તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
તેર વર્ષના દિકરાને કેન્સરનો રિપોર્ટ આવતાં માતા ડિમ્પલબેન સોજીત્રાએ આપઘાત કર્યો
ઝેર પી જિંદગી ટુંકાવીઃ મવડીના અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૯: મવડીમાં રહેતાં મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેમને બે દિકરા પૈકી મોટા તેર વર્ષના દિકરાને કેન્સર હોવાનું નિદાન થતાં તેની ચિંતામાં તેણીએ આ પગલુ ભરી લીધાનું બહાર આવ્યું હતું.
જાણવા મળ્યા મુજબ મવડી એસકેપી સ્કૂલ પાછળ અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતાં ડિમ્પલબેન જયેશભાઇ સોજીત્રા (ઉ.વ.૪૨) નામના મહિલાએ સાંજે આઠેક વાગ્યે ઝેરી દવા પી લેતાં પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે તેમનું મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આપઘાત કરનાર ડિમ્પલબેનના લગ્ન ચોૈદ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે પુત્રો છે. જેમાં મોટો તેર વર્ષનો અને નાનો નવ વર્ષનો છે. તેમના પતિ જયેશભાઇ સોજીત્રા હીરા ઘસવાનું કામ કરે છે.
જયેશભાઇએ જણાવ્યું હતું કે મારા મોટા દિકરાને કેન્સરનો રિપોર્ટ આવ્યો હતો. ગઇકાલે ત્રીજી વખત રિપોર્ટ કરાવ્યો તેમાં પણ એ જ નિદાન થતાં મારા પત્નિ ખુબ ચિંતામાં આવી ગયા હતાં અને તેના કારણે આ પગલુ ભરી લીધુ હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ તાલુકા પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
(4:01 PM IST)










