<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

HMPV વાયરસ અંગે ગભરાવાની જરૂરત નથીઃ લોકો સાવચેતી રાખે : તકેદારીના પગલા ભરે

સિવિલ હોસ્‍પીટલમાં ઓકસીજન-વેન્‍ટીલેટર સાથે ખાસ બેડની વ્‍યવસ્‍થા કરાઇ રાજકોટ કલેકટર-ડીડીઓ તથા જીલ્લા આરોગ્‍ય -અધિકારીની અપીલ

રાજકોટ તા.૮:  હ્યુમન મેટા ન્‍યુમો વાઈરસ (HMPV) અંગે ભારત સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે. જે મુજબ હ્યુમન મેટા ન્‍યુમો વાઈરસ (HMPV) અન્‍ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ હોવાથી શિયાળાની ઋતુ દરમિયાન નાના બાળકો અને વળદ્ધ વયના લોકોમાં જોવા મળે છે. અને આ વાઇરસમાં સામાન્‍ય શરદી અને ફલુના લક્ષણો જોવા મળે છે.

જિલ્લા કલેક્‍ટરશ્રી પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.નવનાથ ગવ્‍હાણે અને મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.આર.આર. ફુલમાલીએ જાહેર જનતાને આીલ કરતાં જણાવ્‍યું છે કે લોકોએ ગભરાવાની જરૂર નથી. પરંતુ, તકેદારીના પગલાઓ અને સરકારે જાહેર કરેલ માર્ગદર્શિકા મુજબ અવશ્‍ય લેવા.

આ રોગનો સામનો કરવા માટે હાલ પી.ડી.યુ. હોસ્‍પિટલ ખાતે ઓક્‍સિજન અને વેંટીલેટર સાથે જરૂરી બેડની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. ઊપરાંત, નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું તેના નિયમોનું પાલન કરવા જણાવાયું છે.

આરોગ્‍ય વિભાગે નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું ક૨વું અને શું ન કરવું તેના નિયમોનું પાલન કરવા જણાવ્‍યું છે.

૧- જ્‍યારે ઉધરસ અથવા છીંક આવે ત્‍યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્‍યુથી ઢાંકવું.

૨- નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.

૩-ભીડભાડવાળા સ્‍થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્‍યકિતઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.

૪-તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્‍થળો પર જવાનું ટાળવું.

૫-વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.

૬-પ્રબળ પ્રતિરોધક શક્‍તિ માટે પૂરતી ઊંઘ લેવી.

૭-બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્‍ય વેન્‍ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.

૮-શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્‍કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ના કરવું (Don'ts)

૧-આવશ્‍યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્‍પર્શ કરવો નહિ.

૨-ચેપગ્રસ્‍ત વ્‍યક્‍તિએ વ્‍યક્‍તિગત ચીજવસ્‍તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્‍ય વાસણો બીજા વ્‍યક્‍તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્‍યાન રાખવું.

૩-જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્‍ય વિભાગનો સંપર્ક કરવો.

ઉપરાંત, વાઈરસથી ગભરાવું નહિ, સાવચેતી એ જ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્‍ય પાલન કરવા આરોગ્‍ય વિભાગ દ્વારા જણાવાયું છે.

(12:00 PM IST)