<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

નવી કોર્ટમાં બે વકિલ પર અસીલોનો હુમલો

ધમકીના ગુનાના આરોપી ભાઇઓ હરિ અને અનિલ પઢીયાર કોર્ટ પટાંગણમાં વિડીયો ઉતારતા હોઇ એડવોકેટ ભાર્ગવ બોડાએ ના પાડતાં બોલાચાલીઃ બાદમાં દાદરા ઉતરતી વખતે ધક્કો દઇ પછાડી ઢીકાપાટુ માર્યાઃ આસી. સરોજબેન વિંજુડ વચ્‍ચે પડતાં બટકુ ભરી લીધું: બંનેને હોસ્‍પિટલે ખસેડાયા

જેના પર હુમલો થયો તે એડવોકેટ ધર્મેશ બોડા અને તેમના આસી. સરોજબેન વિંજુડાને સિવિલ હોસ્‍પિટલે ખસેડાયા હતાં ત્‍યારના દ્રશ્‍યો અને બનાવને પગલે વકિલો પણ હોસ્‍પિટલે દોડી આવ્‍યા હતાં તે જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૦: શહેરના જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્‍ડીંગ ખાતે બપોરે યુવાન વકિલ અને તેમના આસીસ્‍ટન્‍ટ મહિલા વકિલ પર બે અસીલ ભાઇઓએ હુમલો કરી માર મારતાં ચકચાર મચી ગઇ હતી. વકિલ યુવાને પોતાના બંને અસિલને કોર્ટ પરિસરમાં મોબાઇલથી વિડીયો શુટીંગ કરવાની ના પાડતાં બોલાચાલી થઇ હતી. બાદમાં વકિલ દાદરો ઉતરી રહ્યા હતાં ત્‍યારે અસિલે ધક્કો દઇ પછાડી દીધા હતાં અને હુમલો કરી ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. આસીસ્‍ટન્‍ટ મહિલા એડવોકેટ વચ્‍ચે પડતાં તેને પણ બંનેએ માર માર્યો હતો અને હાથમાં બટકુ ભરી લીધુ હતું. બંને વકિલને સિવિલ હોસ્‍પિટલે ખસેડતાં મોટી સંખ્‍યામાં વકિલો હોસ્‍પિટલે દોડી આવ્‍યા હતાં અને ઘટનાને વખોડી કાઢી હતી.

જાણવા મળ્‍યા મુજબ બાબરીયા કોલોની પાસે રંગીલા પાર્કમાં રહેતાં એડવોકેટ ભાર્ગવ ધર્મેશભાઇ બોડા (ઉ.વ.૨૭) અને તેના આસી. મહિલા એડવોકેટ હનુમાન મઢી નજીક જૈન ઉપાશ્રય પાસે ઉપવન ફલેટમાં રહેતાં સરોજબેન મુકેશભાઇ વિંજુડા (ઉ.વ.૨૭) બપોરે સાડા બારેક વાગ્‍યે જામનગર રોડ નવી કોર્ટ બિલ્‍ડીંગ ખાતે હતાં ત્‍યારે તેઓના અસીલ હરિશ પઢીયાર અને તેના ભાઇ અનિલ પઢીયારે હુમલો કરી ઝપાઝપી કરી ઢીકાપાટુ મારતાં તેમજ સરોજબેનને જમણા હાથે બટકુ ભરી લેતાં બંનેને ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલે ખસેડાતાં હોસ્‍પિટલ પોલીસ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

બનાવને પગલે કોર્ટના સિનીયર જુનીયર વકિલો પણ મોટી સંખ્‍યામાં હોસ્‍પિટલ ખાતે દોડી આવ્‍યા હતાં અને ઘટનાને વખોડી કાઢી હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. વધુ માહિતી અનુસાર એડવોકેટ ધર્મેશ બોડા બપોરે તેના બે અસીલ હરિશ અને અનિલ પઢીયારને કોર્ટ ખાતે લઇને આવ્‍યા હતાં. અહિ કોર્ટમાં આ બંને ભાઇઓ મોબાઇલ ફોનથી વિડીયો શુટીંગ કરતાં હોઇ ધર્મેશ બોડાએ તેને શુટીંગ કરવાની ના પાડતાં બંનેએ બોલાચાલી કરી હતી અને ઝઘડો ચાલુ કરી તમે વકિલ છો તો હવા છે, નીચે આવો તો ખબર પડે તેમ કહેતાં ધર્મેશ બોડા અને તેમના આસી. સરોજબેન વિંજુડા નીચે ઉતરી રહ્યા હતાં ત્‍યારે દાદરા પર જ હરિશ અને અનિલે ધર્મેશ બોડાને ધક્કો દઇ પછાડી દઇ માર મારતાં તે લોહીલુહાણ થઇ ગયા હતાં.

આ વખતે સરોજબેન વચ્‍ચે પડતાં તેને પણ બંને જણાએ ઢીકાપાટુ માર્યા હતાં અને તેણીના જમણા હાથમાં બટકુ ભરી લોહી કાઢયા હતાં. બનાવને પગલે દેકારો મચી જતાં મોટી સંખ્‍યામાં વકિલો એકઠા થઇ ગયા હતાં અને બંને હુમલાખોરને પકડી લીધા હતાં. યુનિવર્સિટી પોલીસને હોસ્‍પિટલ ચોકી મારફત જાણ થઇ હોઇ પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં ગુનો નોંધવા તજવીજ કરવામાં આવી હતી.

વધુ માહિતી અનુસાર હુમલામાં ઘાયલ થયેલા એડવોકેટ ધર્મેશ બોડા ચોૈધરી હાઇસ્‍કૂલ નજીક ઉમેશ કોમ્‍પલેક્ષમાં ઓફિસ ધરાવતાં એડવોકેટ રક્ષિત કલોલાના જુનિયર તરીકે કામ કરે છે. બનાવની જાણ થતાં કલોલા પણ હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં. હુમલો કરનારા હરિશ અને તેનો ભાઇ અનિલ પઢીયાર ધમકીના ગુનાના જુના આરોપી હોઇ અને હાલ જામીન પર હોઇ તારીખ હોવાથી તેના વકિલ તરીકે ધર્મેશ બોડા બંનેને કોર્ટ ખાતે લઇ આવ્‍યા ત્‍યારે આ માથાકુટ થઇ હતી.

(2:56 PM IST)