News of Friday, 10th January 2025
માધાપર ચોકડી વિનાયક વાટીકાના હિતેષભાઇ કાનાબારએ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કર્યો
સિમેન્ટ પ્લાન્ટમાં નોકરી કરતાં આધેડ હમણા આવું કહી બાઇક લઇને નીકળી ગયા બાદ પરાપીપળીયા ફાટક પાસે પગલુઃ બે દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંતઃ આર્થિક સંકડામણની શક્યતા

રાજકોટ તા. ૧૦: આત્મહત્યાના વધુ એક બનાવમાં શહેરની માધાપર ચોકડી નજીક રહેતાં આધેડે સાંજે જામનગર રોડ પરાપીપળીયા ફાટક પાસે ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ પરાપીપળીયા પાસે એક આધેડ ટ્રેન હેઠળ કપાઇ જતાં ૧૦૮ના ઇએમટી મહેન્દ્રભાઇ પટેલે તેમને મૃત જાહેર કરી પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકના હેડકોન્સ. મિહીરસિંહ બારડ સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. દેહના ટુકડે ટુકડા થઇ ગયા હોઇ પોલીસે તે એકઠા કરી પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતાં.
પોલીસે મૃતક પાસેથી મળેલા કાગળો, લાયસન્સ વગેરેને આધારે તપાસ કરતાં તે માધાપર ચોકડી નજીક વિનાયક વાટીકામાં રહેતાં હિતેષભાઇ ઘનશ્યામભાઇ કાનાબાર (ઉ.વ.૪૬) હોવાનું ખુલતાં તેમના સગા સ્વજનને હોસ્પિટલે બોલાવી ઓળખવિધી કરાવી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર હિતેષભાઇ બે ભાઇમાં મોટા હતાં અને માધાપર ચોકડી નજીક સિમેન્ટ પ્લાન્ટમાં નોકરી કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવને પગલે બે દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. મૃતકના ભાઇએ આપઘાત મામલે કોઇ કારણ પોતે જાણતા નહિ હોવાનું કહ્યું હતું. મૃતકના મિત્રોમાં થઇ રહેલી ચર્ચા મુજબ કદાચ આર્થિક સંકડામણ ઉભી થતાં હિતેષભાઇએ આ પગલુ ભર્યુ હશે. અંતિમવિધી બાદ પોલીસ આગળ કાર્યવાહી હાથ ધરશે.
(2:53 PM IST)










