તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
નાણાવટી ચોકના હોકર્સ ઝોનમાં એસ્ટેટ બ્રોકર પર હુમલો કરનારા બંને ઓળખાયા
૫૯ વર્ષિય યતીનભાઇ જોબનપુત્રા નાસ્તો કરીને નીકળ્યા ત્યારે બંને શખ્સ ઢોસાની લારીએ ધમાલ મચાવતાં હોઇ યતીનભાઇને બહાર નીકળવું હોઇ દુર ખસવાનું કહેતાં તેમના પર હુમલો કર્યો હતો :નરેન્દ્રસિંહ અને મિલન નામના શખ્સોની શોધખોળ

રાજકોટ તા. ૧૦: શહેરના ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં હોકર્સ ઝોનની અંદર પરમ દિવસે રાતે સાડા અગિયારેક વાગ્યે ગાંધીગ્રામ ગોૈતમનગર-૨માં રહેતાં યતીનભાઇ મનહરલાલ જોબનપુત્રા (ઉ.વ.૫૯) પર બે શખ્સોએ હુમલો કરી બિભત્સ ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલાનો વિડીયો પણ વાયરલ થયો હતો. યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરતાં બે આરોપી ઓળખાઇ ગયા છે. આ બંને શખ્સોના નામ નરેન્દ્રસિંહ અને મિલન છે. જે પૈકી મિલન હોકર્સ ઝોન નજીકના જ ક્વાર્ટરમાં રહે છે. બીજો શખ્સ અન્ય સ્થળે રહે છે. પોલીસ ક્વાર્ટરમાં તેને શોધવા પહોંચી હતી. પરંતુ ઘરે તાળુ હતું.
યતીનભાઇ જોબનપુત્રાએ જણાવ્યું હતું કે હું પત્નિ ગીતાબેન, દિકરી અવનીબેન અને દિકરા રૂદ્ર સાથે રહુ છું અને રઘુવંશી એસ્ટેટ બ્રોકર તરીકે નાણાવટી ચોક પાસે ઓફિસ ચલાવુ છું. તા. ૮ના રાતે અગિયારેક વાગ્યે હું નાણાવટી ચોક હોકર્સ ઝોનમાં નાસ્તો કરવા ગયો હતો. નાસ્તો કરી બહાર નીકળતો હતો ત્યારે ઢોસાની લારી અને ચાઇનીઝ પંજાબીની લારીએ બે અજાણ્યા ખુરશી ટેબલના ઘા કરતાં હોઇ અને જાહેરમાં બખેડો કરતાં હોઇ મારે ત્યાંથી નીકળવાનું થતાં મેં તોફાન કરતાં શખ્સોને દૂર જવાનું કહેતાં બંનેએ મને ગાળો દઇ બોલાચાલી કરી હતી અને ઢીકાપાટુનો બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કારણે માણસો ભેગા થઇ જતાં મને છોડાવ્યો હતો. મારે જે તે વખતે ફરિયાદ કરવી નહોતી. મેં સારવાર લીધી હતી અને ઘરે જતો રહ્યો હતો. પણ મને ધમકી આપી હોઇ ફરી ઝઘડો થશે તેમ લાગતાં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં તેમણે કહેતાં યુનિવર્સિટી પોલીસ મથકના એએઅસાઇ જે. આઇ. ઝાલાએ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જેના નામ મળી ગયા છે.
(3:38 PM IST)










