તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
૪ વૃધ્ધાઓને બેભાનીયા પીણા પાઇ લૂંટ કરનાર એભો વાઘેલા અને તેની પત્નિ નાથી પકડાયા
મુળ મહુવાનું દંપતિ વર્ષોથી રામધણ પાસે ઝૂપડામાં રહે છેઃ બિમારીની દવા માટે પૈસાની જરૂર પડતાં લૂંટના રવાડે ચડયા! બાવન વર્ષની નાથીની ઉંઘની દવા ચાલુ હોઇ તેના આધારે દવા મેળવતાં હતાં: તમામ મુદ્દામાલ કબ્જેઃ પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ બી.આર. ભરવાડ અને ટીમની કાર્યવાહી હરપાલસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા અને મહાવીરસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૧૮: શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ચાર વૃધ્ધાઓઅને ભોળવી દવાખાનાનું સરનામુ બતાવવાના નામે, તમે મારા દિકરી જેવા છો તમને ઠંડુ પીવડાવવું છે તેમ કહીને તેમજ તમને ચક્કર આવતાં હોય તો આરામ કરો, તમને ઠંડુ પીવડાવીએ તેમ જણાવી વૃધ્ધાઓને ઘેની ચા, સોડા, લચ્છી, સરબત પાઇ અર્ધબેભાન કરી લાફા મારી રોકડા-દાગીના લૂંટી લેવાની ચાર ઘટનાનો તાલુકા પોલીસે ભેદ ઉકેલી મુળ ભાવનગરના મહુવાના અને વર્ષોથી રાજકોટ રહેતાં તેમજ હાલ મવડી રામધણ પાછળ ઝૂપડામાં રહેતાં એભા કમાભાઇ વાઘેલા (ઉ.વ.૫૨) અને તેની પત્નિ નાથી એભાભાઇ વાઘેલા (ઉ.વ.૫૨)ને તાલુકા ડી. સ્ટાફના હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. જયપાલસિંહ સરવૈયા, કોન્સ. મહાવીરસિંહ જાડેજાની બાતમી પરથી પકડી લેવાયા છે. આ બંને પાસેથી ચારે ગુનાનો મુદ્દામાલ સોનાની બુટી, દાણો, રોકડા, સોનાના કાપ, કાનની નખલી, બુટીયા, બુટી મળી કુલ રૂા. ૨,૧૧,૫૦૦ના દાગીના અને રોકડા રૂા. ૫ હજાર, મોબાલઇ ફોન કબ્જે કરાયા છે.
આ બંને પતિ-પત્નિ છુટક મજૂરી કરે છે. જે પૈકી પત્નિ નાથી બિમાર રહેતી હોઇ દવા સારવારનો ખર્ચ કાઢવા પૈસાની જરૂર પડતાં એક વૃધ્ધાને બેભાન કરી રોકડ-દાગીના લૂંટી લીધા બાદ બીજા ત્રણ ગુના આચરી લીધા હતાં. નાથીની ઉંઘની દવા ચાલુ હોઇ તેનો પાવડર કરી તેઓ જે તે વૃધ્ધાને ઠંડાપીણા, ચામાં ભેળવીને પાઇ દેતાં હતાં. આવો પાવડર અને એક મોપેડ પણ કબ્જે કરાયા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અનુસાર પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ બી. આર. ભરવાડ, હેડકોન્સ. કોૈશેન્દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા, કોન્સ. નિકુંજભાઇ મારવીયા, ઉગાભાઇ બાળા, જયપાલસિંહ સરવૈયા, મહાવીરસિંહ જાડેજા, સંજયભાઇ માંડાણી, અક્ષયભાઇ નાથાણી, પુષ્પાબેન પરમાર અને નયનકુંવરબા ચુડાસમાએ આ કામગીરી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે વૃધ્ધ વડીલો એકલા બહાર નીકળે ત્યારે અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો, ચા કે બીજા પીણા પીવા નહિ. કોઇ જબરદસ્તીથી વાત કરવાનો કે ઓળખાણ કાઢવાનો પ્રયાસ કરે તો બૂમાબૂમ કરી આજુબાજુના લોકોનું ધ્યાન દોરવું. ઘરેથી વડીલો બહાર જાય ત્યારે ઘરના બીજા સભ્યોના નંબર તથા પોલીસના નંબર સાથે રાખવા, મોબાઇલ હોય તો સ્પીડ ડાયલમાં આ નંબર રાખવા અને નંબર કેમ ડાયલ થાય તે શીખવવું.
(3:43 PM IST)










