તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
જ્ઞાન-ભકિતરૂપી ઉંચાઇ પ્રાપ્ત કરી પતંગની જેમ પ્રભુ પાસે જરૂર પહોંચી શકાયઃ પતંગોત્સવનો શુભ સંદેશ
મનપા પદાધિકારીઓએ મકરસંક્રાંતિની નગરજનોને શુભેચ્છા પાઠવી ચાઇનીઝ દોરી-તુકકલનો ઉપયોગ ન કરવા, વીજ તારથી દુર રહેવા, બાળકોનું ધ્યાન રાખવા, દોરીની ઇજાથી બચવા તથા ઘાયલ પક્ષીઓને તાત્કાલીક સારવાર માટે એનીમલ હેલ્પ લાઇનનો સંપર્ક કરવા લોકોને અપીલ

રાજકોટ તા. ૧૩: શહેરીજનોને ‘‘મકરસંક્રાંતિ'' પર્વની મહાનગરપાલિકાના પદાધિકારીઓએ શુભેચ્છા પાઠવી.
શહેરીજનોને ચાઈનીઝ દોરી તથા તુક્કલનો ઉપયોગ નહી કરવા, વીજ તારથી દૂર રહેવા, નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવા, આ દિવસે ઘરની બહાર નીકળતી વખતે પતંગની દોરીથી ઇજા ન થાય તે માટે કપડાથી પોતાનું મો તથા ગળું ઢાંકીને નીકળવા, પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે એનિમલ હેલ્પલાઈનને તાત્કાલિક જાણ કરવા જેવી ખાસ તકેદારી રાખવા અપીલ કરેલ છે.
મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા શહેરીજનોને ‘‘મકરસંક્રાંતિ'' પર્વની શુભેચ્છા પાઠવતા જણાવે છે કે, સમગ્ર ભારત વર્ષમાં ‘‘મકરસંક્રાંતિ'' પર્વ અનેકવિધ રીતે ઉજવાય છે. ગુજરાતમાં ‘‘મકરસંક્રાંતિ''ને ઉતરાયણ કહેવાય છે. મહારાષ્ટ્રમાં ‘‘મકરસંક્રાંતિ'', પંજાબ-હરિયાણામાં ‘‘લોરી'', તામિલનાડુમાં ‘‘પોંગલ'', આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ‘‘સંક્રાંતિ'' તરીકે ઓળખાય છે. સંક્રાંતિ એટલે ગતિ, એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં પ્રવેશ કરવો તે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી વિદાય લઈ મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે ‘‘મકરસંક્રાંતિ'' તરીકે ઓળખાય છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ સહેજ ગતિ કરે છે. ઉત્તર તરફ નમે છે. એટલે ઉત્તરાયણ પણ કહેવાય છે.
આ ઉત્સવમાં લોકો આકાશમાં અવનવી, રંગબેરંગી પતંગ ચડાવે છે. પતંગોત્સવ એવો શુભ સંદેશ આપે છે કે ભગવાન સુધી પહોંચવા જ્ઞાન અને ભક્તિરૂપી ઊંચાઈ પ્રાપ્ત કરવાથી તો ચડતા પતંગની માફક પ્રભુ પાસે જરૂર પહોંચી શકાય છે. આ ઉત્સવમાં લોકો પતંગની સાથે જલેબી-ઊંધિયું, લીલવાની કચોરી, ચોળાફળી, તલની ચિક્કી, સિંગની ચિક્કી, ડાયફ્રૂટ્સની ચિક્કી, તલના લાડું, ચણીબોર, મોટા બોર, જામફળ, સફરજન અને ચોકલેટ સાથે ગરમાગરમ પૂરી શાક વગેરે ખાણીપીણીની મોજ માણે છે. મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનો ખૂબ જ મહિમા છે.
(4:40 PM IST)










