<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

વાવડીમાં સરકારી ખરાબાની વધારાની જમીન અંગે ઉદ્યોગકારો

૮ કરોડ ભરી દિધાઃ છતા પ્‍લાન પાસ થતા નથી!! વાવડી સર્વે નં.૧૪૯ની જમીનઃ ૭ દિવસની અંદર યોગ્‍ય નહિ થાય તો બાંધકામ કરી લેવાની ચેતવણીઃ બાદમાં જવાબદારી કલેકટરનીરાજકોટ મ્‍યુ.કોર્પોરેશનના તંત્રની આડોડાઇઃ ભારે દેકારોઃ ઉદ્યોગકારો કલેકટર પાસે દોડી આવ્‍યા પૈસા ૧ વર્ષથી ભરી દિધા છેઃ કોર્પોરેશનમાં ૧૨ ઉદ્યોગકારોએ ૬ મહિનાથી અરજીઓ કરી છેઃ છતા પ્‍લાન પાસ કરાયા નથી

રાજકોટ તા.૮: ઉદ્યોગ વિકાસ મંડળ ટ્રસ્‍ટના પ્રમુખ અને અન્‍ય આગેવાનોએ- ઉદ્યોગપતિઓએ કલેકટરને વિસ્‍તૃત આવેદન પાઠવી ઉમેર્યુ હતું કે, સરકારના ઠરાવ ક્રમાંક મુજબ વાવડી, તા- રાજકોટના સરકારી ખરાબાના સ.નં. ૧૪૯ પૈકી ટી.પી.નં. ૧૪ ના ફાઈનલ પ્‍લોટ નં. ૩૩/૧ ની પ્‍લોટીંગ એરિયા ની કુલ ૮૧૭૨ ચો.મી. ફાળવેલ, જે પૈકી શ્રી ઉદ્યોગ વિકાસ મંડળ ટ્રસ્‍ટ, રાજકોટના ઠરાવ મુજબના બાકીના ૨૪ સભ્‍યો (અરજદારો)ને રિવાઇઝડ લે-આઉટ મુજબના અનુક્રમે પ્‍લોટ નં. ૨૩ થી ૪૬ની પ્રવર્તમાન બજાર કિંમત અને વસૂલવાપાત્ર તમામ ડ્‍યુટી/વેરા/ચાર્જિસ/ફી વસુલ કરીને મંત્રીમંડળની મંજૂરી મળ્‍યેથી ઔધોગિક હેતુ માટે નવી અને અવિભાજ્‍ય જમીન ફાળવવા આદેશ કરવામાં આવેલ છે.

સરકારના ઉપરોક્‍ત આદેશ મુજબ, ઉદ્યોગ વિકાસ મંડળ ટ્રસ્‍ટ, રાજકોટ ના૧૨ જેટલા સભ્‍યો દ્વારા તમામ ડ્‍યુટી/વેરા/ચાર્જિસ/ફી ની સાથે રાજકોટ ખાતેની તિજોરી/પેટા- તિજોરી/સ્‍ટેટ/રિઝર્વે બેંક ઓફ ઇન્‍ડિયા દ્વારા આપવામાં આવેલ ચલણ થકી ખાતા નં. ૩૧૦૫૩૯૮૫૭૫૬માં તમામ રકમ છેલ્લા એક વર્ષ જેટલા સમયથી ભરપાઈ કરવામાં આવેલ છે, જેની તમામ સહી અને સિક્કા સાથેનું ચલણ તમામ ૧૨ સભ્‍યો પાસે પણ છે, કુલ ૮ કરોડ જેવી રકમ ભરપાઇ થયેલ છે, દસ્‍તાવેજ પણ થયા છે.

કલેકટરશ્રીના પત્ર દ્વારા ઉદ્યોગ વિકાસ મંડળ ટ્રસ્‍ટ, રાજકોટના ૧૨ જેટલા સભ્‍યોને તમામ ડ્‍યુટી/વેરા/ચાર્જિસ/ફીની ભરપાઈ થયેલ હોવાથી પત્રમાં જણાવેલ વિગતો અને ક્ષેત્રફળ મુજબના પ્‍લોટ્‍સની ફાળવણી કરવા હુકમ પણ થયેલ છે. વધુમાં, કલેકટર આદેશ કર્યા પછી મહેસુલ તલાટી અને સર્કલ ઓફિસર, રાજકોટ દ્વારા સ્‍થળ તપાસ કરીને કબ્‍જો આપવા અંગેનું પંચરોજ કામ સહીતનું લખાણ, ગામ નમૂનો નં- ૬ (હક પત્રક), ઉદ્યોગ વિકાસ મંડળ ટ્રસ્‍ટ, રાજકોટના ૧૨ સભ્‍યો ઔધોગિક હેતુ માટે જમીન વ્‍યક્‍તિગત ધોરણે ફાળવણીનું માપણીશીટની સાથે સનદ મળ્‍યા ના અંદાજિત ૪-૫ મહિના જેટલો સમય થઇ ગયેલ છે.

વધુમાં, સંદર્ભ પત્ર (૨) જણાવ્‍યા મુજબ નગર નિયોજક દ્વારા મંજૂરી થયેલ એલ.ઓ.પી અને બાદમાં આ એલ.ઓ.પી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંજુર થયેથી એલ.ઓ.પી. માં જે નંબરનો પ્‍લોટ ફાળવેલ હોય, તેનો કબ્‍જો મળ્‍યાની તારીખ થી છ મહિનામાં મકાનનો પ્‍લાન રાજકોટ મહાનગરપાલિકામાંથી મંજુર કરાવવાનો રહેશે તથા કબ્‍જો મળ્‍યાની તારીખ થી બે વર્ષમાં બાંધકામ પૂર્ણ કરીને રાજકોટ મહાનગરપાલિકામાંથી B.U.C (ભોગવટા પ્રમાણપત્ર) મેળવવાનું રહેશે. જેના સંદર્ભે તમામ ૧૨ અરજદારોને કબ્‍જો તથા સનદ મળ્‍યાને ૫ થી ૬ મહિના જેટલો સમય થવા આવ્‍યો હોય અને બાંધકામ ચાલુ કરવા માટે ૯ સભ્‍યો દ્વારા પ્‍લાન પાસ કરવા માટે ની અરજીઓ પણ રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં કરવામાં આવેલ છે તેમ છતાં તેમના દ્વારા લે-આઉટ પ્‍લાન/માપણીશીટની વિગતો અપૂરતી હોવાનું કહી પ્‍લાન પાસ કરવામાં આવેલ નથી અને કોઇપણ સંતોષકારક જવાબ પણ આપવામાં આવતા નથી. તદુપરાંત, અરજદારો દ્વારા લગભગ એક વર્ષ જેટલા સમય થી મસમોટી રકમ લોન /બચત કે ઉધારી કરીને સરકારને જમા કરેલ છે તેમ છતાં આજ દિન સુધી બાંધકામ કરવા માટે પ્‍લાન પાસ ની મંજૂરી આપવામાં આવેલ ન હોવાથી તમામ સભ્‍યો ને વ્‍યાજ ના સ્‍વરૂપે આર્થિક નુકશાન ઉઠાવી રહ્યા છીએ.

તો આપને વિનંતી છે કે, શ્રી ઉદ્યોગ વિકાસ મંડળ ટ્રસ્‍ટ, રાજકોટના ૧૨ અરજદારોને આજથી આવનાર ૭ દિવસની અંદર તમામ ખૂટતી વિગતો જે તે વિભાગ ને પુરી પાડીને બાંધકામ કરવા માટે પ્‍લાન પાસને મંજૂરી આપવામાં આવે અને જો તેમ નહિં કરવામાં આવે તો સભ્‍યોની પાસે સનદ તથા કબ્‍જા પહોંય હોવાથી પ્‍લાન પાસ કરાવ્‍યા વગર બાંધકામ કરવામાં આવશે તો ભવિષ્‍યમાં ઉદભવેલ કોઈપણ પ્રકારના વાદ- વિવાદ/અનુચિત બાંધકામ/ફીસ/યાર્જિસને ભોગવવા પાત્ર રહેશે નહિ અને તેની તમામ જવાબદારી કલેકટર ઓફિસ/સરકારની રહેશે.

રજુઆતો કરવામાં પાનસુરીયા ધ્રુવન, કાછડીયા વસંત, પરસોતમભાઇ પાનસુરીયા, જીજ્ઞેશ શેરઠીયા, શિવમ મેટલ્‍સ, દિલીપ ઘાડીયા, પીનલબેન ખુંટ, ભરત કોટડીયા, દુર્ગારામ ચોૈધરી, કેવલ મારવીયા વિગેરે જોડાયા હતા.

(3:29 PM IST)