<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

૧૮.૧૪ લાખના હેરોઇન સાથે મટનનો ધંધાર્થી અને રાજસ્‍થાની ઝડપાયા

એસઓજીએ કુવાડવા રોડ ડી માર્ટ નજીકથી મોચીબજાર કૃષ્‍ણપરાના ફૈઝલ ચોૈહાણ અને રાજસ્‍થાનથી સપ્‍લાય કરવા આવેલા રાજમલ મીણાને દબોચી લેવાયાઃ સુત્રધારની શોધખોળ : ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયા, ઇન્‍ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ આર. જે. કામળીયાની ટીમની કામગીરીઃ ફૈઝલે અગાઉ પણ સો ગ્રામ જેટલો માદક પદાર્થ લાવીને વેંચી નાંખ્‍યાનું રટણઃ રાજકોટમાં પહેલી જ વખત હેરોઇનનો આટલો જથ્‍થો પકડાયો શહેર એસઓજીના હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલા, જયદિપસિંહ ચોહાણ, કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ ગોહિલની બાતમી :અડધા-અડધા તોલા વજનની પડીકીઓ બનાવી ૧૫૦૦ લેખે બંધાણીઓને વેંચતોઃ પ્રતાપગઢના સપ્‍લાયરની તલાસઃ વધુ તપાસ બી-ડિવીઝન પોલીસ કરશે

રાજકોટ તા. ૧૫: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. કુવાડવા રોડ ડી માર્ટ સામેના રોડ પરથી મોચીબજાર કૃષ્‍ણપરાના મટનના ધંધાર્થી અને રાજસ્‍થાની શખ્‍સને રૂા. ૧૮,૧૪,૭૫૦ના ૩૯૨.૯૫ ગ્રામ માદક પદાર્થ હેરોઇન સાથે પકડી લીધા છે. મટનના ધંધાર્થીએ સાઇડમાં મોટી આવક ઉભી કરવા માદક પદાર્થ વેંચવાનું ચાલુ કર્યુ હતું. અગાઉ પણ સો ગ્રામ જેવો પદાર્થ મંગાવી વેંચી નાખ્‍યાની પ્રાથમિક વિગતો ખુલી છે. રાજસ્‍થાન પ્રતાપગઢના સુત્રધાર મારફત રાજસ્‍થાની શખ્‍સ રાજકોટ સુધી આ પદાર્થ લઇને આવ્‍યો હતો. તેણે મટનના ધંધાર્થીને આ પદાર્થ આપતાં જ બાતમી પરથી વોચમાં રહેલી એસઓજીની ટીમે બંનેને પકડી લીધા હતાં. હેરોઇનનો આટલો જથ્‍થો રાજકોટમાં પહેલી જ વખત પકડાયાનું એસઓજીના સુત્રોએ જણાવ્‍યું હતું.

શહેરમાં માદક પદાર્થનું દૂષણ નાબુદ કરવા અને યુવાધનને નશાના રવાડે ચડાવતાં અટકાવવા સે નો ટુ ડ્રગ્‍સ મીશન હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલા, જયદિપસિંહ ચોૈહાણ અને કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે કુવાડવા રોડ ડી માર્ટ સામેના રોડ પર મેલડી માની મોજ ઓટો ગેરેજ પાસે બે શખ્‍સ માદક દ્રવ્‍યની લેતીદેતી કરવાના છે. આ માહિતી પરથી વોચ રાખતાં બે શખ્‍સ શંકાસ્‍પદ જણાતાં સકંજામાં લઇ તલાસી લેતાં માદક પદાર્થ મળી આવ્‍યો હતો. એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાને બોલાવી ચકાસણી કરાવતાં આ પદાર્થ હેરોઇન હોવાનું ખુલ્‍યું હતુ. પોલીસે રૂા. ૧૮,૧૪,૭૫૦નું ૩૯૨.૯૫ ગ્રામ હેરોઇન કબ્‍જે કર્યુ હતું.

ઝડપાયેલા બંને શખ્‍સોની પુછતાછ થતાં પોતાના નામ ફૈઝલ યુસુફભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૫-રહે. કૃષ્‍ણનગર-૧/૨, મોચી બજાર પાસે પરા બજાર મેઇન રોડ) તથા રાજમલ રકમાભાઇ મીણા (ઉ.વ.૨૩-રહે. બોરી ગામ, પંચાયત કેશરપુરા, તા. શીવાંગપુરા જી. પ્રતાપગઢ રાજસ્‍થાન) જણાવ્‍યા હતાં. ફૈઝલ મોચી બજાર ખાટકીવાસમાં મટનનો ધંધો કરે છે. તેણે સાઇડમાં આવક ઉભી કરવા માદક પદાર્થ વેંચવાનું શરૂ કર્યુ હતું. અગાઉ પણ તેણે સોએક ગ્રામ આવો પદાર્થ રાજસ્‍થાન તરફથી મંગાવી વેંચી નાંખ્‍યો હતો. આ વખતે સુત્રધાર વતી રાજમલ મીણા આ પદાર્થ આપવા રાજકોટ આવ્‍યો હતો. સુત્રધાર કોણ છે? તેની આગળની તપાસ બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે અને તેની ટીમ કરશે.

ઝડપાયેલા ફૈઝલે એવુ પણ રટણ કર્યુ હતું કે પોતે અડધા અડધા તોલાની પડીકીઓ બનાવી રૂા. ૧૫૦૦ લેખે બંધાણીઓને વેંચતો હતો. બંનેની વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડની તજવીજ થશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજીના ઇન્‍ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ આર. જે. કામળીયા, એએસઆઇ વિરેન્‍દ્રસિંહ ઝાલા, સમીરભાઇ શેખ, હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, જયદિપસિંહ ચોૈહાણ, અરૂણભાઇ બાંભણીયા, કોન્‍સ. યોગરાજસિંહ ગોહિલ, હરદેવસિંહ વાળા, રવિભાઇ ધગલ, અમીતભાઇ ટુંડીયા, ડ્રા.એએસઆઇ કૃષ્‍ણસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. (૧૪.૧૪)

(3:04 PM IST)