<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

આસ્‍થા ચોકડીએ ‘તુ અમારો વિડીયો ઉતારે છે' કહી આધેડને ધોકા-પાઇપથી ફટકારી સોનાના ચેઇન-મોબાઇલ ફોનની લૂંટ

વિનાયકનગરના ગેલાભાઇ ઘોઘરા મિત્રની રિક્ષામાં બેસી ફાકી ખાવા ગયા ત્‍યારે હિરેન પરમાર સહિત ચાર જણા તૂટી પડયા

રાજકોટ તા. ૧૫: દોઢસો ફુટ રીંગ રોડ પર આસ્‍થા સર્કલ નજીક સ્‍કૂલવેન ચાલક આધેડ મિત્રની રિક્ષામાં બેસી પાનફાકી ખાવા ગયા હોઇ મિત્ર ફાકી લેતો હતો ત્‍યારે તે રિક્ષામાં બેઠા બેઠા મોબાઇલ જોતાં હતાં ત્‍યારે ચાર શખ્‍સોએ તું કેમ અમારો વિડીયો ઉતારે છે? કહી લાકડ-પાઇપથી માર મારી ૧ાા લાખનો ચેઇન અને ૨૦ હજારનો મોબાઇલ ફોન લૂંટી લીધા હતાં. આ બનાવમાં માલવીયાનગર પોલીસે મવડી રોડ વિનાયક નગર શેરી નં. ૨માં રહેતાં અને કાલાવડ રોડની જીનીયસ સ્‍કૂલમાં સ્‍કૂલવેન ચલાવી ગુજરાન ચલાવતાં ગેલાભાઇ સાધાભાઇ ઘોઘરા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી હિરેન પરમાર, તેના ત્રણ મિત્રો વિરૂધ્‍ધ હુમલો કરી લૂંટ ચલાવવાનો ગુનો નોંધ્‍યો છે.

ગેલાભાઇએ જણાવ્‍યું હતું કે ઉતરાયણનો તહેવાર હોઇ હું રજા હોવાથી ઘરે હતો. બપોરે મારા મિત્ર સાગર મકવાણા સાથે તેની રિક્ષામાં ગોંડલ રોડ ચોકડી તરફ ચક્કર મારવા નીકળ્‍યા હતાં. આસ્‍થા ચોકડીએ પહોંચતા મારે પાનમસાલો ખાવો હોઇ આંબેડકરનગર જવાના રસ્‍તા પર ફાકીની દૂકાન પાસે રિક્ષા ઉભી રાખી હતી. સાગર માવો લેવા ગયો હતો અને હું રિક્ષામાં બેઠો મારો મોબાઇલ ફોન જોતો હતો ત્‍યાં એક અજાણ્‍યો શખ્‍સ લાકડી સાથે આવ્‍યો હતો અને તું કેમ અમારો વિડીયો ઉતારે છે? કહી મારા હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હતો. તેમજ ગાળો દેવા માંડતા તેને શાંતિથી વાત કરવાનું કહેતાં તેનો મિત્ર હિરેન પરમાર અને બીજા બે શખ્‍સો આવી ગયા હતાં. આ બધાએ પણ તું અમારો વિડીયો ઉતારે છે તેમ કહી કમર પટ્ટાથી માર માર્યો હતો. હિરેને મારા ગળાના ભાગે તરાપ મારી સોનાનો ચેઇન ખેંચી લીધો હતો.

ચારેયએ પ્‍લાસ્‍ટીકના પાઇપ, લાકડીથી મને આડેધડ માર મારતાં હું ગભરાઇને ૧૫૦ ફુટ રીંગ રોડ તરફ ભાગતાં તેઓ પાછળ લાકડી-પાઇપ લઇને દોડતાં હું સર્વિસ રોડ પર થઇ ઉમિયા સર્કલ તરફ દોડતો હતો. વચ્‍ચે મારા મિત્ર સંજય અવાડીયાની દૂકાન આવતાં સંજય ત્‍યાં બાઇક લઇને ઉભો હોઇ મને તેમાં બેસાડીને લઇ ગયો હતો. મને ખભા, પીઠ પર ઇજાઓ થઇ હોઇ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. હિરેન સહિતનાએ હું તેનો વિડીયો ઉતારુ છું, પોલીસને બાતમી આપુ છું તેવી શંકા કરી માર મારી ૨૦ હજારનો મોબાઇલ, ૧ાા લાખનો સોનાનો ચેઇન લૂંટી લીધા હતાં. માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં એએસઆઇ એચ. ટી. પરમારે ગુનો નોંધ્‍યો હતો.

(3:19 PM IST)