<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ટ્રાફિકને નડતરૂપ વધુ પાર્કિંગ કરનારા ૩૫૧ વાહનચાલકો દંડાયાઃ સતત ત્રીજા દિવસે ઝુંબેશ

રાજકોટઃ ટ્રાફિક સપ્‍તાહ અંતર્ગત દરરોજ ટ્રાફિક પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ટ્રાફિકને અડચણરૂપ અને નો પાર્કિંગમાં વાહનો ઉભા રાખનારા ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યા છે. સતત ત્રીજા દિવસે ૪૨ સ્‍થળોએ ૩૫૧ વાહનચાલકોને ૧,૭૫,૩૦૦નો દંડ કરવામાં આવ્‍યો છે.  શહેરમાં અનેક વાહનચાલકો પોતાના વાહનો બીજા લોકોને વાહનવ્‍યવહારને નડતરરૂપ થાય રે રીતે પાર્ક કરી દેતાં હોય છે. આવા વાહનચાલકો સામે શરૂ થયેલી ઝુંબેશ અંતર્ગત ચાર ટીમોએ જીલ્લા પંચાયત-અકિલા સર્કલ, રામકૃષ્‍ણ આશ્રમ ચોક, જાગનાથ, માલવીયા ચોક, ધર્મેન્‍દ્ર રોડ, ગરેડીયા કુવા રોડ, મોટા મવા, કોસ્‍મો ચોકડી, અમીન માર્ગ, મવડી ફાયર બ્રિગેડ પાસે તેમજ માધાપર ચોક, અયોધ્‍યા ચોક, રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે, નાના મવા રોડ, આસ્‍થા ચોકડી, પુનીત ટાંકા પાસે, લીમડા ચોક, હરિહર ચોક, પારસી અગીયારી ચોક, હનુમાન મઢી, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ફરતેના રોડ, ગોવર્ધન ચોક, મહિલા કોલેજ અન્‍ડર બ્રીજ પાસે તેમજ મક્કમ ચોક વિસ્‍તારમાં આ ડ્રાઇવ યોજાઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અને ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની રાહબરી હેઠળ આ કામગીરી કરવામાં આવે છે.

 

(2:33 PM IST)