તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
પ્રેમની અનોખી ભાષા વ્યકત કરતુ ફિલ્મ ‘તારો થયો
૧૭મીએ સીનેમાઘરોમાં રીલીઝ : હિતેનકુમાર, સની પંચોલી, વ્યોમા નાન્દી, રિવા રાચ્છ અભિનિત ફિલ્મમાં ભવાઇ ગીત જમાવટ કરે છે કાજલ ઓઝા વૈદ્યની કલમે આલખાયેલી કથા પડદા પર થશે જીવંત : ચાર યુગલોના માધ્યમથી જીંદગીને ક્ષણે ક્ષણે માણવાની વાત રજુ : ધર્મેશ પટેલનું કાબીલેદાદ ડાયરેકશન

તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ‘તારો થયો' ફિલ્મના કલાકારો હિતેનકુમાર, સની પંચોલી, રીવા રાચ્છ, વ્યોમા નાન્દી, ડાયરેકટર ધર્મેશ પટેલ અને બાજુમાં રાજકોટના સંકલનકાર વિજય કારીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ૯ : પ્રેમની અનોખી ભાષા રજુ કરતુ ગુજરાતી ફિલ્મ ‘તારો થયો' આગામી ૧૭ જાન્યુઆરીથી સીનેમાઘરોમાં રજુ થવા જઇ રહ્યુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફિલ્મના કલાકારો અને દિગ્દર્શકે જણાવ્યુ હતુ કે પ્રેમની એક અલગ ભાષા હોય છે. ત્યારે સંગાથનો ભાવ અહીં ખુબ સરસ રીતે વ્યકત થયો છે. શીર્ષક જ એવુ કહી જાય છે કે પ્રેમ એ ક્ષણે ક્ષણે અનુભવવાની વસ્તુ છે. ‘પ્રેમ હોય ત્યાં તહેવાર ઉજવવા તારીખની જરૂર ન પડે' એ આ પુરી ફિલ્મની ટેગ લાઇન બની રહી છે.
જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યએ કલમ ચલાવવા સાથે અભિનયના ઓજસ પણ પાથર્યા છે. હિતેનકુમાર કે જેઓ કેદારના પાત્રને ન્યાય આપી રહ્યા છે. કેદાર અને મિતાલી બે મુખ્ય પાત્રો પર ફિલ્મ આગળ વધે છે. એમ તો અલગ અલગ ૬ યુગલોની વાત આ ફિલ્મમાં આવે છે. જેના માધ્યમથી પરિવાર કેવો હોય તે સમજાવવા પ્રયાસ થયો છે.
સની પંચોલી ‘આરવ'ના પાત્રમાં છે જે એક ડોકટર છે અને હાથમાં મંગળસુત્ર બાંધીને ફરતા રહે છે. તો વ્યોમા નાન્દી ‘અંતરા'ના પાત્રમાં છે. જે ઓડીયન્સના મનમાં ચાલતી વ્યથાને રજુ કરે છે. પ્રેમમાં માનતી નથી તેમ છતા લગ્નના બંધને કઇ રીતે બંધાય છે તે જાણવા ફિલ્મ નિહાળવુ જ રહ્યુ.
રીવા રાચ્છે ‘પ્રિયા'નું પાત્ર ભજવ્યુ છે. જે એક પુત્રવધુ છે અને આખા પરિવારનો પ્રેમ મેળવવા સફળ રહે છે.
ઉપરાંત ફિલ્મમાં નમન ગોર, વિસ્તાસ્પ ગોટલા, સોનુ ચંદ્રપાલ, જહાન્વી પટેલ, ફિરોઝ ઇરાની, હિતેશ રાવલ, જીજ્ઞેશ મોદી, હિતુ કનોડીયાએ પણ અભિનયના ઓજસ પાથર્યા છે.
ફિલ્મનું નિર્માણ મુંબઇ સ્થિત લીલા મોહન પ્રોડકશન હાઉસ દ્વારા થયુ છે. નિર્માતા વિજય ચૌહાણ, નિધિ ચૌહાણ અને સંજય ચૌહાણ છે. દિગ્દર્શક તરીકે એવોર્ડ વિજેતા ધર્મેશ પટેલે કાબીલેદાદ સેવા આપી છે.
સંગીત રિપુલ શર્મા અને અભિજીત વાઘાણીએ પીરસ્યુ છે. કુલ ૬ ગીતો છે. જેમાં ઓસમાણ મીર, સોહમ નાયક, નીશા કાપડીયા સહીતના કલાકારોએ કંઠ આપ્યો છે. આ ગીતોમાં ડાન્સ, મસ્તી, પ્રેમના ભાવો છે. તો એક ‘હંસલો અને હંસલીની જોડી નિરાલી' ભવાઇ ગીત રીલીઝ થતાની સાથે ખુબ લોકપ્રિય થઇ ચુકયુ છે.
અહીં હિતેન કુમારે જણાવ્યુ હતુ કે આ ફિલ્મમાં મીઠાશ પણ છે અને ખારાશ પણ છે. ઘરમાં જીવતી જીંદગી ફલેશ થતી જોવા મળે છે. નિહાળનારને ચુકાઇ ગયેલી મોસમ ફરી જીવવા મળશે. મોટાભાગનું શુટીંગ અમદાવાદ અને બરોડામાં કરાયુ છે. એકંદરે જરા હટકે ફિલ્મ બની હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.
(3:03 PM IST)










