તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
થોરાળાની ન્યુ સર્વોદયમાં લુખ્ખાગીરીઃ છાત્ર શની પાસે પાન-ફાકીના પૈસા માંગી મારકુટ
મોહિત ઉર્ફ કાળુ અને જયુ ચાવડા સામે થોરાળા પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૧૫: થોરાળાના ન્યુ સર્વોદય સોસાયટીમાં લુખ્ખાગીરીની ઘટના બની હતી. જેમાં ચાલીને જઇ રહેલા છાત્ર પાસે બે શખ્સે પાન-ફાકી ખાવા પૈસા માંગતા તેણે ન દેતાં ધોકા-પાઇપથી ફટકાર્યો હતો.
જાણવા મળ્યા મુજબ નવા થોરાળા શેરી નં. ૩/૪ના ખુણે ડો. બાબાસાહેબ આંબેડકરના પુતળા સામે રહેતાં અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતો શની છગનભાઇ સોલંકી (ઉ.વ.૧૯) તેરમી તારીખે ઘરેથી નીકળી મિત્ર વિપુલ પરમારના ઘરે સર્વોદય-૩માં તેને બોલાવવા જતાં તેને કામ હોઇ સાથે ન આવતાં પોતે એકલો ચાલીને ઘર તરફ જતો હતો ત્યારે ન્યુ સર્વોદય-૩૩માં રાધીકા ક્લાસીસ પાસે પહોંચતા કાળા રંગના એક્ટીવા પર આવેલા બે શખ્સો મોહીત ઉર્ફ કાળુ દિપકભાઇ પરમાર અને જયુ ચાવડાએ વાહન ઉભુ રાખી અમને પાન ફાકી ખાવા પૈસા આપ તેમ કહેતાં શનીએ પોતાની પાસે પૈસા નથી તેમ કહેતાં આ બંનેએ માથામાં પાઇપનો ઘા ફટકારી દેતાં અને લાકડીથી પણ માર મારતાં તે પડી ગયો હતો.
દેકારો થતાં બંને ભાગી ગયા હતાં અને લોકો મારફત જાણ થતાં શનીના માતા ભાવનાબેન સહિતના આવી જતાં સારવાર માટે લઇ ગયા હતાં. તેને માથા અને હાથના અંગુઠામાં ઇજા થઇ હતી. પાન-ફાકીના પૈસા ન દેતાં હુમલો થયો હતો. થોરાળા પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એચ. ટી. જીંજાળાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(4:45 PM IST)










