<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

અમે કયારેય જગ્‍યાના મહંત થવાની કે જગ્‍યા પચાવવાની વાત કરી નથી : પૂ.નરેન્‍દ્રબાપુનો પડકાર

સાચા - ખોટાના પારખા કરવા સમાધી સમક્ષ આવો આપણે બંને ધુપેલીયુ ઉપાડીને જાહેર કરીએ

રાજકોટ : શ્રી આપાગીગાનો ઓટલો (ચોટીલા)ના મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ એક યાદીમાં જણાવે છે કે સત્તાધારની જગ્‍યાના હાલના મહંતશ્રીની નિશ્રામાં જગ્‍યામાં ભયંકર ભયનું વાતાવરણ જોવા મળે છે. કોઈ મહિલા દ્વારા આધિપત્‍ય જમાવવાની કોશિષ થઈ રહી છે. સોશ્‍યલ અને પ્રેસ મીડીયામાં વિડીયો - એવીડન્‍સો જાહેર થઈ રહ્યા છે. સત્તાધારધામની ગરીમા પૂર્ણપણે ચૂકી ગયાનું દર્શાય છે.

સતાધારના મહંતશ્રીને ઉદ્દેશી પાઠવેલા પત્રમાં શ્રી નરેન્‍દ્રબાપુએ જણાવ્‍યુ છે કે અમો (નરેન્‍દ્રબાપુએ) કયારેય આ જગ્‍યા પચાવવા કે જગ્‍યાના મહંત થવા વાત કરી હોય તેવુ સાબિત કરી આપો. અમારી ઉપરના સતત આક્ષેપો તમે કરો છો.

નરેન્‍દ્રબાપુ લખે છે કે તમે (હાલ મહંતશ્રી) સત્‍ય અને ધર્મ ઉપર ચાલતા હોય અને સત્તાધારની પરંપરા વિરૂદ્ધ અઘટિત કે પરંપરા વિરૂદ્ધ કાર્યો કર્યા ન હોય તો આપણે બંને સતાધાર ધામનું ધુપેલીયુ ઉપાડી, આપાગીગાની સમક્ષ ઉભા રહી સહુની હાજરીમાં જમણા હાથમાં આરતીનું ધુપેલીયુ પ્રગટ કરી મને જણાવે છે કે તેમની (હાલના મહંતશ્રી) ઉપર કરવામાં આવેલા આક્ષેપો ખોટા છે. જો આક્ષેપો સાચા હોય તો સમગ્ર ચેતન સમાધીઓ દ્વારા રૂવાડે રૂવાડે કોઢ કાઢે, નહિતર આક્ષેપ કરનારાને કોઢ કાઢે.

શ્રી નરેન્‍દ્રબાપુ લખે છે કે એવી કઈ મજબૂરી છે કે આપ મૌન છો. તેમણે કહ્યુ છે કે હું સ્‍પષ્‍ટ જાહેર કરૂ છું કે સતાધારના સત્‍યને ઉજાગર કરીને રહીશ અને આજે જે કંઈ બાબતો બહાર આવી છે તેની પાછળ માત્ર ને માત્ર હું જ છું. તેની સ્‍પષ્‍ટ જાહેરાત કરૂ છું. જે કોઈ પાસે આ બાબતને લગતા પુરાવા હોય તો મો. નં. ૯૮૨૪૨ ૧૦૫૨૮ અને ૯૯૭૮૪ ૦૭૫૧૯ ઉપર ૧૦ થી ૭ વચ્‍ચે જણાવવા શ્રી નરેન્‍દ્રબાપુએ કહ્યું છે.

તેમણે મીડીયા સહિત સહુ કોઈને સત્‍ય ઉજાગર કરવા અપીલ કરી છે અને સરકારી પોલીસ તંત્રને કહ્યુ છે કે અમારી આ લડતમાં કોઈપણ અડચણ નાખશો નહિં. તેઓશ્રીએ તા.૮-૮-૨૦૧૭ના પૂજય જીવરાજબાપુ ગુરૂ શામજીબાપુ દ્વારા શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂ પૂ. જીવરાજબાપુ તથા જગ્‍યાના વડીલ શ્રી ટી.આર.દોશીની હાજરીમાં અમારા દ્વારા વીલ બનાવાયેલ તેની કોપી પણ જાહેર કરેલ છે. અમે જગ્‍યા પચાવી જશુ, જગ્‍યામાં ઘુસી જશુ આ બધી વાતો વજુદ વિનાની છે. પૂ.વિજય ભગતને સાધુ - સંતોની અંદર સેવકોની અંદર વૈમનસ્‍ય નહિં સર્જવા પૂ.નરેન્‍દ્રબાપુએ જણાવ્‍યુ છે.

(12:04 PM IST)