તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
મનપાએ 'વિઝિટર્સ ડેસ્ક' નામનો નવો વિભાગ શરૃ કર્યો
RMC ની અનોખી પહેલઃઆ માટે મનપાએ વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ નામની એક ખાસ એપ્લિકેશન પણ વિકસાવી છે

રાજકોટ,તા.૧૬
મહાનગરપાલિકાએ નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવવા માટે એક નવતર પહેલ કરી છે. મનપાએ 'વિઝિટર્સ ડેસ્ક' નામનો નવો વિભાગ શરૃ કર્યો છે, જ્યાં નાગરિકો સીધા કમિશનરને પોતાની સમસ્યાઓ જણાવી શકશે.નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ પહેલ વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, આ વિભાગમાં નાગરિકોની ફરિયાદોની નોંધણી કરવામાં આવશે અને તેને સીધી જ સંબંધિત વિભાગના અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવશે. આ માટે મનપાએ વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ નામની એક ખાસ એપ્લિકેશન પણ વિકસાવી છે.
આ નવી વ્યવસ્થા અંતર્ગત, જ્યારે કોઈ નાગરિક કમિશનરને મળવા આવે, ત્યારે તેમના મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. OTP એન્ટર કરતાં જ, તે વ્યક્તિની મનપા સાથે સંબંધિત તમામ માહિતી કમિશનરના ડેસ્ક પર ઉપલબ્ધ થઈ જશે. આ સિસ્ટમમાં ફરિયાદોને ત્રણ કેટેગરીમાં - ગ્રીન, યલો અને રેડ ચેનલમાં વર્ગીકૃત કરવામાં આવશે અને તે મુજબ તેનું નિરાકરણ લાવવામાં આવશે. કમિશનર સુમેરાએ વધુમાં જણાવ્યું કે, આ નવી વ્યવસ્થાથી નાગરિકોની ફરિયાદોનું ઝડપી અને અસરકારક નિરાકરણ આવશે. તેમણે ઉમેર્યું કે જ્યારે નાગરિક તેમને મળવા આવે, ત્યારે તમામ માહિતી ઉપલબ્ધ હોવાથી જવાબદાર અધિકારીઓનો તાત્કાલિક ફીડબેક લઈ શકાશે અને સમસ્યાનું નિરાકરણ ઝડપથી લાવી શકાશે. આ પહેલથી રાજકોટની ખરડાયેલી છબી સુધારવામાં મદદ મળશે અને નાગરિકોને પોતાની સમસ્યાઓના ઉકેલ માટે લાંબી રાહ નહીં જોવી પડે. મનપાની આ નવતર પહેલથી વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે અને નાગરિકોને વધુ સારી સેવાઓ મળી શકશે.
(10:10 PM IST)










