તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
દસમા માળેથી પટકાતાં મજૂરનું મોત
નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર નવા બની રહેલા બિલ્ડીંગની સાઇટ પર બનાવ : બાવીસ વર્ષનો બિપીન રાઠવા પત્નિ સાથે કડીયા કામ કરતો હતોઃ મુળ પાવાગઢ પાસેના મોલ ગામનો વતનીઃ મજૂર ર્પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૧: નવા દોઢસો ફુટ રીંગ રોડ પર નવી બની રહેલી બિલ્ડીંગના દસમા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં મજુર યુવાનનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર અઢાર માળનું સાસ્વત બિલ્ડીંગ બની રહ્યું હોઇ તેમાં સવારે દસમા માળે મજુર બિપીન થાવરભાઇ રાઠવા (ઉ.વ.૨૨) કામ કરતો હતો ત્યારે અકસ્માતે પટકાતાં ગંભીર ઇજા થતાં બેભાન થઇ ગયો હતો. ૧૦૮ મારફત જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.આઇ. શેખ, હેડકોન્સ. કિરીટભાઇ રામાવત, હોમગાર્ડ રઝાકભાઇ દલ સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
મૃત્યુ પામનાર બિપીન ચાર ભાઇ અને ચાર બહેનમાં ત્રીજા નંબરે હતો અને તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. તે મુળ પંચમહાલ જીલ્લાના જોગંબા તાબેના પાવાગઢ નજીકના મોલ ગામનો વતની હતો. કેટલાક મહિનાથી પત્નિ સાથે મજૂરી કરવા આવ્યો હતો. બનાવને પગલે મજૂર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બિપીન સાઇટ પાસે જ રહેતો હતો. સવારે હજુ બીજા મજૂરો આવ્યા નહોતા ત્યારે તે ઉપર કામ ચાલુ કરવાનું છે કહીને ગયા બાદ પટકાયો હતો. બનાવ આકસ્મિક છે કે આપઘાતનો? તે અંગે તપાસ યથાવત રાખવામાં આવી છે.
(3:57 PM IST)










