તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
વાવડીમાં RMC-મામલતદાર-રૂડાનું જબરૂ ઓપરેશન ૪૯ મકાનો તોડી પાડવા અધીકારીઓ દોડયાઃ ટીપી ૧૪ની જમીન
True-વેલ્યુની પાછળ કાર્યવાહીઃ ઘણા સમયથી દબાણ હતું: મોટા ટોળા એકઠા થયાઃ ભારે તંગદિલી : કૂલ ર૦થી રપ કરોડની જમીન ખૂલ્લી કરાવાઇઃ કલેકટરની સૂચના બાદ કાર્યવાહી

વાવડીમાં ઓપરેશનઃ સીટી પ્રાંત-ર દોડી ગયા...દબાણકારો સાથે માથાકૂટ પણ સર્જાઇઃ લોકોના ટોળેટોળા
વાવડીમાં આજે મામલતદાર-રૂડા-કોર્પોરેશને ટીપી-૧૪, સર્વે નં. ૧૪૯ની ર૦ થી રપ કરોડની કિંમતી જમીન ઉપર ઉભા થઇ ગયેલા ૪૯ મકાનો તોડી પાડવા ઓપરેશન હાથ ધર્યું ત્યારે દબાણકારો સાથે માથાકુટ સર્જાઇ હતી, લોકોના ટોળેટોળા એકઠા થયા હતા, વાતાવરણ તંગ બન્યું હતું, સીટી પ્રાંત ડો. મહેક જૈન પણ દોડી ગયા હતા.
રાજકોટ તા. ૧૦: વાવડીમાં આજે RMC તાલુકા મામલતદાર તથા રૂડાએ આજે સંયુકત ઓપરેશન હાથ ધરી, કાચા-પાકા તથા પતરાવાળા ૪૯ જેટલા મકાનો તોડી પાડવા અંગે કાર્યવાહી હાથ ધરતા ઘટના સ્થળે ભારે તંગદીલી સર્જાઇ છે, લોકોના ટોળા એકઠા થયા છે.
બપોરે ૧ વાગ્યાથી આ ઓપરેશન હાથ ધરાયું હતું, રાજકોટ કલેકટરના માર્ગદર્શન હેઠળ RMC તાલુકા મામલતદાર તથા રૂડાએ ટ્રુ-વેલ્યુની પાછળ ભવાનીનગરમાં ઓપરેશન હાથ ધરી ૪૯ મકાનો તોડી પાડવા સઘન પોલીસ બંદોબસ્ત સાથે અને વીજ તંત્રની ટીમો સાથે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઇ છે.
અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું કે કુલ ર હજારથી રપ૦૦ ચો.મી. જમીન કે જે કરોડોની થવા જાય છે, તેની ઉપર ૪૯ જેટલા કાચા-પાકા-પતરાવાળા મકાનો બની ગયા હતા, આ લોકોને મામલતદાર તંત્રે નોટીસો ફટકારી હતી.
પરંતુ મકાનો ખાલી નહીં કરતા આખરે જેસીબી બુલડોઝર સાથે અધીકારીઓ દોડી ગયા હતા, અને જમીન ખાલી કરાવી હતી, ઓપરેશન સમયે દબાણકર્તાઓ અનેક રડી પડયા હતા, ટોળા એકઠા થયા હતા, ઉગ્ર રજૂઆતો કરાઇ હતી, વાતાવરણ તંગ બની ગયું હતું.
કોર્પોરેશનને ફાળવાયેલ ટીપી-૧૪ની આ જમીન છે. કોર્પોરેશન-રૂડાએ નવો ૧પ૦ ફૂટ રીંગ રોડ બનાવવા સમયે જે લોકોની જમીન કપાતમાં આવી હતી, તેમને અહિં વાવડીમાં જમીન આપી હતી, તે જમીન ઉપર ૪૯ જેટલા મકાનો બની ગયા હતા, તે દૂર કરવા ત્રણ તંત્રોએ સંયુકત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું, હાલ બપોરે રાા વાગ્યે દબાણ હટાવ કાર્યવાહી ચાલુ છે.
(3:54 PM IST)










