવાર અને તા.૧પ બુધવાર એમ કુલ ત્રણ વન-ડે મેચ રમાનાર છે. તમામ મેચો સવારે ૧૧ વાગ્યાથી શરૂ થશે.
નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે તમામ તૈયારીઓ પુર્ણ થઇ ગઇ છે. નિરંજન શાહ, જય શાહ અને હિમાંશુ શાહના માર્ગદર્શન હેઠળ ગ્રાઉન્ડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારતીય ટીમઃ સ્મૃતિ મંધાના (કેપ્ટન), દિપ્તી શર્મા (વા.કેપ્ટન), પ્રતિકા રાવલ, હર્લીન દેઓલ, જેમીનાહ રોડરીકસ, ઉમા ચેત્રી (વિ.કી.)રીચા ઘોષ (વિ.કી), તેજલ હસવનીસ, રાઘવી બિસ્ટ, મિનુ મણી, પ્રિયા મીશ્રા, તંકુજા કનવર, ટીટસ સાધુ, સાઇમા ઠાકોર, સાયલી સતધારે.
આયરલેન્ડની ટીમઃ એવા કેનિંગ, ક્રિશ્ટીના એલના ડલઝેલ, જયોર્જીના ડેમ્પેસી, લૌરા ડેલની, સારાહ ફોર્બ્સ, જોના એમી, ક્રેયા સારજન્ટ, અરલેને કેલી, લેહ પોલ, ઓરલા, ગેબી હોલી, ઉના રેયમન્ડ, રેબેકા સ્ટોકેલ.
તસવીરમાં ભારત અને આયરલેન્ડની વુમન્સ સિનીયર ટીમના ખેલાડીઓ પ્રેકટીસ કરતા જોવા મળે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:39 PM IST)










