<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

રાજકોટ એઇમ્‍સના ડાયરેકટર કટોચ ટર્મીનેટઃ સનસનાટી

બાંધકામમાં ભ્રષ્‍ટાચાર-ભરતીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો બાદ મળેલ રીપોર્ટના આધારે કાર્યવાહી

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ એઇમ્‍સના વિવાદાસ્‍પદ ડાયરેકટર ડો. કર્નલ ચંદનદેવસિંઘ કટોચને તાદિકના આદેશથી ટર્મીનેટ કરવાનો આદેશ આવતા ખળભળાટ મચી ગયો છે, રાજકોટ એઇમ્‍સના ડોકટરો તથા અન્‍ય સ્‍ટાફમાં સોંપો પડી ગયો છે.

કેન્‍દ્ર સરકારના હેલ્‍થ અને ફેમેલી વેલફેર ખાતાએ બાંધકામમાં ભ્રષ્‍ટાચાર અને ભરતીમાં ગેરરીતિના આક્ષેપો તથા રાજકોટ એઇમ્‍સના એક મહિલા ડોકટરે કલેકટર અને પોલીસ સમક્ષ કરેલ ફરીયાદો બાદ તપાસનો રીપોર્ટ આવી જતા તા. ૧૩ જાન્‍યુઆરી ર૦રપ ના રોજ કટોચને ટર્મીનટ કરતો હુકમ કરાયો છે, મંત્રાલયે જરૂરી પગલા ભરવાની પણ સુચના આપી છે.

કેન્‍દ્ર સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગે ૧૩ જાન્‍યુઆરીએ રાજકોટ એઇમ્‍સના એકિઝકયુટીવ ડાયરેકટરને તાત્‍કાલીક ટર્મિનેટ કરવા આદેશ જાહેર કર્યો છે. સાથેસાથે તેમના કાર્યકાળમાં થયેલ ગેરરીતિનો રિપોર્ટ રજૂ કરી જરૂરી પગલા ભરવા નિર્દેશ કરાયો છે. બીજી તરફ નવા ડાયરેકટરની ભરતી કરવા જાહેરાત પણ અપાઇ છે.

બીજી બાજુ તબીબો અને અધિકારીઓ સરકારના આ પગલાને આવકારી રહ્યા છે. અને કહી રહયા છે કે, સરકાર ખોટા વ્‍યકિતને ચલાવતી નથી. પાકા પુરાવા રજૂ કરવામાં આવે તો સરકાર ચોકકસથી પગલા લેતી હોય છે. ૧૧૯પ કરોડના ખર્ચે તૈયાર થયેલી એઇમ્‍સનું ર૦ર૪ ની રપ ફેબ્રુ. એ પીએમ મોદીના હસ્‍તે લોકાર્પણ થયું હતું.

(10:17 AM IST)