તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
ગીરગંગા ટ્રસ્ટના પાણી બચાવો અભિયાન માટે મેટોડાના ઉદ્યોગપતિઓની હિટાચી મશીનની ભેટ
કાલે સાંજે સમુહ લગ્નમાં સી. આર. પાટીલ અને ડો. ભરતભાઇ બોઘરાના હસ્તે લોકાર્પણ સમારંભ

રાજકોટ તા. ૧૦: ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પાણી બચાવો અભિયાનને વધુ વેગવંતુ કરવા માટે મેટોડા (રાજકોટ) જીઆઇડીસીના ઉદ્યોગપતિઓ દ્વારા હિટાચી મશીનની ભેટ અપાઇ છે. જેનું કાલે તા. ૧૧ને શનિવારે સી. આર. પાટીલ અને ડો. ભરતભાઇ બોઘરાના હસ્તે લોકાર્પણ કરાશે.
‘‘અકિલા'' કાર્યાલયે ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ આયોજકો ગીરગંગા પરિવાર ટ્રસ્ટે વિગતો વર્ણવી હતી.
વરસાદી શુદ્ધ પાણીનું યોગ્ય જતન કરવા ૧૧,૧૧૧ ચેકડેમ રીપેરીંગ ઊંડા ઉંચા તેમજ નવા બનાવવા અને ૧૧,૧૧૧ રિચાર્જ બોર કરવાનો સંકલ્પ કરેલ છે, જેમાંથી રરપ થી વધુ ચેકડેમ થઇ ચૂકયા છે, અને ૧રપ થી વધુ રિચાર્જ બોર થઇ ચૂકયા છે, હાલમાં અનેક જગ્યાએ ચેકડેમોનું કામ ચાલુ છે, અને વધુમાં વધુ ચેકડેમો ઊંડા કરવાની જરૂરિયાત હોય તેના માટે રાજકોટ, મેટોડા જીઆઇડીસીના ઉદ્યોગપતિ વિનેશભાઇ બાબુલાલ પટેલ (ઓર્બીટ બેરિંગ્સ પ્રા. લી.) રાજેશભાઇ નાથાભાઇ કાલરીયા (સનફોર્જ પ્રા. લી.) સુરેશભાઇ ગોરધનભાઇ હીરપરા (યુનિવર્સલ ટેકનો), ચંદ્રકાન્તભાઇ વલ્લભદાસ ભાલારા (બાલાજી મલ્ટી ફલેક્ષ પ્રા.લી.) કિરીટભાઇ શિવલાલભાઇ અદ્રોજા (એન્જલ પમ્પ પ્રા. લી.) દ્વારા હિટાચી મશીન (અર્થ મુવર)નું ટ્રસ્ટને ભેટ આપેલ છે, જેથી ખૂબ જ ઝડપથી કામ કરવામાં મદદરૂપ થશે.
આ હિટાચી મશીનનું (અર્થ મુવર) લોકાર્પણ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને ગુજરાતના ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરાના હસ્તે તા. ૧૧-૦૧-ર૦રપને શનિવારે સાંજના ૬-૦૦ કલાકે નવા રીંગ રોડ પર પરસાણા ચોકમાં યુનિટી ફાઉન્ડેશન આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ખાતે રાખેલ છે. જેમાં અનેક મહાનુભાવો અને સંતો-મહંતો અને દાતાશ્રીઓ હાજર રહેશે.
આજે દિવસે દિવસે વરસાદની સિઝનમાં ફેરફાર થતો જાય છે અને અચાનક ખૂબ જ વરસાદ પડી જાય છે, જેથી થોડું પાણી જમીનમાં ઉતરે અને ડેકડેમો છીછરા હોય અથવા તૂટેલા હોય તેના હિસાબે પાણી રોકાતું નથી અને ઝાઝા ભાગનું દરિયામાં જતું રહે છે, આવા સમયે ઉદ્યોગપતિઓ અને દાતાઓના આર્થિક સહયોગથી હિટાચી, જેસીબી, ટ્રેકટર જેવા સાધનોનું દાન મળે તો ખૂબ જ વિશાળ પ્રમાણમાં કામ થાય અને સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારતભરની ધરતીઓમાં અલગ અલગ જગ્યાએ ચેકડેમો બનવાથી જમીનમાં પાણીના તળ ઊંચા આવવાથી શુદ્ધ, અને મીઠું પાણી હોવાથી પાક ઉત્પાદનમાં ખૂબ મોટો ફાયદો થશે લોકોના આરોગ્યમાં ફાયદો થશે અને સૃષ્ટિ પરના સર્વે જીવોની રક્ષા થશે તો દરેક દાતા ઉદ્યોગપતિઓ આવા ઉમદા કાર્યમાં જોડાઇ.
આ કાર્યને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઇ સખિયા, પ્રાકૃતિ પ્રેમી દિનેશભાઇ પટેલ, જમનભાઇ ડેકોરા, પ્રતાપભાઇ પટેલ, વિરાભાઇ હુંબલ, રમેશભાઇ ઠકકર, રમેશભાઇ જેતાણી, શૈલેશભાઇ જાની, ડી.વી. મહેતા, ભરતભાઇ ટીલવા, કિશોરભાઇ કાથરોટિયા, સતીશભાઇ બેરા, ગોપાલભાઇ બાલધા, અશોકભાઇ મોલિયા, મનીષભાઇ માયાણી તેમજ ઘણા ભાઇઓ આ કાર્યમાં જોડાયેલ છે. તેમ દિલીપભાઇ સખિયા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ-રાજકોટ (મો. ૯૪ર૭ર ૦૭૮૬૮)ની યાદીમાં જણાવાયું છે.
(4:01 PM IST)










