<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

હૃદય બેસી જતાં ચોકીદાર નંદેભાઇ નેપાળી અને તાલાલાના વિજયભાઇ વાળાનું મોત

નેપાળી પ્રોઢ સાધુ વાસવાણી રોડના એપાર્ટમેન્‍ટમાં ચોકીદારી કરતાં હતાં: વિજયભાઇ એક વર્ષથી ઘર છોડી નીકળી ગયા હતાં: રાજકોટમાં ગોંડલ રોડ ચોકડીએ હૃદય બેસી ગયું

રાજકોટ તા. ૮: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુના બે બનાવ બન્‍યા હતાં. જેમાં સાધુ વાસવાણી રોડ પર ગીતાંજલી કોલેજ નજીક આવેલા અવધ એપાર્ટમેન્‍ટમાં સિક્‍યુરીટીના રૂમમાં રહેતાં અને ત્‍યાં ચોકીદારી કરતાં મુળ નેપાળના નંદેભાઇ ધનપતી ઢોલી (ઉ.વ.૪૯) સવારે ઘરે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર નંદેભાઇ દસેક વર્ષથી અહિ રહેતાં હતાં. તે ચાર ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

બીજા બનાવમાં ગોંડલ રોડ ચોકડી ઓવર બ્રીજ નજીકથી ગઇકાલે બપોરે અજાણ્‍યા પુરૂષ બેભાન મળતાં સિવિલ હોસ્‍પિટમલાં ખસેડાયેલ. પરંતુ સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકી મારફત જાણ થતાં આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતક પાસેની મળેલા ફોન નંબરને આધારે તેમની ઓળખ થઇ હતી. તે તાલાલા ગીરના વિજયભાઇ નારણભાઇ વાળા (ઉ.વ.૪૦) હોવાનું ખુલતાં તેમના મોટા ભાઇ સરમણભાઇને પોલીસે જાણ કરતાં તેઓ રાજકોટ પહોંચ્‍યા હતાં.

મૃતક બે ભાઇમાં નાના હતાં અને અગાઉ ખેત મજુરી કરતાં હતાં. એકાદ વર્ષથી ઘર છોડી રખડતું જીવન જીવતાં હતાં. રાજકોટમાં તેનું મોત હાર્ટએટેકથી થયાની શક્‍યતા સગાએ જણાવી હતી.

પોપટપરાના શૈલેષભાઇ રાઠોડનું બેભાન હાલતમાં મોત

જ્‍યારે ત્રીજા બનાવમાં પોપટપરા રઘુનંદન સોસાયટી-૧માં રહેતાં શૈલેષભાઇ દેવજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૦) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક એક ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કેટલાક સમયથી તેમને કમળો થયો હોઇ બિમાર હતાં. આજે બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું હતું. પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:04 PM IST)