News of Friday, 10th January 2025
કેકેવી ચોકમાં નશાખોર ચાલકે ભય સર્જ્યો: કારની ઠોકરે ત્રણેક વાહનોને ઉલળ્યા: બે લોકોને ઇજા: ફિલ્મી દ્રશ્યો સર્જાયા: પોલીસે દબોચી લીધો, માલવીયાનગર પોલીસ દ્વારા તપાસ : જુઓ વિડિઓ

રાજકોટ: કાલાવડ રોડ પર આવેલ કે.કે.વી. ચોક પાસે એક એક્સયુવી ૭૦૦ કારનો ચાલક બેકાબુ બની જતાં તેની બેફામ સ્પીડે દોડી રહેલી કારની ઠોકરે અન્ય એક કાર, એક રીક્ષા અને એક બાઇક સહિતના વાહનો ચડી જતાં નાસભાગ મચી ગઇ હતી. આ અકસ્માતમાં એક બે લોકોને ઇજા પણ પહોંચી હતી. આગળના કાચ પર ડોકટરના લોગોવાળી કાર બેફામ ઝડપે નીકળતાં લોકો ભયભીત થઈ ગયા હતાં. કેકેવી ચોક પાસે કાર એક રીક્ષા ઉભી હોઈ આડે આવતાં ઠોકરે ચડાવી ફિલ્મી ઢબે ભાગતા લોકો પાછળ દોડ્યા હતાં.
જો કે બાદમાં પોલીસ પણ પહોંચી ગઈ હતી અને કારને આંતરી ચાલકને પકડી લીધો હતો. તે ચિક્કાર નશામાં હોવાનું લોકોએ કહ્યું હતું. માલવીયા નગર પોલીસ સ્ટેશને તેને લઈ જવાયો હતો. પુછતાછમાં તેનું નામ રાજ ગામી જણાવ્યું હતું. આ શખ્સની કારમાં ડોકટરનો લોગો હતો. તેના પત્ની ડોકટર હોવાનું કહેવાય છે. આ શખ્સ હાલ કોટેચા ચોક નજીક પૌઆ બટાટાની દુકાન ચલાવતો હોવાનું જાણવા મળે છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘાયલ થયેલા મહિલાએ કહ્યું સો ઉપર કારની સ્પીડ હતી. મને ઠોકરે ચડાવતા એમ થઈ ગયું કે હવે હું નહિ બચુ. મને ટુવહીલર સહિત ઉલાલીને કાર ભગાવી મૂકી હતી.
(10:10 PM IST)










