તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
મનપાના બોર્ડમાં કોંગ્રેસ ગેરહાજરઃ ૩૮ પૈકી એક જ પ્રશ્નની ચર્ચા
વિપક્ષના ચારેય સભ્યોએ રજા રિપોર્ટ મુકી દીધોઃ સામાન્ય સભામાં પ્રથમ પ્રશ્નના જવાબમાં ડ્રેનેજ, વોટરવર્કસ અને બાંધકામની કામગીરીની વિસ્તૃત માહીતી આપતા મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા

રાજકોટ તા.૧૮: મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા આજે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ભાજપના કોર્પોરેટર હાર્દિક ગોહીલના વિવિધ શાખામાં કામગીરીના એકમાત્ર પ્રશ્નની ચર્ચા થઇ હતી. બાકીના પ્રશ્નો માટે સમય મળ્યો ન હતો.
મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની પ્રજાલક્ષી કામગીરીની ચર્ચા માટે દર બે માસ દરમિયાન જનરલ બોર્ડ બોલાવવામાં આવતું હોય છે. જેમાં સ્ટેન્ડીંગમાં મંજુર થયેલ અગત્યની દરખાસ્તનો એજન્ડા પણ રજૂ થાય છે. પરંતુ દર વખતે જનરલ બોર્ડમાં વિપક્ષ સભ્ય દ્વારા પ્રશ્નોતરી દરમિયાન દખલગીરી કરવામાં આવે છે તે દરમિયાન શાસકપક્ષ દ્વારા પણ આક્ષેપોના જવાબો આપી બોર્ડનો સમય પૂર્ણ કરી દેવાતો હોય છે. જેમાં આજના જનરલ બોર્ડમાં વિપક્ષના ચારેય કોર્પોરેટરો ગેરહાજર રહેતા શાસકપક્ષના કોર્પોરેટર દ્વારા પુછવામાં આવેલ ડ્રેનેજ, વોટરવર્કસ અને બાંધકામ વિભાગના એક પ્રશ્નના જવાબમાં શાંતિપૂર્ણ બોર્ડની કામગીરી પૂર્ણ થઈ હતી.
મહાનગરપાલિકાના આજના જનરલ બોર્ડમાં સૌપ્રથમ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રધ્ધાંજલી આપ્યા બાદ બોર્ડની કામગીરી શરૂ કરવામાં આવી પ્રથમ પ્રશ્ન ભાજપના કોર્પોરેટરનો હોવાથી કમિશનર દ્વારા તેનો જવાબ શરૂ કરવામાં આવેલ ડ્રેનેજ, વોટરવર્કસ અને બાંધકામ વિભાગના આજ સુધી થયેલા રૂા. ૬૭૨૬૧ લાખના ૭૬૩ કામો પૂર્ણ થયાની યાદી આપવામાં આવેલ તેમજ હાલમાં ચાલુ રહેલા ૯૩૨૧ લાખના ૧૧૯ કામોની સંપૂર્ણ વિગત મ્યુનિસપલ કમિશનરે બોર્ડમાં આપી હતી. ત્યારે કોર્પોટર દ્વારા આ તમામ જવાબ લેખીતમાં પણ માંગવામાં આવેલ નિયમ મુજબ પ્રશ્નોતરી દરમિયાન પ્રશ્નનો જવાબ બોર્ડમાં આપવામાં આવતો હોય છે ત્યાર બાદ પ્રશ્ન પુછનારને લેખીત માટે એક કોપી આપવાનો નિયમમાં છે છતાં શાસકપક્ષના કોર્પોરેટરે જવાબ લેખીતમાં પણ માંગતા સૌને આશ્ચર્ય થયું હતું.
જનરલ બોર્ડમાં પ્રશ્નના જવાબ પૂર્ણ થયા બાદ ૯ દરખાસ્તનો એજન્ડા રજૂ કરવામાં આવેલ જો સર્વાનુમતે મંજુર થયેલ છે
(3:57 PM IST)










