<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

ભગવતીપરામાં મનપાની અદ્યતન હાઇસ્‍કુલ ખુલ્લી મુકાઇઃ વિદ્યાર્થીઓને પોતાના જ વિસ્‍તારમાં મળશે ઉચ્‍ચ શિક્ષણ

રૂા. ૧૯.૩૮ કરોડના ખર્ચે વોર્ડ નં. ૪ માં નિર્માણ

રાજકોટ, તા. ૧૩: રાજકોટ મહાનગરપાલિકા દ્વારાવોર્ડ નં.૪માં ભગવતીપરા વિસ્‍તારમાં રૂ.૧૯.૩૮ કરોડના ખર્ચે નવનિર્મિત અત્‍યાધુનિક અને સુવિધાયુક્‍ત માધ્‍યમિક શાળા(હાઈસ્‍કુલ)ના બિલ્‍ડીંગનું લોકાર્પણ રાજકોટના સાંસદ  પરસોતમભાઇ રૂપાલાના વરદ હસ્‍તે કરવામાં આવેલ. આ લોકાર્પણ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેલ.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્‍યું હતું કે, આ વિસ્‍તારના બાળકોને નવી શાળા મળવા બદલ મુબારક પાઠવું છું. હું પણ એક માધ્‍યમિક શાળાનો શિક્ષણ હતો, મારી શરૂઆત એક શિક્ષણ તરીકેની છે. મારા સમયમાં એટલે કે ૧૯૭૭ના સમયમાં માધ્‍યમિક શાળા એક ઉછીના મકાનમાં શરૂ કરાવેલ અને આજે મારા જ હસ્‍તે અદ્યતન શાળાનું લોકાર્પણ કરવામાં આવેલ છે આ છે પરિવર્તન.

નયનાબેને જણાવ્‍યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા ‘જ્‍યાં માનવી ત્‍યાં સુવિધા'ના સૂત્ર સાથે કામ કરી રહી છે. શહેરનોછેવાડાનો અને વિકાસશીલ વિસ્‍તાર ભગવતીપરામાં છેલ્લા એક દશકામાં અનેકવિધ સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્‍તાર તથા આસપાસના વિસ્‍તારના વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ બાદ ઉચ્‍ચ અભ્‍યાસ માટે દુર સુધી ન જવું પડે તે માટે રૂ.૧૯.૩૮ કરોડના ખર્ચે અદ્યતન અને સુવિધાયુક્‍ત માધ્‍યમિક શાળાનું નિર્માણ કરવામાં આવેલ છે.

કાર્યક્રમના પ્રારંભે શાબ્‍દિક સ્‍વાગત સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ અને મંચસ્‍થ મહાનુભાવોનું ખાદીના રૂમાલ અને પુષ્‍પ વડે સ્‍વાગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવ્‍યું. કાર્યક્રમની રૂપરેખા મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની આભારવિધિ માધ્‍યમિક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા દ્વારા કરવામાં આવેલ.

આ નવનિર્મિત માધ્‍યમિક શાળા (હાઈસ્‍કુલ)ના બિલ્‍ડીંગમાં કુલ ૫૦૮૪ ચો.મી. બિલ્‍ટઅપ એરિયાનું બાંધકામ કરવામાં આવેલ છે. જેમાં, ગ્રાઉન્‍ડ ફલોર પર ૧૪ ક્‍લાસરૂમ, ૨ એક્‍ટીવીટી રૂમ, ૨ સ્‍ટાફ રૂમ, ૧ એકાઉન્‍ટ રૂમ, ૧ એડમિનિસ્‍ટ્રેશન ઓફીસ, ૧ પ્રિન્‍સીપાલ ઓફીસ, ૧ કાઉન્‍સેલિંગ રૂમ, ૧ ચિલ્‍ડ્રન ટોય રૂમ, ૨ ટોયલેટ બ્‍લોક, ફર્સ્‍ટ ફલોર પર ૧૬ ક્‍લાસ રૂમ, ૧ ઈ-લાઈબ્રેરી, ૧ કમ્‍પ્‍યુટર લેબ, ૩ લેબોરેટરી, ૧ મિટીંગ રૂમ, ૨ ટોયલેટ બ્‍લોક વગેરે જેવી સુવિધા આપવામાં આવેલ છે.

આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્‍યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી ડો. માધવ દવે, માધ્‍યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-રાજકોટ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો કાળુભાઈ કુગશિયા, કંકુબેન ઉધરેજા, પરેશભાઈ ડી. પીપળીયા, કંચનબેન સિધ્‍ધપુરા, અલ્‍પાબેન દવે, મંજુબેન કુગશિયા, મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડિયા, વોર્ડના પ્રભારીઓ, પ્રમુખઓ, વોર્ડ મહામંત્રીઓ, અગ્રણીઓ, મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ, શિક્ષણ સમિતિના સભ્‍યો ઉપસ્‍થિત રહેલ.

(3:54 PM IST)