તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
શહેરમાં બ્રીજ-રસ્તાના કામોની વિગતોના બોર્ડ દ્વારા જાહેર કરોઃ રજુઆત
કામો અંગે કોન્ટ્રાકટરના નામ, કયુઆર કોડ, બારકોડેડ, મોબાઇલ નંબર સાથેની માહિતી મુકવા કોંગ્રેસની માંગઃ મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાને પત્ર પાઠવ્યો

રાજકોટ તા.૧૦: મહાનગરપાલિકામાં થઈ રહેલા કામો અંગે કોન્ટ્રાક્ટરના નામ, કયુઆર કોડ, બારકોડેડ, મોબાઈલ નંબર અને ગેરેન્ટી પિરિયડના બોર્ડ મૂકવા કોંગ્રેસ દ્વારા રજુઆત કરવામાં આવી છે.
આ અંગે કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કમિશનરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપી શહેરમાં કામો ચાલી રહ્યા હોય તેવા દરેક કામોના ઓવરબ્રિજ, અંડરબ્રિજ કે રોડ, રસ્તા ના જે પણ કામો હાલ ચાલી રહ્યા હોય અને વર્તમાનમાં પુરા થાય ત્યારે તે દરેક કોન્ટ્રાક્ટરનું નામ, કયુઆર કોડ, બારકોડેડ, મોબાઈલ નંબર, ટેન્ડરની શરતો મુજબ કામ પૂર્ણ થવાની તારીખ રાજકોટની જનતાને દેખાય તે પ્રકારે સાઈનબોર્ડમાં મુકવા અપીલ છે. રસ્તા કે બ્રિજનું કામ કેટલા કરોડમાં આપવામાં આવેલ તે પણ દર્શાવવું. અને જો રસ્તો ગેરેન્ટી પિરિયડમાં હોય તો એ ગેરેન્ટી પિરિયડની તારીખ પણ દર્શાવવી જેથી રાજકોટમાં કયા કોન્ટ્રાક્ટરનું કામ ચોકસાઈપૂર્વક થાય છે તેની રાજકોટની જનતાને ખબર પડે અને જો રસ્તો કે બ્રિજ ભંગાણ પડે તો જે તે એજન્સી સામે ટેલીફોનિક અને સ્કેન્નર દ્વારા રોષ વ્યક્ત કરી શકે અને સંબંધિત અધિકારીને તાત્કાલિક ફરિયાદ પણ કરી શકાય. અને ચોકસાઈ પૂર્વકનું થયેલ કામ અંગે પ્રજાજનો પોતાનો પ્રતિભાવ પણ કોન્ટ્રાક્ટરને આપી શકે તો આ બાબતે જે સ્થળોએ હાલ કામ ચાલી રહ્યા હોય તે ઝોનના સીટી ઇજનેર ને વિષય દર્શિત બાબતે અવગત કરી યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.
જયારે જિલ્લા પંચાયતના કામો અંગે કોન્ટ્રાક્ટરોના નામ, કઈ તારીખે રસ્તો બનેલ છે, રસ્તા નું કામ કેટલી રકમ વાપરવામાં આવી છે તે અને કયા પદાધિકારીની ગ્રાન્ટ માંથી રસ્તો બનાવેલ છે તે તમામ વિગતો સાઈનબોર્ડમાં ઉલ્લેખ કરેલો હોય છે. જે પગલે રાજકોટ મહાનગરપાલિકામાં પણ આ બાબતનો ઉલ્લેખ કરવો જરૂરી છે.
(4:00 PM IST)










