<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

કોઇનો વાંક નથી, મારાથી અલ્‍સરની બિમારી સહન નથી થતી...ચિઠ્ઠી લખી વૃધ્‍ધ ધીરજભાઇ ઢોલરીયાનો આપઘાત

મોરબી રોડ સેટેલાઇટ ચોક શ્રી રેસિડેન્‍સીમાં બનાવઃ ગળાફાંસો ખાઇ લીધોઃ બીજી ઘટનામાં જામનગર રોડ નાગેશ્વર સોસાયટીમાં મનિષભાઇ કોટેચાનું બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ

રાજકોટ તા. ૭: આત્‍મહત્‍યાની વધુ એક ઘટનામાં મોરબી રોડ સેટેલાઇટ ચોકમાં રહેતાં વૃધ્‍ધે સ્‍યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં શ્રી રેસિડેન્‍સીમાં રહેતાં ધીરજભાઇ નાગજીભાઇ ઢોલરીયા (ઉ.વ.૬૭) નામના વૃધ્‍ધે સવારે છએક વાગ્‍યે ગળાફાંસો ખાઇ લીધો હતો. પુત્ર રૂમમાં જતાં જોઇ જતાં તેણે દેકારો મચાવતાં ઘરના બીજા સભ્‍યો એકઠા થઇ ગયા હતાં અને ધીરજભાઇને બેભાન હાલતમાં નીચે ઉતાર્યા હતાં અને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ તેમણે દમ તોડી દીધાનું તબિબે જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં પીએસઆઇ ડી. બી. ગાધે અને કૃણાલભાઇ ડોબરીયાએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવડાવ્‍યું હતું.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ ધીરજભાઇ ઢોલરીયા છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. તેમણે બિમારીથી કંટાળીને આ પગલુ ભર્યાનું બહાર આવ્‍યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં આપઘાત પુર્વે ધીરજભાઇએ એક સ્‍યુસાઇડ નોટ પણ લખ્‍યાનું ખુલ્‍યું હતું. તેમણે લખ્‍યું હતું કે-આમાં કોઇનો વાંક નથી, મને અલ્‍સરની બિમારી છે એ સહન કરી શકતો નથી એટલે આ પગલુ ભરુ છું. પોલીસે ચિઠ્ઠી કબ્‍જે કરી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારને સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટી સેલીબ્રેશન એપાર્ટમેન્‍ટમાં પહેલા માળે રહેતાં મનિષભાઇ  નરેન્‍દ્રભાઇ કોટેચા (ઉ.વ.૫૬) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.  બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર મનિષભાઇ છુટક બોલપેન વેંચી સેલ્‍સમેન તરીકે કામ કરતાં હતાં અને ત્રણ બહેનના એક જ ભાઇ હતાં. તેઓ અપરિણીત હોઇ એકલા જ રહેતાં હતાં. મુંબઇથી તેમના બહેન ગઇકાલે રાજકોટ આવ્‍યા અને ભાઇના ઘરે પહોંચ્‍યા ત્‍યારે ભાઇ બેભાન મળતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ દમ તોડી દીધાનું જાહેર થતાં સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો. બિમારીથી મૃત્‍યુ થયાનું જણાવાયું હતું.

(2:34 PM IST)