<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

લગ્નની શરણાઇ ગુંજી પણ મનપાના ર૧ હોલને અલીગઢી તાળા

બે કોમ્‍યુનીટી હોલમાં ફાયર સેફટીનું કામ પુર્ણ થતા બુકીંગ શરૂ! અન્‍યનું કોકડુ ગુંચવાયું

રાજકોટ, તા. ૧પઃ શહેરના વિવિધ વિસ્‍તારોમાં આવેલ મહાપાલિકાના ૨૧ કોમ્‍યુનિટી હોલ હજુ બંધ જ રહેશે.સાત મહિનાથી બંધ રહેલા હોલ કયારે ખુલ્લે તે કેવુ તંત્ર માટે માથાનો દુઃખાવા સમાન છે.

શહેરના મધ્‍યમ વર્ગીય પરિવારો પ્રસંગો માટે મ્‍યુનિસિપલ કોમ્‍યુનિટી હોલને પ્રાધાન્‍ય આપતા હોય છે. વ્‍યાજબી ભાડું અને તમામ પ્રકારની સુવિધા ધરાવતા મહાપાલિકાના હોલના બુકીંગ માટે લગ્નગાળામાં પડાપડી થતી હોય છે પરંતુ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટી મુદ્દે મહાપાલિકાના તમામ હોલને તાળા લાગી જતાં છેલ્લા સાત-સાત માસથી અનેક પરિવારો હેરાન થઇ રહ્યા છે. મહાપાલિકાના કોમ્‍યુનિટી હોલમાં ફાયર સેફટી સિસ્‍ટમનું કામ હજુ પણ અધુરૂં હોય ગઇકાલે મકર સંક્રાતિ બાદ આજે કમુરતા ઉતર્યા પછી આજે તા.૧૫ જાન્‍યુઆરીથી પણ કોમ્‍યુનિટી હોલનું બુકિંગ શરૂ કરાયું નથી.

વિશેષમાં મ્‍યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટી મુદ્દે મહાપાલિકાના તમામ કોમ્‍યુનિટી હોલનું બુકિંગ બંધ કરાયું હતું. અમુક કોમ્‍યુનિટી હોલમાં જુનું બાંધકામ હોય સુધારા-વધારા કરવાના થતાં હોવાથી તેમજ ફાયર સેફટીના નિયમ મુજબના સાધનોનું ઇન્‍સ્‍ટોલેશન કરવાનું હોય તમામ કોમ્‍યુનિટી હોલ સીલ કરવામાં આવ્‍યા હતા ત્‍યારબાદ ફાયર સેફટીના સાધનોના ઇન્‍સ્‍ટોલેશન માટે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરાયેલ જેમાં વધુ સમય પસાર થઇ ગયો હતો. અને ટેન્‍ડર મુજબ કામ આપ્‍યા બાદ ફાયર સેફટીના સાધનોનું ઇન્‍સ્‍ટોલેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી  છતાં દિવાળી પછીના લગ્નગાળામાં શહેરીજનોને કોમ્‍યુનિટી હોલની સુવિધાનો લાભ મળી શકયો ન હતો.

તાજેતરમાં મહાપાલિકાના એસ્‍ટેટ વિભાગ તેમજ જે કોમ્‍યુનિટી હોલ જે ઇજનેરના કાર્યક્ષેત્ર હેઠળ આવતો હોય તેમની મિટિંગ મળી હતી તેમાં ફાયર સેફટીના સાધનો કયાં સુધીમાં ઇન્‍સ્‍ટોલ થશે, બાંધકામમાં સૂચવ્‍યા મુજબના ફેરફારો કેટલા સમયમાં થશે, ફાયર બ્રિગેડનો આ મામલે શું અભિપ્રાય છે સહિતના મુદ્દે ચર્ચા થઇ હતી પરંતુ તમામ કોમ્‍યુનિટી હોલ ફરી કયારથી શરૂ થશે અને કઇ તારીખથી બુકિંગ લેવાનું શરૂ કરવું ? તે અંગે કોઇ તારીખ ફાઇનલ થઇ શકી ન હતી. આમ છતાં હજુ એકાદ મહિનો થશે તેવો સાર્વત્રિક સુર ઉઠ્‍યો હતો.

મહાપાલિકાની એસ્‍ટેટ બ્રાન્‍ચના સૂત્રોએ જણાવ્‍યું હતું કે હાલમાં કુલ ૨૩માંથી બે એસી કોમ્‍યુનિટી હોલ કાર્યરત થઇ ગયા છે, યુનિ. રોડ ઉપર આકાશવાણી ચોક પાસેનો અમળત ઘાયલ હોલ અને ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર નાગરિક બેન્‍ક મુખ્‍યાલય બાજુના ચંદન પાર્ક મેઇન રોડ ઉપર આવેલા અભય ભારદ્વાજ હોલમાં ફાયર સેફટી સિસ્‍ટમનું કામ પૂર્ણ થઇ જતા બુકિંગ શરૂ કરાયું છે. અન્‍ય હોલમાં ફાયર સેફટીનું કામ તબક્કાવાર પૂર્ણ થશે તેમ બુકિંગ લેવાનું શરૂ થશે

(2:51 PM IST)