તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Friday, 10th January 2025
મનપા દ્વારા પ્રજાસતાક પૂર્વ સંધ્યાએ લોકડાયરો- હસાયરો
૨૫મીએ રાત્રે ૯ કલાકે કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે કિર્તીદાન ગઢવી તથા ધીરૂભાઇ સરવૈયા શહેરીજનોને તરબોળ કરશે

રાજકોટ તા.૧૦: મહાનગરપાલિકા દ્વારા આગામી ૨૬મી જાન્યુઆરીના પ્રજાસતાક પૂર્વ સંધ્યાએ અનુસંધાને તા.૨૫ના રોજ રાત્રે કિર્તીદાન ગઢવી તથા ધીરૂભાઇ સરવૈયા દ્વારા લોકડાયરો અને હાસ્ય કાર્યક્રમ યોજાશે. આ અંગે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા જણાવે છે કે, આગામી આગામી ૨૬મી જાન્યુઆરીની પુર્વ સંધ્યાએ રાજકોટ શહેરમાં તા.૨૫ શનિવારના રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે લોક ડાયરો યોજવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ છેલ્લા ઘણા વર્ષોથી જુદા જુદા પર્વો તેમજ તહેવારો નિમીતે રાજકોટ શહેરની જનતા માટે વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં રાષ્ટ્રપર્વો પ્રજાસતાકદિન અને સ્વતંત્રતાદિન નિમિતે ધ્વજવંદન સાથે પુર્વ સંધ્યાએ બોલીવુડ નાઇટ, સંગીત સંધ્યા, ધુળેટી નિમીતે હાસ્ય કવિ સંમેલન, દિવાળીના તહેવારો નિમિતે લાઇટીંગ ડેકોરેશન તથા કાર્નિવલ, ધનતેરશ નિમિતે આતશબાજી, જન્માષ્ટમી નિમિતે લાઇટીંગ ડેકોરેશન તથા મટકી ફોડ સ્પર્ધા જેવા અનેકવિધ સાંસ્કળતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ઉપરાંત, ફ્લાવર શો, હેકાથોન, મેરેથોન, સાઇક્લોથોન, રન ફોર યુનિટી, તિરંગા યાત્રા જેવા લોક ભોગ્ય કાર્યક્રમો પણ સહયોગી સંસ્થાઓ સાથે યોજવામાં આવે છે.
આ પરંપરાને આગળ વધારવા આગામી પ્રજાસતાક દિનની પુર્વ સંધ્યાએ કાર્યક્રમ અંતર્ગત લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને લોક હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા જેવા પ્રખ્યાત કલાકારો દ્વારા રાજકોટની જનતાને ‘લોકડાયરો' કાર્યક્રમમાં લોક સાહિત્ય અને હાસ્ય રસમાં તરબોળ કરવામાં આવશે.
દેશ અને દુનિયાના ખૂણે ખૂણામાં વસેલા દરેક ગુજરાતીના હૈયે વસેલુ નામ, કીર્તિદાન ગઢવી એટલે લોકડાયરાથી ‘લાડકી' ગીતની સફર થકી ગુજરાતનું યુવાધન લોકસંગીત તરફ વળ્યું એનું આગવું ઉદાહરણ. તળપદી-કાઠીયાવાડી ભાષાના હાસ્ય કલાકાર તરીકે ઓળખ ધારાવતા ધીરૂભાઈ સરવૈયાએ ગામ-તાલુકામાં યોજાતા કાર્યક્રમોથી શરૂઆત કરી તેઓ આજે હાસ્ય રસીકોમાં જોક્સ ‘કિંગ' તરીકે જાણીતા બનેલ છે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા શહેરીજનોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
(3:42 PM IST)










