તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 13th January 2025
રિસામણે બેઠેલી ભત્રીજીનું રૈયાધાર સમાધાન કરવા જતાં મઢી પાસે રહેતાં માલાભાઇ પર હુમલોઃ કારમાં તોડફોડ
ભત્રીજા જમાઇ, વેવાઇ સહિતના ધોકા, પાઇપથી તૂટી પડ્યાઃ ઘાયલ થયેલા માલાભાઇની ધોરાજીથી આવેલી દિકરી તેજલબેન વાઘેલાએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૧૩: ધોરાજી સાસરૂ ધરાવતી પરિણીતા રાજકોટ તેણીની પિત્રાઇ બહેન રિસામણે આવી હોઇ તેનું સમાધાન કરવા પોતાના પતિ, પિતા, બહેન સહિતની સાથે રૈયાધારમાં રહેતાં કટુંબી બહેનના સાસરીયાને ત્યાં જતાં બનેવીએ મારે તારી બહેન આજેય ન જોઇએ અને કાલેય ન જોઇએ તેમ કહી પોતાના પિતા-ભાઇઓ સાથે મળી ધોકા-પાઇપથી હુમલો કરતાં ધોરાજીની પરિણીતાના પિતાને ગંભીર ઇજા થઇ હતી. તેમજ કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ધોરાજી આનંદનગર સોસાયટી રેલ્વે સ્ટેશન પાસે રહેતી તેજલબેન આકાશ વાઘેલા (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી રૈયાધાર પાણીના ટાંકા પાસે મચ્છુનગર કવાર્ટર સામે રાધેશ્યામ ગોૈશાળા નજીક રહેતાં સાગર રાજુભાઇ સુરેલા, રાજુ મફાભાઇ સુરેલા અને કિશોર રાજુભાઇ સુરેલા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
તેજલ વાઘેલાએ જણાવ્યું છે કે હું ધોરાજી રહુ છુ અને મારે સંતાનમાં ૩ વર્ષનો પુત્ર છે. મારા માતા-પિતા હનુમાન મઢી પાછળ છોટુનગર સામે ઝૂપડપટ્ટીમાં શોૈચાલય નજીક રહે છે. મારા કાકા વિરમભાઇ નાથાભાઇ સમેચાની દિકરી સોનલના લગ્ન રૈયાધારના સાગર સુરેલા સાથે દસ વર્ષ પહેલા થયા છે. સોનલ છેલ્લા એકાદ વર્ષથી માતા-પિતાને ત્યાં રીસામણે હતી. સોનલનો પતિ છુટાછેડા લેવાનું કહેતો હતો પરંતુ સોનલને આઠ વર્ષનો દિકરો હોઇ તે છુટાછેડાની ના પાડી સમાધાન કરવાનું કહેતી હતી. જેથી હું, મારા પતિ ધોરાજીથી રાજકોટ મારા માવતરે સોનલબેનનું સમાધાન કરાવવા આવ્યા હતાં. રવિવારે હું, મારા પિતા માલાભાઇ નાથાભાઇ સમેચા, મારા પતિ આકાશ કડવાભાઇ વાઘેલા, કાકાની દિકરી સોનલ સાગર સુરેલ, કુટુંબી બહેન લક્ષ્મી ચાંગાવરીયા સહિતના રૈયાધાર સોનલબેનના સસરાના ઘરે ગયા હતાં. જ્યાં સમાધાનની વાત કરતાં સાગરે ઉગ્ર થઇ મારે સોનલને આજેય નથી જોઇતી અને કાલેય નથી જોઇતી તેમ કહી બોલાચાલી કરતાં મારા પિતાએ તેને સમજાવવા પ્રયાસ કરતાં તેણે માથાના ભાગે પાઇપ મારી દીધો હતો.
દરમિયાન સોનલબેનના સસરા રાજુભાઇ સુરેલા અને તેના દિકરાઓ કિશોરે પણ ધોકાથી હુમલો કરી મારા પિતાજીને અને સોનલબેન તથા લક્ષમીબેનને માર માર્યો હતો. સાગર અમને માર મારતા કહેતો હતો કે આજે તમને બધાને જવા દઇએ છીએ, હવે સમાધાનની વાત કરવા આવશો તો મારી નાખશું કહી ધમકી આપી હતી. મારા પિતાજીને માથામાં ઇજા થઇ હોઇ તે બેભાન જેવા થઇ ગયા હતાં. દરમિયાન રાજુએ અમારી કારમાં નુકસાન કરવાનું કહેતાં સાગર, રાજુ અને કિશોરે મળી ધોકા ફટકારી અમારા વાહનમાં નુકસાન કર્યુ હતું. લોકો ભેગા થઇ જતાં અમે ભાગી નીકળ્યા હતાં અને પિતાને સારવાર માટે દાખલ કર્યા હતાં. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ એન. કે. પંડ્યાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:55 PM IST)










