News of Wednesday, 8th January 2025
આ જગ્યા મારી છે તું ખાલી કરજે નહિતર તારો વારો...ઇંટોના ભઠ્ઠાવાળાને માર મારી ધમકી
કોઠારીયા સોલવન્ટ શીતળાધાર પાસે ૨૫ વારીયામાં બનાવ :ખીમજીભાઇ પરમારની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે વીકો ભરવાડ, તેજસ ભરવાડ અને અજાણ્યા સામે એટ્રોસીટી હેઠળ ગુનો નોંધ્યોઃ કાચી ઓરડી પણ ત્રણેયએ પાડી નાંખી

રાજકોટ તા. ૮: કોઠારીયા સોલવન્ટ શિતળાધાર પાસે ખરાબામાં ઇંટોનો ભઠ્ઠો ચલાવતાં આંબેડકરનગરના પ્રોૈઢને ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી તેમજ ભઠ્ઠા પાસે બનાવેલી કાચી ઓરડીના પતરા ફેંકી દઇ ઓરડીને ધક્કા મારી પાડી દઇ ‘અ જગ્યા મારી છે, ખાલી કરીને ભાગી જાજે, એકને છરી ઘાલીને આવ્યો છું, હવે તને મારી નાંખીશ' તેવી ધમકી અપાતાં ભઠ્ઠાના માલિકે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવમાં દોઢસો ફુટ રીંગ રોડ પર આસ્થા ચોક આંબેડકરનગર-૧૨માં રહેતાં અને કોઠારીયા સોલવન્ટ શિતળાધાર ૨૫ વારીયા વૃંદાવન સોસાયટી પાસે સરકારી ખરાબામાં પોતાના મોટા ભાઇ વશરામભાઇ વાલજીભાઇ પરમાર સાથે ઇંટોનો ભઠ્ઠો ચલાવતાં ખીમજીભાઇ વાલજીભાઇ પરમાર (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી વીકો ભરવાડ, તેજસ ભરવાડ અને અજાણ્યા વિરૂધ્ધ એટ્રોસીટીનો ગુનો નોંધ્યો છે.
ખીમજીભાઇ પરમારે જણાવ્યું છે કે મંગળવારે બપોરે ત્રણેક વાગ્યે હું અને મારા મોટા ભાઇ વશરામભાઇ અમારા ઇંટોના ભઠ્ઠે હતાં અને ત્યાંથી હું ચા પીવા માટે ગયો હતો. થોડીવાર બાદ પાછો ભઠ્ઠે આવતાં ત્યાં વીકો ભરવાડ, તેજસ અને અજાણ્યો એમ ત્રણ શખ્સો અમારા ભઠ્ઠા પાસેની કાચી ઓરડીને હાથેથી ધક્કા મારી તથા પાટામ ારીને પાડી રહ્યા હતાં. આ ત્રણેયએ ઓરડીની માથેના પતરા પણ નીચે ફેંકી દીધા હતાં. મેં ત્રણેયને આવુ કરતાં અટકાવતાં ઉશ્કેરાઇ જઇ બેફામ ગાળો ભાંડી હતી અને મને માર મારવા માંડયા હતાં. વીકાએ કહેલું કે-એકને તો હું છરી ઘાલીને આવ્યો છું, આ ઇંટોના ભઠ્ઠાવાળી જગ્યા મુકીને અહિથી જતો રહેજે નહિતર તને મારી નાખીશ, આ જગ્યા મારી છે તેમ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં શબ્દો કહ્યા હતાં.
મેં બૂમાબૂમ કરતાં મારા મોટા ભાઇ વશરામભાઇ અને મારો મિત્ર તેજાભાઇ આવી જતાં આ ત્રણેયને ઝઘડો નહિ કરવા સમજાવ્યા હતાં. જેથી આ ત્રણેય ભાગી ગયા હતાં. મને ઇજા થઇ હોઇ ૧૦૮ બોલાવાતાં સારવાર માટે ખસેડાયો હતો. સારવાર લઇ બાદમાં પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ કરી હતી. પીઆઇ એ. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. કે. ગોસ્વામીએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(2:32 PM IST)










