<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

ભગવતીપરાના સલૂન સંચાલકે પોતાના નામે એકાદ કરોડની લોન લઇ દીધા બાદ મિત્રોએ ભરપાઇ ન કરતાં ઝેર પી આપઘાત

બંને મિત્રોએ લોન-વ્‍યાજ ભરવાનું બંધ કરી દેતાં મનિષભાઇને ભરપાઇ કરવી પડતી હતીઃ છેલ્લે કંટાળીને આત્‍મઘાતી પગલુ ભર્યુઃ જવાબદારો સામે ગુનો દાખલ કરવા પરિવારજનોની માંગણી

રાજકોટ તા. ૧૮: શહેરના ભગવતીપરા મેઇન રોડ પર ઝમઝમ બેકરી પાસે રહેતાં મનિષભાઇ જેન્‍તભાઇ ભટ્ટી (ઉ.વ.૪૫) નામના આધેડે ઘર નજીક આવેલા પોતાના ઓમ સાઇ સલૂનમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. મનિષભાઇએ પોતાના નામે મિત્રોને એકાદ કરોડથી વધુની લોનો ફાયનાન્‍સ પેઢી અને બીજા લોકો પાસેથી લઇ દીધી હતી. પરંતુ મિત્રો આ લોન ભરતાં ન હોઇ પોતાને હપ્‍તા ભરવા પડતાં હતાં. છેલ્લે પોતે હપ્‍તા ન ભરી શકતાં અને ઉઘરાણી વધી જતાં કંટાળીને આ પગલુ ભર્યાનું જણાવાયુ હતું.

આપઘાત કરનારા મનિષભાઇને સંતાનમાં બે પુત્ર છે. પોતે ભગવતીપરા મેઇન રોડ પર માધવ પાન સામે સાઇ સલૂન નામે હેર કટીંગની દૂકાન ચલાવતાં હતાં. તેમના પુત્રએ કહ્યું હતું કે પિતાના બે મિત્રોને સાબુની એજન્‍સી ચાલુ કરવા પૈસાની જરૂર હોઇ આ બંનેએ મારા પિતાના નામે લોન લેવાની વાત કરી હતી. મિત્રતાના નામે મારા પિતાએ ફાયનાન્‍સમાંથી ચાલીસ લાખની લોન અપાવી દીધી હતી.  આ ઉપરાંત અન્‍ય પર્સલન લોન સહિત એકાદ કરોડનો લોન પોતાના નામે લઇ મિત્રોને મદદ કરી હતી. પરંતુ મિત્રો લોન ભરતાં ન હોઇ હપ્‍તા ચડી ગયા હતા. પાંચેક વર્ષથી આ રીતે હપ્‍તા અને વ્‍યાજ ચડત થઇ ગયા હતાં. બીજી તરફ ઉઘરાણી મારા પિતા પાસે થતી હોઇ તે કટાળી જતાં આ પગલુ ભરી લેવા મજબુર થયા હતાં. હાલ તે સદ્દભાવના હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ડીડી લેવડાવ્‍યું હતું. જેમાં સુરેશ અને સંજયને ત્રીસ લાખ અને સિત્તેર લાખ લઇને તથા ફાયનાન્‍સમાંથી ચાલીસ લાખ લઇને આપ્‍યા હતાં. જવાબદારો સામે કાર્યવાહી કરવા મૃતકના પરિવારજનોએ માંગણી કરી હતી.

(3:43 PM IST)