News of Thursday, 16th January 2025
સામા કાંઠાના વેપારી સાથે દિલ્હીના શખ્સની ૩૯.૨૪ લાખની ઠગાઇ
બ્રાહ્મણીયાપરાના શીવ એન્ટરપ્રાઇઝના માલિક મહેશભાઇ ગરસોંદીયાએ એપીએસ સિક્યોર લોજીસ્ટીક મારફત બિહારના મુજફરપુર ખાતે પહોંચાડવા દાગીના રવાના કર્યા તે દિલ્હીની ઓફિસમાંથી ગૂમ થઇ ગયાનું કહી છેતરી લેવાયાઃ બી-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૬: શહેરના અમીન માર્ગ પર એસ્ટ્રોન સોસાયટીમાં રહેતાં અને સામા કાંઠે બ્રાહ્મણીયાપરામાં સોના ચાંદીના દાગીના બનાવવાનું કામ કરતાં વેપારી સાથે વિશ્વાસ કેળવી નવી દિલ્હી ખાતેની એપીએસ સિક્યોર લોજીસ્ટીક કંપનીના બ્રાંચ મેનેજરે રૂા. ૩૯.૨૪ લાખના દાગીના બિહાર ખાતે પહોંચાડવાને બદલે ગૂમ કરી નાંખી તેમજ તેની રકમ કે દાગીના પરત આપી ઠગાઇ કરતાં ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવ સંદર્ભે બી-ડિવીઝન પોલીસે અમીન માર્ગ એસ્ટ્રોન સોસાયટી મેઇન રોડ શિવ મકાન ખાતે રહેતાં અને પેડક રોડ બાલક હનુમાન મંદિર સામે બ્રાહ્મણીયાપરામાં શિવ એન્ટરપ્રાઇઝ નામે સત્તર વર્ષથી પેઢી ચલાવતાં અને સોના ચાંદીના દાગીના ઓર્ડર મુજબ બનાવી આપવાનું કામ કરતાં મહેશભાઇ હરજીભાઇ ગરસોંદીયા (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી નવી દિલ્હી ખાતેની એપીએસ સિક્યોર લોજીસ્ટીક કંપનીના બ્રાંચ મેનેજર અશોક ત્યાગી અને તપાસમાં ખુલે તેની સામે રૂા. ૩૯,૨૪,૯૯૫ની ઠગાઇ કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહેશભાઇ ગરસોંદીયાના જણાવ્યા અનુસાર પાંચેક વર્ષ પહેલા એક વ્યક્તિ મારી પેઢી ખાતે આવેલ અને પોતે સંત કબીર રોડ ગઢીયાનગરમાં આવેલી સોના ચાંદીના દાગીના લેવા મોકલવાનું કામ કરતી ઉદય કાર્ગો પેઢીના માલિક ઉદયભાઇ છે તેવી ઓળખાણ આપી હતી. તેમજ કહેલુ કે તમારે કોઇ સોના-ચાંદીના દાગીના મોકલવા હોય તો મને કહેજો તેમ વાત કરી હતી. અમારી વચ્ચે આ ચર્ચા થયા બાદ મેં તેની પેઢી મારફત ચાર પાંચ વખત મારા પાર્સલ પટના, મુજફ્રપુર તથા સાસારામ-બિહાર મોકલ્યા હતાં. આ પાર્સલ પહોંચી ગયા હતાં. એ પછી આજથી અઢી વર્ષ પહેલા ઉદય કાર્ગો કંપની બંધ થઇ ગઇ હતી. દોઢેક વર્ષ પહેલા ઉદય અને તેની સાથે અન્ય એક શખ્સ હતો. તેની ઓળખ અશોક ત્યાગી તરીકે અપાઇ હતી. ઉદયએ કહેલુ કે મેં મારી કંપની બંધ કરી છે અને હવે હું એપીએસ સિક્યોર લોજીસ્ટીક નામની કંપનીમાં જોડાયો છું. તેમાં હું પટના-બિહારની બ્રાંચ સંભાળુ છું. અમારી એપીએસ સિક્યોર લોજીસ્ટીકની બ્રાંચ રણછોડનગર ભીમા લુણાગરીયા શેરીમાં ચાલુ કરી છે. આ બ્રાંચ મારી સાથેના અશોક ત્યાગી સંભાળે છે. જે દિલ્હીની ઓફિસે બેસીને ત્યાં પણ બ્રાંચ સંભાળે છે. આ કંપનીમાં મારુ પહેલા જેવુ જ કામ છે. તમે અમારી કંપનીને કામ આપજો તેમ વાત કરી હતી. ત્યારબાદ આશરે ચારેક મહિના પહેલા બે વખત અશોક ત્યાગી મારી પેઢી ખાતે આવેલ અને અમારી કંપનીમાં પાર્સલ મોકલો તો વાંધો નહિ આવે તેમ વાત કરી હતી. તેમજ અન્ય બે ત્રણ પેઢીના રેફરન્સ પણ આપ્યા હતાં. તેમજ એવી વાત કરી હતી કે રાજકોટ બ્રાંચનું કામ વિનોદ મલીક સંભાળશે તેમ કહી તેની સાથે પણ મારી મુલાકાત કરાવી વિનોદ મલીકના ફોન નંબર મને આપ્યા હતાં.આ પછી મેં સોૈ પ્રથમ વખત મે-૨૦૨૪માં સોનાના દાગીનાનું પાર્સલ મુજફરપુર બિહાર ખાતે મોકલ્યું હતું. આ માટે વિનોદ મલિકનો સંપર્ક કર્યો હતો. વિનોદ મારી પેઢી ખાતે આવેલો અને તેણે અશોક ત્યાગી સાથે ફોન પર વાત કરી શિવ એન્ટરપ્રાઇઝવાળા મહેશભાઇનું મુજફરપુરનું પાર્સલ છે એ હું કલેક્ટ કરવા આવ્યો છું. મારા એ પાર્સલમાં રૂા. ૧૪ લાખના સોનાના દાગીના હતાં. જે પાર્સલ મુજફરપુર પહોંચી ગયું હતું. એ પછી ૧૨/૭/૨૪ના રોજ મેં ફરીથી રૂા. ૩૯,૨૪,૯૯૫ની કિંમતના ૬૬૫.૬૨૦ ગ્રામ ૧૮ કેરેટના સોનાના દાગીનાનું પાર્સલ એપીએસ સિક્યોર લોજીસ્ટીક કંપનીના પાર્સલ કલેક્શન કરનાર વિનોદ ત્યાગી મારફત ફરીથી મુજફરપુર-બિહાર મોકલવા આપ્યુ હતું. તેની પહોંચ પણ વિનોદે મને આપી હતી. ત્યારબાદ ૧૫/૭/૨૪ના રોજ મની અલંકાર પેઢીવાળા સુર્યામનીભાઇને મેં મુજફરપુર ખાતે ફોન કરી પાર્સલ મળ્યું છે કે કેમ? તે પુછતાં તેણે પાર્સલ મળ્યું નથી તેમ કહ્યું હતું. આથી મેં એપ્સ સિક્યોરની વેબસાઇટ પર પાર્સલ ટ્રેકીંગમાં જોતાં પાર્સલ દિલ્હીથી નીકળી ગયાનું દેખાડતું હતું. જેથી મેં ઉદયને પટના ખાતે ફોન કરતાં તેણે તમારુ પાર્સલ ૧૨/૭/૨૪ના રોજ દિલ્હીથી પટના (બિહાર) ખાતે આવવા નીકળી ગયુ હતું પણ પટના ખાતે મળ્યું નથી, દિલ્હીમાં જ ગૂમ થઇ ગયું છે અને હું તેની તપાસ કરી રહ્યો છું તેમ કહ્યું હતું. આથી મેં તેને પાર્સલ એમ કેવી રીતે ગૂમ થઇ જાય? તેમ પુછતાં ઉદયએ તેની મારી પાસે માહિતી નથી, ત્રણ ચાર દિવસમાં તમને જણાવીશ તેમ કહ્યું હતું.
આ પછી મેં અશોક ત્યાગીને ફોન કરતાં તેણે પણ પાર્સલ દિલ્હી પહોંચ્યા બાદ ગૂમ થઇ ગયાનું કહ્યું હતું. તેણે એવુ પણ કહ્યું હતું કે અમારા માણસે દિલ્હીથી પાર્સલ ટ્રેન મારફત પટના મોકલવા દિનેશ નામના શખ્સને આપ્યું હતું. પરંતુ પટના પાર્સલ પોહંચ્યું નથી. જેથી મેં અશોક ત્યાગીને દિલ્હીથી પાર્સલ ગૂમ થયું હોઇ દિલ્હીમાં ફરિયાદ કરવાનું અને એફઆઇઆરની કોપી આપવાનું કહેતાં તેણે યોગ્ય જવાબ આપ્યો નહોતો. મેં અશોક ત્યાગીને એમ પણ કહેલુ કે તમારી ઓફિસેથી પાર્સલ ગૂમ થયું હોઇ તમારી જવાબદારી બને છે, હું તમારા એમડી સાથે પણ વાત કરીશ. આ પછી દસેક દિવસ બાદ અશોક ત્યાગી રાજકોટ મારી પેઢી ખાતે આવેલો ત્યારે કહેલુ કે તમારા પાર્સલના પુરા રૂપિયા તમને આપી દજઇશ પણ મને સમય આપો. હું તમને કટકે કટકે રૂપિયા આપીશ. જેથી મને વિશ્વાસ થતાં મેં સિક્યુરીટી પેટે ચેક માંગતા અને લખાણ માંગતા તેણે ચેકબૂક હાલમાં નથી, ૧૮ ઓક્ટોબરે હું રાજકોટ આવીશ ત્યારે આપીશ તેમ જણાવ્યું હતું. આ પછી અશોક ત્યાગીએ મને એપીએસ સિક્યોર કંપનીના કેનેરા બેંકના ત્રણ ચેકના ફોટા મને મોકલી કહેલુ કે લખાણ અને ચેક રાજકોટ આવીને આપી જઇશ. પરંતુ ૧૮/૧૦/૨૪ના રોજ અશોક રાજકોટ ન આવતાં અને ફોન પણ નહિ ઉપાડતાં તેની રાજકોટ ઓફિસે તપાસ કરતાં મકાન માલિકે કહેલુ
કે આ કંપનીવાળા ચાર પાંચ દિવસ પહેલા ઓફિસ ખાલી કરીને જતાં રહ્યા છે. મેં મારી રીતે શોધખોળ કરવા છતાં અશોક ગુપ્તા કે બીજા કોઇનો સંપર્ક ન થતાં અંતે હવે ફરિયાદ નો઼ધાવી હતી. તેમ વધુમાં મહેશભાઇએ જણાવતાં બી-ડિવીઝન પીઆઇ એસ.એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ એ. બી. ચોૈધરીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:23 PM IST)










