તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
આર્યનગરની કોલેજીયન છાત્રાએ ત્રણ બહેનપણીઓના ઘરમાંથી લાખોના દાગીના ચોર્યાઃ સકંજામાં લેવા તજવીજઃ વધુ ભેદ ખુલશે
પોતાના જ વિસ્તારની યુવતિઓને બહેનપણી બનાવી તેના ઘરે ઉછીના કપડા લેવાના જતી પછી બહેનપણીને રૂમ બહાર રાખી રૂમ બંધ કરી કબાટમાંથી હાથફેરો કરી લેતી'તીઃ એક વર્ષમાં ત્રણ ઘટનાઃ અરજીને આધારે હવે ગુનો નોંધી બી-ડિવીઝન પોલીસે તપાસ આરંભી

રાજકોટ તા. ૯: સામા કાંઠે આર્યનગરમાં રહેતી એક યુવતિ અલગ અલગ છોકરીઓને પોતાની ફ્રેન્ડ બનાવી તેણીના ઘરે તેના કપડા ઉછીના લેવાના બહાને અને રૂમમાં કપડાનું માપ કરવાના બહાને એકલી રહી કબાટમાંથી દાગીના ચોરી લેતી હોઇ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એક વેપારીના ઘરમાંથી ૧.૨૦ લાખના દાગીના ચોરાયાનો ગુનો નોંધાયો છે. અન્ય બે વેપારીઓની દિકરીઓને પણ આ યુવતિએ ફ્રેન્ડ બનાવી તેના ઘરમાં પણ હાથફેરો કર્યો હોવાની વિગતો ખુલતાં આ યુવતિની શોધખોળ થઇ રહી છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે કુવાડવા રોડ ક્રાંતિ માનવ મેઇન રોડ પર કસ્તુરી રેસીડેનસી શેરી નં. ૨માં રહેતાં અને ગુરૂદેવ પાર્ક-૨માં ચાદી કામ કરી ગુજરાન ચલાવતાં રાજશેભાઇ ગોરધનભાઇ અજુડીયા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી આર્યનગર-૬માં રહેતી પ્રિયંકા જગદીશભાઇ પાનસુરીયા અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો છે.
રાજેશભાઇ અજુડીયાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. મારે સંતાનમાં અઢાર વર્ષની દિકરી ધ્રુવી છે. હું ૨૬/૧૨ના રોજ મારા કામ પર હતો ત્યારે મારા પત્નિ મીનાએ મને ફોન કરી કહેલુ કે આપણા કબાટના ડ્રોઅરમાં મેં સોનાના દાગીના રાખ્યા હતાં તે દેખાતા નથી, તમે ઘરે આવો. જેથી હું ઘરે ગયો હતો અને તપાસ કરી હતી પરંતુ દાગીના મળ્યા નહોતાં. અમે બે મહિનાથી બહારગામ હોઇ દાગીના ક્યાંક મુકાઇ ગયા હશે તેમ માની લીધુ હતું અને અમારી રીતે શોધખોળ કરતાં હતાં. આ દરમિયાન અમને જાણવા મળ્યું હતું કે પ્રિયંકા જગદીશભાઇ પાનસુરીયા જે આર્યનગર-૬માં રહે છે તે પોતાની બહેનપણીઓને ત્યાં જઇ તેના કપડા પ્રસંગમાં પહેરવા માટે માંગી રૂમમાં કપડાનું માપ કરવાના બહાને એકલી રૂમમાં રહી દાગીનાની ચોરીઓ કરી લે છે.
આથી અમે અમારી દિકરી ધ્રુવીને પુછતાં તેણે કહેલુ કે પ્રિયંકા મને ઓળખે છે અને તેની સાથે મિત્રતા છે. ગત ૨૨/૧/૨૪ના રોજ તે આપણા ઘરે મારા કપડા લેવા માટે આવી હતી. મેં તેને મારા કપડા દેખાડતાં તેણે કપડા ચેન્જ કરવા છે તેમ કહી મને રૂમમાંથી બહાર મોકલી હતી અને પોતે એકલી રૂમમાં રહી હતી. પંદરેક મિનીટ પછી તે રૂમમાંથી બહાર નીકળી મારા કપડા પહેરવા માટે લઇ જતી રહી હતી. આથી અમને શંકા ઉપજી હતી કે કબાટમાંથી જે દાગીના ગૂમ થયા છે તે પ્રિયંકા લઇ ગઇ છે.
આ બાબતે અમે સગા સંબંધીઓને વાત કરી હતી. એ દરમિયાન ત્રણેક મહિના પહેલા સંત કબીર રોડ નંદુબાગ સોસાયટીમાં રહેતાં શૈલેષભાઇ શાંતિભાઇ મુળીયાના ઘરે પણ આ રીતે દાગીના ગૂમ થઇ ગયાની અમને ખબર પડી હતી. શૈલેષભાઇની દિકરી કૃપા પાસે પ્રિયંકા કપડા લેવા ગઇ હતી અને કૃપાને રૂમમાંથી બહાર મોકલી કપડા ચેન્જ કરી દાગીના ચોરી ગઇ હતી. તેમજ દસેક મહિના પહેલા સંત કબીર રોડ સંસ્કાર વીલા-બીમાં રહેતાં વિપુલભાઇ મુળજીભાઇ પરસાણાના ઘરે પણ તેની દિકરી શ્રુતિ પાસે ઉછીના કપડા માંગી ચેન્જ કરવાના બહાને રૂમ બંધ કરી દાગીના ચોરી ગયાનું અમને જાણવા મળ્યું હતું.
પ્રિયંકાએ અમારા ઘરેથી રૂા. ૧,૨૦,૦૦૦ના અલગ અલગ દાગીના ચોરી ગઇ હોઇ અમે હવે પોલીસને જાણ કરી હતી. રાજેશભાઇએ જણાવ્યું હતું કે અમારા ઘરમાંથી ૨૦ ગ્રામનો ચેઇન, ૧૯ ગ્રામનો બીજો ચેઇન, ૨૧ ગ્રામની સોનાની માળા, ૪૬ ગ્રામનું મંગળસુત્ર અને ૮ ગ્રામનું બ્રેસલેટ ચોરાયું છે. આ દાગીનાની જુની કિમત ગણવામાં આવી છે. હાલમાં તેની કિમત સાતેક લાખ થઇ શકે. શૈલેષભાઇના ઘરમાંથી પણ છ સાત લાખના દાગીના અને વિપુલભાઇના ઘરમાં પણ ત્રણેક તોલા દાગીના મળી કુલ વીસથી બાવીસ લાખના દાગીના ચોરાયા છે.
દરમિયાન પીઆઇ એસ. એસ. રાણેએ જણાવ્યું હતું કે આરોપી પ્રિયંકા કોલેજમાં ભણતી હોવાનું અમને જાણવા મળ્યું છે, તે ખોટી સંગતને કારણે આ રવાડે ચડયાની શક્યતા છે. તેની ધરપકડ બાદ વિશેષ કાર્યવાહી થશે. તપાસમાં વધુ ગુનાના ભેદ ખુલવાની અને અન્ય કોઇના નામ ખુલવાની શક્યતા પણ જણાઇ રહી છે. પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ જે. આર. સોલંકી સહિતની ટીમ વધુ તપાસ કરે છે. (
(3:29 PM IST)










